વિરિયૉન : આર.એન.એ. કે ડી.એન.એ. ધરાવતા વાયરસના અખંડિત કણ. તેમાં વાયરસના મુખ્ય ભાગને ફરતે ગ્લાયકોપ્રોટિન કે લિપિડનું આવરણ હોય છે. જીવાણુ(bacteria)થીયે નાની અતિસૂક્ષ્મ સંરચના ધરાવતા સૂક્ષ્મગાળણ(ultra filtration) માંથી પસાર થઈ શકતા કણોને પ્રથમ વાર ડિમિટ્રિ ઇવાનોવસ્કી(Dimitri Ivanovsky, 1892)એ વનસ્પતિમાં રોગના અને લોફલર અને ફ્રોશે (Loeffler and Frosch, 1898) પશુના મોંવા(foot-and-mouth disease)ના કારક રૂપે શોધી કાઢ્યા, જેને વિષાણુ (virus) નામ અપાયું. દશકાઓના અભ્યાસ દરમિયાન તેની રચના અને અન્ય સજીવકોષો પર અસર કરતા પ્રકારોની પણ વિગતો મળી. સ્ટેનલી-(W. M. Stanley, 1935)એ તો તમાકુના રોગકારક TMV નામના વિષાણુને અણિશુદ્ધ સ્ફટિક સમા નિર્જીવ સ્વરૂપે પણ મેળવી બતાવ્યા.

વિષાણુ તેના મધ્ય ભાગ(core)માં DNA અથવા RNAનું કેન્દ્રીય અમ્લ (nucleic acid) અને તેના ફરતે પ્રોટીનના બનેલા બાહ્ય સુરક્ષાકવચ(capsid)ની સાદી સંરચના ધરાવે છે. કેટલાક વિષાણુઓ કવચની ફરતે વધારાનું ચરબીનું આવરણ (envelop) ધરાવે છે. વિરિયૉનના કણો તેના સુરક્ષાકવચની રચનામાં ઘણું જ વૈવિધ્ય ધરાવે છે, જેમાં પ્રોટીનના એકમો(capsomer)ની સર્પાકાર (helical) અથવા બહુત્રિકોણીય (polyhedral) પ્રકારની સુગ્રથિત ગોઠવણ મુખ્ય છે. નાનામાં નાના એડેનો વિષાણુ (Adenovirus) માત્ર 90 nm (nanometer = 106 મિમી.)નું કદ અને 1.1 x 1016 ગ્રામનું દળ ધરાવે છે; જ્યારે મોટા શીતળાના વિષાણુ (Vaccinia Virus) 260 nm અન 2.2 x 1015 ગ્રામનાં અનુક્રમે કદ અને વજન ધરાવે છે.

વિષાણુ અંગે રસપ્રદ હકીકત એ છે કે તેઓ વૃદ્ધિ-વિકાસ માટેની કોઈ જ આગવી સુવિધા ધરાવતા ન હોવાથી ‘સજીવ’ શબ્દને પૂર્ણત: ચરિતાર્થ કરતા નથી; તેમ છતાં જ્યારે યજમાનકોષના સંપર્કમાં આવે ત્યારે પોતાના કેન્દ્રીય અમ્લને કોષમાં પ્રવિષ્ટ કરાવી, કોષના વૃદ્ધિ-સંસાધનો પર કબજો જમાવ્યા બાદ તેના ઉપયોગ વડે વૃદ્ધિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. કેટલાક વિષાણુઓ કોષપ્રવેશ બાદ યજમાન કોષના જનીનદ્રવ્ય સાથે જોડાઈને ચુપચાપ કોષવૃદ્ધિ દરમિયાન નવી સંતતિમાં ફેલાવાનું પસંદ કરે છે, જેમાં પણ આખરે તો કોષના ભોગે મોટા પાયે વૃદ્ધિ કરવાનો જ આશય રહેલો હોય છે.

વિષાણુ જ્યારે મુક્ત સ્વરૂપે નિર્જીવ જેવી અવસ્થામાં રહેલો હોય ત્યારે તેને વિરિયૉન (Virion) કે વિષાણુકણ કહેવાય છે, જે ખરેખર તો કેન્દ્રીય અમ્લ અને પ્રોટીનની આણ્વિક ગોઠવણવાળા સમૂહ(nucleo capsid)થી વિશેષ નથી. જો આ ન્યૂક્લિયોકૅપ્સિડ તેના યજમાન કોષ પર સફળ હુમલો કરવા સમર્થ હોય તો જ તેને વિરિયૉન કહેવાય છે; અન્યથા માત્ર ન્યૂક્લિયોકૅપ્સિડથી ઓળખાય છે.

માનવજાતે વિષાણુની મદદથી જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા કેટલીયે સિદ્ધિઓ મેળવવા સાથે તેમના દ્વારા થતા રોગોથી કેટલીયે ખુવારીઓ વહોરી લીધી છે; તેમ છતાં વિરિયૉન એ સજીવ અને નિર્જીવની સાંકળોને જોડતી મહત્વની કડી હોવાથી જડ અને ચૈતન્ય સ્વરૂપની ભેદરેખાનો તાગ મેળવવાનું મહત્વનું સાધન મનાય છે.

ભૂપેશ યાજ્ઞિક