વિલાયતી શિરીષ (રાતો શિરીષ)
February, 2005
વિલાયતી શિરીષ (રાતો શિરીષ) : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Enterolobium saman Prain = Samanea saman Merrill syn. Pithecolobium (Pithecellobium) saman Benth. (ગુ. વિલાયતી શિરીષ, રાતો શિરીષ, રાતો સડસડો, સન્મન; બં. બેલાતી સિરિસ; ત. થુંગુમૂંજી; તે. નિદ્રાગાન્નેરુ; અં. રેઇન ટ્રી) છે. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂલનિવાસી, પર્ણપાતી (deciduous), અને 18 મી.થી 24 મી. ઊંચું વૃક્ષ છે. પાનખર ઋતુમાં તે સાવ ઠૂંઠું થઈ જતું નથી. તેનું મુખ્ય થડ ટૂંકું અને પર્ણમુકુટ ફેલાતો અને વિસ્તૃત હોય છે. પર્ણો યુગ્મ દ્વિપિચ્છાકાર (bipinnate) સંયુક્ત પ્રકારનાં હોય છે. પર્ણિકાઓ તિર્યકી (oblique), અંડ-લંબચોરસ (ovate-oblong) કે ગોળાકાર, લગભગ 3.0 સેમી.થી 4.0 સેમી. લાંબી, ઉપરની સપાટીએથી ચળકતી અને નીચેની સપાટીએથી મૃદુ રોમિલ (downy) હોય છે. રાત્રે અથવા વરસાદ પડવાથી તેમનું ગડીકરણ (folding) થાય છે અને તેઓ ઝૂકી જાય છે. પુષ્પો રાતાં કે ગુલાબી ગોળાકાર મુંડક (head) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેમનો વ્યાસ લગભગ 5.0 સેમી. જેટલો હોય છે. પુષ્પનિર્માણ માર્ચ-એપ્રિલ અને ઑક્ટોબર-નવેમ્બરમાં થાય છે. પુષ્પો મંદ-સુગંધિત હોય છે. ફળ અદંડી, અસ્ફોટી (indehiscent), શિંબી (legume) પ્રકારનું, 15 સેમી.થી 20 સેમી. લાંબું અને 1.2 સેમી.થી 2.5 સેમી. પહોળું અને ચપટું હોય છે અને તેના શર્કરાયુક્ત ખાદ્ય ગરમાં 10થી 12 બીજ ખૂંપેલાં હોય છે.
આ વૃક્ષનું થડ અને શાખાઓ પ્રમાણમાં બરડ હોવાથી મોટા વાવાઝોડા વખતે તે કે તેની શાખાઓ તૂટી જાય છે. ભારતના ઘણા ભાગોમાં વૃક્ષવીથિ (avenue) તરીકે અથવા શોભન (ornamental)- વૃક્ષ કે છાયાવૃક્ષ તરીકે તે ઉગાડવામાં આવે છે. માડાગાસ્કરમાં વેનિલા, કૉફી, કોકો, મરી વગેરે અગત્યની આર્થિક વનસ્પતિઓના છાયા-વૃક્ષ તરીકે તે વાવવામાં આવે છે. યુગાન્ડા અને ઇંડોનેશિયામાં તે કૉફીને છાયા આપવા માટે ઉપયોગી છે, પરંતુ ચા માટે તે પ્રતિકૂળ ગણાય છે. ઇંડોનેશિયામાં જાયફળના છાયા-વૃક્ષ તરીકેની તેની ભલામણ કરવામાં આવી છે.
તેનું પ્રસર્જન બીજ કે કટકારોપણ દ્વારા કરવામાં આવે છે તેમાં 40 સેમી.થી 50 સેમી.થી ઊંચા ન હોય તેવા નાના રોપા વાવવામાં આવે છે, જેથી વાવાઝોડા વખતે રોપા ઊખડી પડે નહિ. આ વૃક્ષો નજીક વાવવાં હિતાવહ નથી. તેમની વચ્ચે 10 મી. જેટલું અંતર હોવું જરૂરી છે.
તે ઉષ્ણ અને ભેજવાળી જમીનમાં સારી રીતે થાય છે અને તેની વિસ્તૃત અને ગાઢ છાયાને લીધે ઘાસની જાતિઓનો નાશ કરે છે. તે શુષ્ક અને ખુલ્લી જમીનમાં પણ ઊગી શકે છે. પરંતુ તેથી ઓછી ઊંચાઈએ શાખિત બને છે. તેનું સામયિક શાખા-કર્તન (lopping) કરવાથી તેની ઇચ્છિત ઊંચાઈ જાળવી શકાય છે.
તેનાં પર્ણો અને ફળ ઢોરો માટે ચારા તરીકે ઉપયોગી છે. લીલાં અને કુમળાં પર્ણો ઢોરોને રુચિકર હોય છે. પાંચ વર્ષથી નાનાં વૃક્ષના પ્રથમ શાખા-કર્તન દરમિયાન લગભગ 544 કિગ્રા. લીલો ચારો ઉત્પન્ન થાય છે. લીલાં પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 47.78 %, અશુદ્ધ પ્રોટીન 10.22 %, લિપિડ 2.13 %, અશુદ્ધ રેસો 15.73 %, અદ્રાવ્ય કાર્બોદિતો 22.19 % અને ભસ્મ 1.95 % કાપી નાખેલી શાખાઓનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે. પર્ણનો સરેરાશ શુષ્ક નમૂનો 3.25 % જેટલો નાઇટ્રોજન ધરાવે છે.
શિંગો ઢોરો તેમજ ઘોડાઓ માટેનો કીમતી ખોરાક ગણાય છે; કેમ કે તે શર્કરાયુક્ત ગર ધરાવે છે. દૂઝણી ગાયના દૂધની ગુણવત્તામાં પણ તેનાથી સુધારો થાય છે. શિંગો માર્ચથી મે દરમિયાન પાકે છે અને ઢોરો માટે શુષ્ક ઋતુમાં ચારાની અછત હોય કે ચારાનો ભાવ ઊંચો હોય ત્યારે તેનો ઉપયોગ કરવો લાભદાયી ગણાય છે. શિંગોને સૂકવીને સંગ્રહી શકાય છે. 15 વર્ષનું પૂર્ણ વિકસિત વૃક્ષ દરેક ઋતુએ લગભગ 227થી 272 કિગ્રા. શિંગોનું ઉત્પાદન કરે છે.
આખી શિંગો, મીંજ (Kernal) અને બીજનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : શિંગપાણી 15.3 %, ભસ્મ 3.2 %, લિપિડ 2.1 %, પ્રોટીન 12.7 %, અશુદ્ધ રેસો 11.4 % અને કાર્બોદિતો 55.3 %; મીંજપાણી 16.1 %, ભસ્મ 3.0 %, લિપિડ 1.3 %, પ્રોટીન 10.6 %, અશુદ્ધ રેસો 10.8 % અને કાર્બોદિતો 58.5 %; બીજપાણી 7.6 %, ભસ્મ 3.5 %, લિપિડ 4.3 %, પ્રોટીન 28.6 %, અશુદ્ધ રેસો 14.1 % અને કાર્બોદિતો 42.0 %.
પાકી શિંગોનો ગર કિણ્વનયોગ્ય (fermentable) શર્કરાઓ વિપુલ પ્રમાણમાં ધરાવે છે અને તેનો આલ્કોહૉલના ઉત્પાદન માટે ઉપયોગ કરી શકાય છે. 100 કિગ્રા. શિંગના કિણ્વનથી 11.5 લીટર આલ્કોહૉલ ઉત્પન્ન થાય છે.
છાલમાં બે ઍલ્કલૉઇડ C8H17ON અને C17H36ON3 (પિથેકોલોબિન) અને સેપોનિન (સામારિન) હોય છે, જેનું જલાપઘટન (hydrolysis) કરતાં એગ્લુકોન (C23H36O4), ઍૅરેબિનોઝ, ગ્લુકોઝ અને ર્હેમ્નોઝ ઉત્પન્ન થાય છે. અલગ કરેલા આંતરડા ઉપર સામારિનની પ્રકોપક (irritant) અસર થાય છે.
વૃક્ષ દ્વારા ઘેરા રંગનો નીચી ગુણવત્તાવાળો ગુંદર ઉત્પન્ન થાય છે. તે પાણીમાં ફૂલે છે અને સખત કાસ્થિ જેવો જથ્થો બનાવે છે. ગુંદર અનિયમિત ગાંગડા સ્વરૂપે અને કૃમિરૂપ ટુકડાઓ સ્વરૂપે થાય છે. તે શુદ્ધ સ્વરૂપે કે અન્ય ગુંદર સાથે મિશ્રિત સ્વરૂપે બજારમાં મળે છે.
કાષ્ઠ હલકું (વજન 416 કિગ્રા.થી 496 કિગ્રા./મી.) અને પોચું હોય છે અને રાચરચીલું બનાવવા માટે યોગ્ય ગણાય છે; પરંતુ તેનો ભાગ્યે જ રાચરચીલા માટે કે બળતણ માટે ઉપયોગ થાય છે. તે લિગ્નિન 30.44 %, સેલ્યુલોઝ 50.89 %, α-સેલ્યુલોઝ 38.35 % અને ભસ્મ 0.27 % ધરાવે છે. દક્ષિણ ભારત અને મ્યાનમારમાં આ વૃક્ષ લાખ ઉત્પન્ન કરતાં કીટકોનું એક મહત્વનું યજમાન મનાય છે. આ લાખની ગુણવત્તા નીચી હોય છે. તે લાલ રંગની અને બરડ હોય છે.
તે શિરીષ(Albizzia lebbek Benth.)નું જાતભાઈ છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ