વિરાટ : મત્સ્યદેશનો રાજા, જેની રાજધાનીનું નામ વિરાટનગરી હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે સહદેવે એના પર વિજય મેળવ્યો હતો. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એક વર્ષ સુધી વિરાટનગરમાં રહ્યા હતા. ત્યાં તેઓ નામ બદલીને રહેલા. જેમકે, યુધિષ્ઠિર (કંક) જુગાર રમવામાં પ્રવીણ એવો વિરાટ રાજાનો સેવક, અર્જુન (બૃહન્નલા) વિરાટ રાજાની કન્યાને નૃત્ય-સંગીત શીખવનાર અંતઃપુરની સેવક, ભીમ (વલ્લભ) પાકશાળાનો અધ્યક્ષ, નકુલ (ગ્રંથિક) અશ્વશાળાનો અધ્યક્ષ, સહદેવ (તંતિપાલ) ગૌશાળાનો અધ્યક્ષ અને દ્રૌપદી (સૈરંધ્રી) વિરાટની પત્ની સુદેશણાની સેવિકા. આ એક વર્ષના ગાળામાં પાંડવોએ પ્રચ્છન્નરૂપે વિરાટના પક્ષે રહીને યુદ્ધમાં ભાગ લીધો અને એના શત્રુઓને હરાવ્યા. એક વર્ષ પછી જ્યારે વાસ્તવિક સ્થિતિની જાણ થઈ ત્યારે વિરાટે પોતાની પુત્રી ઉત્તરાનાં લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે કર્યાં. મહાભારતના યુદ્ધમાં વિરાટ પાંડવોને પક્ષે રહીને લડ્યા અને એમાં પોતાના ત્રણેય પુત્રો સાથે પોતે પણ યુદ્ધમાં પ્રાણ વીરગતિને પામ્યા.
પ્રવીણચંદ્ર પરીખ