વિલા (villa) : રોમન સ્થાપત્યમાં જમીનમાલિકનું રહેઠાણ અથવા ગ્રામીણ વિસ્તારમાં ખેતરની જગ્યાએ આવેલી એસ્ટેટ. રેનેસાંસ-સ્થાપત્યમાં તે ગ્રામીણ મકાન ગણાતું. લગભગ ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં કુટુંબ બહારની વ્યક્તિ માટે અલાયદું મકાન ગણવામાં આવતું. આવું મકાન સામાન્ય રીતે નગરની બહાર રાખવામાં આવતું. આધુનિક સ્થાપત્યમાં વિલાને એક નાનું અલાયદું મકાન માનવામાં આવે છે. શહેરીકરણને લીધે આ પ્રકારના મકાનનો વિકાસ થયો હતો. મકાનમાં પાંચ ગાળા (bays) હોય છે. પડાળી (corridor) સાથેના ઓરડાવાળા સાદા પ્લાનમાં પ્રવેશમાં કેન્દ્રીય માર્ગ હોય છે. મકાનમાં વધારાની હરોળ હોય છે. વિલાનું પ્રાંગણ સમચોરસ હોય છે અને તેમાં ગૌણ ઇમારતો આવેલી હોય છે. પ્રાંગણને ફરતો કોટ હોય છે. મુખ્ય કૉરિડૉરવાળા બ્લૉકની સન્મુખે કોટમાં દરવાજો હોય છે. બાંધકામની પદ્ધતિએ તેમાં પલ્લાડીન અસર જોવા મળે છે.

થૉમસ પરમાર