વિલંબશુલ્ક : કરાર હેઠળ સ્વીકારેલું કાર્ય, સમયસર પૂરું કરવામાં નિષ્ફળ જનારે કરવી પડતી નાણાકીય ચુકવણી. વિલંબ-શુલ્ક-(demurrage)નો કરારમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ કરાર ચોક્કસ મુદતમાં પૂર્ણ કરવાનો હોય, પરંતુ પક્ષકાર તે કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ ન કરી શકે તો તેણે વિલંબ-શુલ્ક આપવું પડે છે. આ વિલંબ-શુલ્ક નિયત મુદત પૂરી થઈ ગયા પછી (after expiry of lay days) વધારાના વીતેલા દિવસદીઠ ચોક્કસ દરે આપવું પડે છે. જેથી સામા પક્ષને વિલંબના લીધે થનાર નુકસાનની ભરપાઈ કરી શકાય. મોટે ભાગે આવા વિલંબ-શુલ્કની કલમનો ઉલ્લેખ બાંધકામ (construction) અને જહાજપરિવહનના કરાર(shipping contract)માં કરવામાં આવે છે. કરારમાં જ્યારે માલ મોકલનાર અથવા મંગાવનાર કોઈ પક્ષકાર પોતાનો માલ જહાજમાં ચઢાવવા કે ઉતારવા માટે મુદત કરતાં વધારે દિવસ વિતાવે કે જહાજને રોકી રાખવામાં આવે ત્યારે જહાજના માલિકને જહાજ રોકવાના લીધે થતા નુકસાનની ભરપાઈ કરવા ચોક્કસ દરે વિલંબ-શુલ્ક આપવું પડે છે. જો કરારમાં મુદત અંગે ચોખવટ ન હોય તો વાજબી સમય(reasonable time)ને મુદત ગણવામાં આવે છે. આ જ રીતે રેલવેના વેગનને રોકી રાખવા માટે પણ વિલંબ-શુલ્ક આપવું પડે છે. વળી બાંધકામના કરારમાં જ્યારે બાંધકામ મોડું પૂરું થવાના લીધે સામેના પક્ષને નુકસાન થાય ત્યારે તેને ભરપાઈ કરવા પણ દિવસદીઠ ચોક્કસ દરે વિલંબ-શુલ્ક આપવામાં આવે છે. વિલંબના લીધે થતું નુકસાન વિલંબ-શુલ્ક કરતાં ઓછું હોય તોપણ વિલંબ-શુલ્ક નિયત દરે જ આપવું પડે છે.

પાવક વ્યાસ