વિયેના : ઑસ્ટ્રિયાનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 13´ ઉ. અ. અને 16° 20´ પૂ. રે.. તેનું જર્મન નામ વિયેન છે. આ શહેર ઈશાન ઑસ્ટ્રિયામાં ડેન્યૂબ નદી પર આવેલું છે. તે ઑસ્ટ્રિયાનું આગળ પડતું શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક તથા રાજકીય મથક છે.

વિયેના

શહેર : યુરોપના આલ્પ્સ પર્વતો અને કાર્પેથિયન પર્વતો વચ્ચેના સાંકડા મેદાનના પૂર્વ છેડા પર આવેલું આ શહેર આશરે 415 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. પૂર્વ તરફ કાર્પેથિયન પર્વતોને વીંધીને માર્ગ પસાર થાય છે. અહીંથી પસાર થતા માર્ગોના વ્યૂહાત્મક સ્થાન પર આ શહેર વસેલું હોવાથી તેનો આર્થિક વિકાસ શક્ય બન્યો છે. વિયેનામાંથી બધી દિશાઓ તરફ માર્ગો જાય છે.

જૂનું વિયેના આજના શહેરના મધ્ય ભાગમાં આવેલું છે. જૂનાં ભૂમિચિહ્નો અને ઐતિહાસિક ઇમારતો હજી જૂના વિભાગમાં જોવા મળે છે. તેમ છતાં આધુનિક સુવિધાઓ ધરાવતી નવી દુકાનો પણ અહીં છે. શહેરની અંદરના મધ્ય ભાગમાં સેન્ટ સ્ટીફનનું પ્રખ્યાત કેથીડ્રલ આવેલું છે. પશ્ચિમ ભાગમાં આવેલા હૉફબર્ગના મહેલ વિસ્તારમાં આધુનિક તેમજ મધ્ય યુગની ઇમારતો છે. આ મહેલને 1992માં આગને કારણે મોટા પાયા પર નુકસાન થયેલું. મહેલમાં શાહી વસવાટો છે; આજે ત્યાં ઑસ્ટ્રિયાના પ્રમુખનું નિવાસસ્થાન રાખેલું છે. તેમાં ઇમ્પીરિયલ લાઇબ્રેરી, સંગ્રહાલયો તથા ઘોડેસવારીનું તાલીમ-મથક આવેલાં છે. નજીકમાં બર્ગગાર્ટન અને વૉક્સગાર્ટન નામના બે રમણીય પાર્ક આવેલા છે, તે તેમનાં રોઝવૃક્ષો માટે જાણીતા છે.

અંદરના જૂના શહેરને ફરતો માર્ગ (ring-road) પસાર થાય છે. આ માર્ગ પર કલા-ઇતિહાસનું સંગ્રહાલય, નગરસભાગૃહ (City Hall), સ્ટૉક એક્સ્ચેન્જની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ કાળની ઇમારતો આવેલી છે. જૂના પરાવિસ્તારની ઓગણીસમી સદીની મહત્વની ઇમારતો પણ આ માર્ગની બહાર તરફ જોવા મળે છે. તેમાં કાર્લસ્કર્ચ નામનું સેન્ટ ચાર્લ્સનું ચર્ચ અને બેલવિદર મહેલ પણ છે. આ ઇમારતોમાં સત્તરમી-અઢારમી સદીની સ્થાપત્યશૈલી નજરે પડે છે. જાણીતા ઑસ્ટ્રિયન સ્થપતિ જોહાન બર્નહાર્ડ ફિશર ફૉન અર્લેશે અહીંની ઘણી ઇમારતોનું આયોજન કરેલું. તેમાં કાર્લસ્કર્ચ (ચર્ચ) અને શૉનબ્રુન મહેલનો સમાવેશ થાય છે. આ મહેલ શહેરના નૈર્ઋત્ય ભાગમાં છે. 1752માં બાંધેલું શૉર્નબ્રુન પ્રાણીસંગ્રહાલય મહેલના ભોંયતળિયે છે, તે દુનિયાનું જૂનામાં જૂનું પ્રાણીસંગ્રહાલય ગણાય છે. શહેરની ઉત્તર તરફ ડેન્યૂબ નદીની ધારે ધારે લાંબો પ્રેટર પાર્ક આવેલો છે. વિયેના તેનાં થિયેટરો અને ઑપેરા હાઉસ માટે જાણીતું છે. સિગમંડ ફ્રૉઇડનું નિવાસસ્થાન હવે મ્યુઝિયમમાં ફેરવવામાં આવેલું છે. 1910નું ઍડૉલ્ફ સ્ટાઇનર હાઉસ તેમજ ચિત્રસંગ્રહનો નોંધપાત્ર ખજાનો પણ છે. 1365માં સ્થપાયેલી જૂની વિયેના યુનિવર્સિટી પણ અહીં આવેલી છે.

ઉદ્યોગો અને અર્થતંત્ર : વિયેના ઑસ્ટ્રિયાનું મુખ્ય ઔદ્યોગિક શહેર છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં રસાયણો, કાપડ, ચામડાની ચીજવસ્તુઓ, દવાઓ, ઔષધો તથા રેડિયો-ટેલિવિઝનના એકમોનો સમાવેશ થાય છે. આ શહેરમાં બસ, ટ્રામ, ઊંચાઈ પરની રેલવે, ભૂગર્ભીય રેલવે વગેરેની સારી સુવિધા છે. શહેરના મોટાભાગના લોકો ખાનગી વાહનો કરતાં જાહેર વાહનોમાં અવરજવર કરવાનું વધુ પસંદ કરે છે. વિયેનામાં ઇજનેરી ઉદ્યોગો દ્વારા તૈયાર થતાં ચોકસાઈવાળાં સાધનોનું  વીજસાધનોનું ઉત્પાદન લેવાય છે. યુનાઇટેડ નૅશન્સ (UN) તરફથી વિયેના ખાતે UNIDO  યુનાઇટેડ નૅશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનની તેમજ IAEA  ઇન્ટરનૅશનલ ઍટમિક ઍનર્જી એજન્સીની ઇમારતો છે.

લોકો : 1999 મુજબ વિયેનાની વસ્તી 16,02,700 જેટલી છે. મોટાભાગના વિયેનાવાસીઓ જર્મનભાષી છે. ચેક અને હંગેરિયનો પણ શહેરમાં વસે છે; તેઓ બધા જ તેમની રાષ્ટ્રીય ભાષા ઉપરાંત જર્મન પણ બોલે છે. વિયેનાવાસીઓ વિશેષ પ્રસંગો પર અહીંની લોકપરંપરા મુજબનો પહેરવેશ પહેરે છે. લોકો ઑસ્ટ્રિયાજર્મનીચેકહંગેરીનો મિશ્ર આહાર લે છે. અહીંના લોકો કૉફી, પેસ્ટ્રી અને દારૂની મોજ માણે છે. મોટાભાગના નિવાસીઓ પોતાના સ્વતંત્ર આવાસો કે ઍપાર્ટમેન્ટ ધરાવે છે. હવે નવા આવાસો બંધાતા જાય છે, તેમ છતાં વસવાટોની તંગી વરતાય છે. શહેરમાં ઉચ્ચ શિક્ષણની ઘણી સંસ્થાઓ છે. તેમાં લલિતકલા અકાદમી, સંગીત અકાદમી, તકનીકી યુનિવર્સિટી અને વિયેના યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. વિયેના ઘણા લાંબા કાળથી તેનાં શ્રેષ્ઠ સંગ્રહસ્થાનો અને કલાદીર્ઘાઓ માટે દુનિયાભરમાં જાણીતું બનેલું છે. શહેરમાં ઘણાં પુસ્તકાલયો છે, તે પૈકી 1526માં સ્થપાયેલું નૅશનલ પુસ્તકાલય પ્રખ્યાત છે.

યુનિવર્સિટી ઑફ વિયેના

મ્યુઝિક વેરીન, સ્ટેટ ઑપેરા હાઉસ અને વોલ્કસોપર ઑપેરા હાઉસમાં અવારનવાર સંગીતના જલસા ગોઠવાતા રહે છે. શહેરના ચર્ચ પૈકીના એક એવા હૉફબર્ગપીલી ચર્ચમાં વિયેના બૉયઝ કોઇરનો સંગીત-જલસો દર રવિવારે યોજાય છે. અહીંનાં મહત્વનાં થિયેટરોમાં ઑસ્ટ્રિયન સરકાર દ્વારા નાણાકીય મદદ પર કામ કરતું બર્ગ થિયેટર તથા દર જૉસેફસ્ટૅડનું થિયેટર વધુ જાણીતાં છે. આ શહેરમાં ખ્યાતનામ સંગીતજ્ઞો, લેખકો અને વિજ્ઞાનીઓ થઈ ગયા. લુડવિગ વાન બીથોવન, જોહાનિસ બ્રાહ્મસ્, જૉસેફ હાયડેન, વૉલ્ફગેંગ ઍમેડિયસ મોઝાર્ત, સ્ટ્રોસ વૉલ્ટઝેજ, ફ્રેન્ઝ પીટર શુબર્ટ અને જોહાન સ્ટ્રૉસ વિયેનામાં રહેતા હતા.

ઇતિહાસ : આજે જ્યાં વિયેના છે ત્યાં પ્રાચીન કાળમાં પ્રાગૈતિહાસિક જાતિઓનો વસવાટ હતો. ઈ. પૂર્વે 15માં રોમનોએ વિન્ડોબોના નામનું થાણું અહીં સ્થાપેલું. ઈ. સ.ના પાંચમા સૈકામાં રોમન સામ્રાજ્યના પતન બાદ આ સ્થળ પર જર્મન આક્રમણો થયે જતાં હતાં. નવમી સદીના અંતિમ ચરણ દરમિયાન, હંગેરીના માગિયારોએ આ સ્થળનો કબજો લઈ લીધેલો, ત્યારથી આ સ્થળ વિયેના કહેવાયું. દસમી સદીના મધ્ય ભાગમાં જર્મનોએ વિયેના જીતી લીધું ત્યાં સુધી માગિયારો અહીં રહેતા હતા.

1273માં હેબ્સબર્ગ વંશનો કોઈ સભ્ય પવિત્ર રોમન સામ્રાજ્યનો શહેનશાહ બન્યો. હેબ્સબર્ગ શાસકોએ વિયેનાને પાટનગર બનાવ્યું. 1278થી 1918 સુધી વિયેના ઑસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્યનું પાટનગર તથા પૂર્વ યુરોપનું વાણિજ્ય-મથક રહેલું. આ શહેર તેના વ્યૂહાત્મક સ્થાનના મહત્વના તેમજ નાણાકીય કારણોને લીધે ઝડપથી વિકસતું ગયું. 1529માં અને ફરીથી 1683માં તુર્કોએ આ શહેર મેળવવા નિષ્ફળ હુમલા કરેલા. 1860માં શહેરને ફરતા કોટની દીવાલ પાડી નાખવામાં આવી અને રિંગ-રોડ બનાવાયો.

અઢારમી સદીમાં અહીં કેટલાંક ખૂબ જ સુંદર સ્થાપત્યશૈલીવાળાં મહેલો અને ચર્ચ બંધાયાં. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિયેના ઑસ્ટ્રિયન પ્રજાસત્તાકનું પાટનગર બન્યું. 1938માં જર્મન દળોએ વિયેનાનો કબજો લીધો અને 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી વિયેના જર્મનોને હસ્તક રહ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉંબમારાથી આ શહેરનો ઘણોખરો ભાગ નાશ પામેલો. 1945થી 1955 સુધી તેના પર જીત મેળવેલાં મિત્રરાજ્યોનો અંકુશ રહેલો. ત્યારબાદ વિયેનાવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. 1970ના દાયકા દરમિયાન, નવી હોટેલો બંધાઈ, ભૂગર્ભીય રેલમાર્ગો બંધાયા. યુનાઇટેડ નૅશન્સ (UN) મથક માટે અહીં કેટલીક ઇમારતો બંધાઈ. આ મથકનું ઉદ્ઘાટન 1979માં કરવામાં આવ્યું. તે પછી આ શહેર યુનાઇટેડ નૅશન્સની પરિષદોનું તથા યુનાઇટેડ એજન્સીઓ માટેનાં કાર્યાલયોનું સ્થળ પણ બની રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા