વિયેના સંમેલન (1814-15) : નેપોલિયનના પતન બાદ, યુરોપના દેશોની પુનર્વ્યવસ્થા કરવા માટે, ઑસ્ટ્રિયાના પાટનગર વિયેનામાં મળેલું, યુરોપના દેશોના પ્રતિનિધિઓનું સંમેલન. ઑસ્ટ્રિયાના વડા પ્રધાન મૅટરનિક આ સંમેલનના પ્રમુખ હતા. નેપોલિયનને સત્તા પરથી દૂર કરનાર ઑસ્ટ્રિયા, પ્રશિયા, રશિયા અને ગ્રેટબ્રિટનના પ્રતિનિધિઓ અનુક્રમે વડા પ્રધાન મૅટરનિક, રાજા ફ્રેડરિક વિલિયમ 3જો, ઝાર ઍલેક્ઝાન્ડર 1લો તથા વિદેશપ્રધાન કેસલર આદિએ આ સંમેલનમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. પાછળથી ફ્રાંસના રાજા લુઈ 18માનો પ્રતિનિધિ ટેલિરાં તેમાં ઉમેરાયો. આ ઉપરાંત ડેન્માર્ક, સ્વીડન, બવેરિયા, ઇટાલી, સ્પેન, પોલૅન્ડ, પોર્ટુગલ સહિત યુરોપનાં નાનાં રાજ્યોના રાજાઓ અથવા પ્રતિનિધિઓ પણ તેમાં હાજર રહ્યા હતા. તેમાં યુરોપની નીચે મુજબ પુનર્વ્યવસ્થા કરવામાં આવી :
ફ્રાન્સમાં બુર્બોન રાજવંશની પુન:સ્થાપના કરીને લુઈ 16માના નાના ભાઈને લુઈ 18મા તરીકે ગાદીએ બેસાડવામાં આવ્યો. (લુઈ 16મા પછી તેના બાળપુત્રને લુઈ 17મો ગણવામાં આવ્યો હતો.) ફ્રાંસમાંથી ક્રાંતિકારી પ્રભાવ દૂર કરવા વાસ્તે ત્યાં દોઢ લાખ સૈનિકોનું સૈન્ય ડ્યૂક ઑવ્ વેલિંગ્ટનના નેતૃત્વ હેઠળ રાખવામાં આવ્યું. તેની સરહદો નેપોલિયનનાં આક્રમણો પૂર્વે 1791માં હતી તેટલી જ માન્ય કરવામાં આવી. ફ્રાન્સ ઉપર 70 કરોડ ફ્રાંકનો યુદ્ધદંડ લાદવામાં આવ્યો. ફ્રાંસ ભવિષ્યમાં વધુ શક્તિશાળી બની અશાંતિ પેદા ન કરે, તે વાસ્તે તેની આજુબાજુ મજબૂત રાજ્યોની રચના કરવામાં આવી.
ફ્રાંસની ઉત્તરે હોલૅન્ડમાં તેના જૂના ઑરેન્જ રાજવંશની પુન:સ્થાપના કરવામાં આવી. તેને બળવાન બનાવવા તેની સાથે બેલ્જિયમને જોડી દેવામાં આવ્યું. ફ્રાંસની દક્ષિણ સરહદે ઇટાલીમાં સાર્ડિનિયાને સેવૉય તથા પિડમોન્ટના પ્રદેશો અને જિનોઆનું રાજ્ય આપી શક્તિશાળી બનાવવામાં આવ્યું. સ્વિટ્ઝર્લૅન્ડને બળવાન બનાવવા તેમાં ત્રણ વધારાનાં પરગણાં જોડવામાં આવ્યાં. તેની તટસ્થતા અને સ્વતંત્રતા જાળવવાની બધાં રાજ્યોએ સંમતિ દર્શાવી. ફ્રાંસની પૂર્વની સરહદે પ્રશિયાને, નેપોલિયને જીતી લીધેલા બધા પ્રદેશો પાછા આપીને મજબૂત બનાવવામાં આવ્યું. આ ઉપરાંત તેને પોમેરેનિયા, ઉત્તર સેક્સની, વેસ્ટ ફાલિયા તથા રહાઇનલૅન્ડ વગેરે પ્રદેશો આપવામાં આવ્યા. આ પ્રદેશો મળવાથી પ્રશિયાએ ઝડપથી ઔદ્યોગિક વિકાસ સાધ્યો.
જર્મનીની પુનર્વ્યવસ્થા કરવાનું ઘણું મુશ્કેલ હતું. પહેલાંના સમયનાં 300 જેટલાં રજવાડાં ફરી સ્થાપવાનું અશક્ય હોવાથી નાનાં રજવાડાંઓને ભેગાં કરી સંઘો બનાવ્યા. તેનાથી જર્મન પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના દૃઢ બની.
ઇટાલીમાં નેપોલિયને નાનાં રાજ્યોને ભેગાં કરી ઇટાલી અને નેપલ્સનાં માત્ર બે રાજ્યો રાખ્યાં હતાં. વિયેના સંમેલને (1) સાર્ડિનિયા, (2) ટસ્કની તથા મોડેના, (3) પર્મા, (4) નેપલ્સ અને સિસિલીનાં રાજ્યો બનાવ્યાં. મધ્ય ઇટાલીનાં રાજ્યો પોપના આધિપત્ય હેઠળ મુકાયાં.
વિયેના સંમેલને ઑસ્ટ્રિયાને જર્મનીનાં 38 રાજ્યોના સંઘ પરનું આધિપત્ય આપ્યું. રશિયાને તેની સરહદ પાસેનો પૉલેન્ડનો પ્રદેશ અને સ્વીડન પાસેથી ફિનલૅન્ડ મળ્યાં. સ્વીડનના રાજાને નૉર્વેનો રાજા પણ બનાવવામાં આવ્યો. ઇંગ્લૅન્ડને ભૂમધ્યમાં હેલિગોલૅન્ડ અને માલ્ટા ટાપુઓ તથા આયોનિયન ટાપુઓનું રક્ષણ કરવાનો હક મળ્યો. યુરોપની બહાર મૉરિશિયસ, ટૉબેગો, સેંટ લુઇ ઝા, કેપ ઑવ્ ગુડ હોપ અને શ્રીલંકા ઇંગ્લૅન્ડને મળ્યાં.
મૅટરનિકના આગ્રહથી ઇંગ્લૅન્ડ, પ્રશિયા, રશિયા અને ઑસ્ટ્રિયાએ એક ચતુર્મુખી સંઘ(Quadruple Alliance)ની રચના કરી અને વિયેના સંમેલને કરેલી વ્યવસ્થા ઓછામાં ઓછાં 20 વર્ષ સુધી જાળવી રાખવાનું પરસ્પર વચન આપ્યું.
વિયેના સંમેલને યુરોપની જે પ્રાદેશિક વ્યવસ્થા કરી, તેમાં તે પ્રદેશોના રાજકર્તાઓના હિતનો જ ખ્યાલ રાખવામાં આવ્યો હતો અને તે પ્રદેશના લોકોની ઇચ્છાની અવગણના કરવામાં આવી હતી. વળી આ સંમેલને સ્થાપેલ ચતુર્મુખી સંઘ પણ આપખુદ શાસનને ટકાવી રાખવાના સર્વ પ્રયાસો કરવાનો હતો. આ ઉપરાંત આ સંમેલને કરેલી પ્રાદેશિક વ્યવસ્થા, વિજેતા દેશોની પ્રદેશ-લાલસાને સંતોષવાનો પ્રયાસ હતો. યુરોપની આ પુનર્વ્યવસ્થા લોકોની રાષ્ટ્રીય ભાવનાના ખ્યાલ વગર, સ્વાર્થ અને અન્યાયનાં ધોરણો પર કરવામાં આવી હોવાથી તે અલ્પજીવી બની રહી.
જયકુમાર ર. શુક્લ