વિરાસત : ગુજરાતનું પ્રથમ ગ્રામીણ લોકકલા સંગ્રહાલય. તેની સ્થાપના પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે પોતાના વતન આકરુ(તા. ધંધૂકા)માં કરી હતી. 1979માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી એમાંથી જતે દહાડે વિરાસતની સ્થાપનાનાં બીજ રોપાયાં. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મિલમાલિકોના બંગલા જોઈને આકરુના પોતાના જૂના મકાનને તોડીને તેને ટ્રેડિશનલ લુક આપ્યો. પોતાના સન્માનમાં મળેલાં પાઘડી, સાફા, તલવાર, લોકશૈલીનાં સુંદર ચિત્રો વગેરેનો સંગ્રહ થતો રહ્યો. આકરુના ટેકરીવાળા ખેતરમાંથી હડપ્પીય સંસ્કૃતિનાં ચીતરેલાં વાસણો, વાટકા વગેરે મળ્યાં. મજાદરમાં કાગ બાપુના ઓરડામાં સચવાયેલ એમનો પલંગ, બાપુનો હોકો વગેરે ચીજ-વસ્તુઓ જોવા મળી. તેવી જ રીતે હેમુ ગઢવીની ચીજવસ્તુઓ જોવા મળી.
પૂ. મોરારિબાપુએ એ સંગ્રહાલયનું નામ ‘હેમતીર્થ’ આપેલું. એ પ્રસંગે શ્રી જોરાવરસિંહે એવું મ્યુઝિયમ બનાવવાનું પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. શહેરોમાં સંગ્રહાલયો ઘણાં છે પરંતુ ગામડામાં નથી. તેથી તેમણે પોતાના વતન આકરુમાં લોકકલાનું મ્યુઝિયમ બનાવ્યું અને તેને ‘વિરાસત’ એવું નામ આપવામાં આવ્યું. વિશાલા અને વિચાર મ્યુઝિયમના સ્થાપક આર્કિટૅક્ટ શ્રી સુરેન્દ્રભાઈ પટેલે આકરુમાં પ્રાચીન હવેલી ટાઇપનું મકાન તૈયાર કરી આપ્યું. વિરાસતનું અંદરનું ઇન્ટિરિયલ કામકાજ ગુરુ ડિઝાઇન સ્ટુડિયોના સંચાલકો જવનિકા જાદવ અને જોરાવરસિંહે કર્યું. અશોક સોનગરાએ ગ્લાસ પેઇન્ટિંગ તૈયાર કરી આપ્યા. દેવગઢ બારિયાના ચિતારાઓએ પીઠોરાનાં ચિત્રો દીવાલ પર દોરી આપ્યાં. ભાવનગરના અશોક પટેલ અને મિત્રોએ વિરાસતને ચિત્રોથી ચાર ચાંદ લગાવી દીધા. 17 નવેમ્બર, 2024ના રોજ ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આકરુ ગામના પ્રજાજનોને અર્પણ કરી ગુજરાતની જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું.
વિરાસતમાં હડપ્પાકાળનાં અને કચ્છનાં કલાત્મક વાસણોના પ્રાચીન નમૂના, વિવિધ પ્રકારની પાઘડીઓ, લોકકલાનાં અલભ્ય ચિત્રો, મોગલકાળથી માંડીને જૂના સિક્કાઓ, મોરલી અને ડાકલાં જેવાં પ્રાચીન વાદ્યો, ત્રાંબાકુંડીઓ, ગંગાજળિયા લોટા, દીપલક્ષ્મીઓ, ઘંટડીઓ, દીવડીઓ, ધાતુના પોપટ, વિવિધ પ્રકારનાં તાળાં, કલાત્મક સૂડીઓ, લોકરમકડાં, હાથીના અંકુશ, તલવાર, કટારીઓ, સીસમના કલાત્મક કાંસકા, કાંસકીઓ, લિખિયા, મોતીભરતની ચોપાટ, લોટા, વીંઝણા, વિવિધ ઘાટની ચલમો, શંખો વગેરે સંગૃહીત કરેલાં છે. જોરાવરસિંહ દ્વારા લખાયેલા 115 જેટલા લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિના ગ્રંથો છે. ગ્રંથાલયની સાથે ઑડિટોરિયમ પણ છે જ્યાં ભારતભરના લોકકલાકારોના કાર્યક્રમો દર્શાવી શકાય.
થોમસ પરમાર