વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ

February, 2005

વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ : કર્ણાટકમાં આવેલું ચાલુક્ય-શૈલીનું મંદિર. આ મંદિર કાંચીપુરમના કૈલાસનાથના મંદિરને મળતું આવે છે. ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાએ પલ્લવો પર વિજય મેળવ્યો તે ભવ્ય પ્રસંગની યાદમાં તેની બે રાણીઓએ આ મંદિર લગભગ ઈ. સ. 740ની આસપાસ બંધાવ્યું હતું. આ મંદિરનું મૂળ નામ લોકેશ્વર હતું. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.

વિરૂપાક્ષનું મંદિર

મંદિરની સન્મુખે છૂટો નંદિમંડપ આવેલો છે. મંદિરને આવૃત્ત પ્રાકાર છે. પ્રાકારની ઉપર આવેલા કૂટ અને શાલ મામલ્લપુરમના દરિયાકાંઠાના મંદિરને મળતા આવે છે. ઊર્ધ્વમાનની દૃષ્ટિએ આ મંદિરમાં દક્ષિણ ભારતીય મંદિરોનાં લક્ષણો નજરે પડે છે. 120 ફૂટ લાંબા આ મંદિરની રચના સૌષ્ઠવપૂર્ણ અને આયોજનબદ્ધ છે. તેનું શિખર પિરામિડ આકારનું છે. આ શિખર ટોચ બાજુ જતાં નાનાં થતાં જતાં થરોનું બનેલું છે. દરેક પ્રવેશચોકીની પાછળની બાજુએ ગોપુરમ્ છે. જાળીદાર બારીઓ અને ગવાક્ષો એકાંતરે ગોઠવેલાં છે. દીવાલમાંથી બહાર કાઢેલા અર્ધ-સ્તંભો (pilasters), કાટખૂણિયા થરો, જાળીદાર બારીઓ, પ્રવેશમુખ પરનાં સુશોભનો વગેરે જોતાં જણાય છે કે સ્થાપત્ય અને શિલ્પનો અહીં સુમેળ સધાયો છે. આ બધું જોતાં તેનો મુખ્ય સલાટ શિલ્પ-સ્થાપત્યની સ્થાનિક અને દ્રાવિડ શૈલીથી એકસરખો પરિચિત હોવાનું સ્પષ્ટ થાય છે.

થૉમસ પરમાર