વિરાટપર્વ-1 (નાકરકૃત) : ગુજરાતીમાં મહાભારતના આધારે રચાયેલી આખ્યાનકૃતિ. વડોદરાના વણિક કવિ નાકરે મહાભારતકથાનાં વિવિધ પર્વો ગુજરાતીમાં પ્રથમ વાર પોતીકી રીતે અવતાર્યાં છે. એમાં એનું ‘વિરાટપર્વ’ કવિની પ્રૌઢિ અને શક્તિનું દર્શન કરાવે છે. 65 કડવાંની આ કૃતિના આરંભમાં આદિપર્વ, સભાપર્વ અને આરણ્યકપર્વની કથા ભૂમિકા રૂપે આવે છે અને 22મા કડવાથી ‘વિરાટપર્વ’નો આરંભ થાય છે. મૂળ મહાભારતકથાના કેટલાક પ્રસંગો એણે વિસ્તારથી નિરૂપ્યા છે, કેટલાક ટૂંકાવ્યા છે અને કેટલાકનો માત્ર સાર કે નિર્દેશ જ આપ્યો છે. મૂળ કથાનું, તેમ છતાં, અહીં સારું પ્રતિબિંબ ઝિલાયું છે. ક્યાંક કવિએ પ્રસંગોના નિરૂપણમાં ક્રમભંગ પણ કર્યો છે.

પાંડવો છૂપા વેશે વિરાટનગરમાં પ્રવેશે છે ત્યારે ગોવાળિયા એમને સામે મળે છે. એની સાથેનો પાંડવોનો સંવાદ કવિએ સરસ રીતે આલેખ્યો છે. એમાં ગોવાળિયાઓની રાજભક્તિ પ્રગટ થાય છે અને એમની ટીકાત્મક ઉક્તિઓ ગ્રીક નાટકના ‘કોરસ’નું સ્મરણ કરાવે છે. આ સર્વથી આ પ્રસંગનું ચિત્રણ જીવંત બન્યું છે. કથારસને બહેલાવવા જીમૂત-કીચક વચ્ચેનું યુદ્ધવર્ણન તેમજ જીમૂત-ભીમયુદ્ધનાં વર્ણનો કવિએ રસમય રીતે કર્યાં છે. કવિમાં પ્રસંગને ખીલવવાની સારી શક્તિ છે. ભીમના વૃક્ષ-હુમલાથી કીચક-ભાઈઓ મૃત્યુ પામે છે પરંતુ એમાંનો એક બચી જાય છે. એની જીભ કાપીને એને બોબડો-મૂંગો બનાવવાનો પ્રસંગ કવિએ રસિક રીતે વર્ણવ્યો છે. એ પ્રસંગમાંનો કરુણ હાસ્યમાં પલટાઈ જાય છે. કીચકના કામાવેશને, કીચકના મૃત્યુને કારણે એની બહેન વિરાટ રાજાની રાણી સુદેષ્ણાના વિલાપને, ભીમ દ્રૌપદીનાં વસ્ત્રો પહેરી કીચકને મળવા જાય છે એમાંના વિનોદને તેમજ કાવ્યના આરંભ ભાગમાં ભાઈઓ વિરાટનગરમાં છૂપા વેશે કેવી રીતે રહી શકશે એની ચિંતા કરતા યુધિષ્ઠિરના ઉષ્માભર્યા બાંધવ-પ્રેમને કવિએ પ્રભાવક રીતે વર્ણવ્યા છે. એમાં દ્રૌપદીની ચિંતા કરતા યુધિષ્ઠિરની હૃદયવ્યથા કવિએ મૌલિક રીતે રજૂ કરી છે. ક્યાંક, જેમ કે, કીચકને જોવાની દ્રૌપદીની ઉત્કંઠા અને યુધિષ્ઠિરની બૃહદશ્વ ઋષિ સમક્ષ પોતાના ભાઈઓ અંગેની ફરિયાદમાં માનવસ્વભાવની પાત્રગૌરવનો ભંગ કરાવતી મર્યાદા પણ જોવા મળે છે.

કવિ મહાભારતકથાને લોકભોગ્ય કરવા ઇચ્છે છે એટલે માનવપ્રકૃતિની નબળાઈઓના અંશને પણ નિરૂપતા જાય છે. પાત્રોનાં સ્વભાવ-લક્ષણો, વિવિધ પ્રયુક્તિઓ દ્વારા કવિ આલેખે છે. કવિ વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, કરુણ અને શૃંગારનું નિરૂપણ અસરકારક બન્યું છે. ભીમજીમૂતનું દ્વન્દ્વ-યુદ્ધવર્ણન વીરતાનો ટંકારવ પ્રગટ કરે છે. કવિની વર્ણનશક્તિ માન ઉપજાવે એવી છે. યુધિષ્ઠિરે દ્રૌપદીના અંગસૌન્દર્ય અને એનાં આભૂષણોનું કરેલું અલંકારમંડિત વર્ણન દ્રૌપદીના રમણીય સૌન્દર્યને ઉઠાવ આપી શક્યું છે. બલ્લવ રસોયા રૂપે ભીમનું અને વૃંદલવેશધારી અર્જુનનાં વર્ણનો પણ સરસ છે. ઉપમા-ઉત્પ્રેક્ષા વગેરે વિવિધ અલંકારોના સહયોગથી કવિનાં વર્ણનો ખીલી ઊઠે છે. ઝડઝમકભરી પદાવલિ કવિ આકર્ષક રીતે પ્રયોજી શક્યા છે. સવૈયા-હરિગીતની દેશીઓ, ચોપાઈ, ધવરી, ચારણી છંદોરચના વગેરે પર કવિની સારી ફાવટ છે.

વિરાટપર્વ-2 (શાલિસૂરિ-કૃત) : ઈ. સ.ની પંદરમી સદીના પ્રથમ ચરણમાં જૈન કવિ શાલિસૂરિએ, જૈન પરંપરાથી ઊફરા ચાલી, વ્યાસ-રચિત મહાભારતકથાને આધારે કરેલી ‘કવિત’ નામે કાવ્યરચના. કાવ્ય દક્ષિણ ગોગ્રહ અને ઉત્તર ગોગ્રહ  એમ બે ખંડમાં, 183 શ્ર્લોકોમાં વિસ્તરેલું છે. સરસ્વતી-વંદનાથી કાવ્ય આરંભાય છે. વિરાટ રાજાને ત્યાં પાંડવો અજ્ઞાતવાસનું તેરમું વર્ષ વિતાવવા માટે નારદની સલાહથી જાય છે. પાંડવો તથા દ્રૌપદી જુદા જુદા વેશ ધારણ કરીને વિરાટ રાજાને ત્યાં મચ્છદેશમાં રહે છે. દ્રૌપદી સૈરન્ધ્રીનું રૂપ ધારણ કરી રાણી સુદેષ્ણા પાસે રહે છે. તેના સૌન્દર્યથી (રાણીનો ભાઈ) કીચક આકર્ષાય છે. કવિ કીચકની કામવિહ્વળતાનું અસરકારક વર્ણન કરે છે. કીચકનો અને તેના ભાઈઓનો ભીમ વધ કરે છે. આ સાંભળી કૌરવોને કીચકને મારનાર પાંડવો જ હોઈ શકે એમ અનુમાનીને તેના પર હુમલો કરે છે. એ પ્રસંગનું યુદ્ધવર્ણન શબ્દોના ધમધમાટથી અને ઝડઝમકભર્યા શબ્દપ્રયોગોથી ધ્યાન ખેંચે છે. રણાંગણમાં વીરપુરુષોની સ્ત્રીઓના ઉદ્ગારો અને આકાંક્ષાઓનું નિરૂપણ સારું થયું છે. બીજા ખંડમાં વિરાટ રાજાના પુત્ર ઉત્તર અર્જુનને કારણે કૌરવો પર વિજય મેળવે છે એની યુદ્ધકથા છે. વિવિધ યોદ્ધાઓની માનસિક સ્થિતિ અને અર્જુનના બાણથી બચવાના એમના પ્રયત્નો ધ્યાન ખેંચી રહે એ રીતે વર્ણવાયા છે. અર્જુનના નિદ્રા-બાણે ઘોરતા ગજ-અશ્વ વગેરેનું લઘુચિત્ર પણ ગમી જાય એવું છે.

આ કાવ્ય સ્વાગતા, રથોદ્ધતા, ઉપજાતિ, વસંતતિલકા, દ્રુત-વિલંબિત, માલિની જેવા વિવિધ અક્ષરમેળ છંદોમાં લખાયું છે. એનો મુખ્ય છંદ સ્વાગતા છે. ભાવપલટા માટે વિવિધ છંદો સારી રીતે પ્રયોજાયા છે. કાવ્યમાંના અલંકારો ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત, અર્થાન્તરન્યાસ વગેરેને પ્રયોજીને કવિએ યુદ્ધવર્ણનોને ઉઠાવ આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાં નવીનતા ઓછી છે પરંતુ આ કાવ્યમાં વણાયેલી ચોટદાર લોકોક્તિઓ (‘આવતી લખમિ પાઇ કુણ ઠેલઇ’) અને કહેવતોને અપાયેલા પદ્ય રૂપથી કવિએ કાવ્યને આકર્ષક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત વૃત્તોમાં આવી લોકોક્તિઓ છટાદાર રીતે નિરૂપાઈ છે.

ચિમનલાલ ત્રિવેદી