વિમિશ્રણ (demodulation) : યોગ્ય ઇલેક્ટ્રૉનિક પરિપથ વડે અધિમિશ્રિત (modulated) વાહક તરંગમાંથી નિયમન-સંકેત(modulating signal)નું વિયોજન કરી મૂળ સ્વરૂપે તરંગ મેળવવાની પ્રક્રિયા. વિમિશ્રણ એ અધિમિશ્રણ કરતાં ઊલટી ક્રિયા છે. આ હેતુ માટે તૈયાર કરેલી પ્રયુક્તિ કે પરિપથને વિમિશ્રક (demodulator) અથવા સંસૂચક (detector) કહે છે.
અધિમિશ્રણની ક્રિયામાં દૃશ્ય કે શ્રાવ્ય (video or audio) સંકેતને વાહક તરંગ ઉપર સવાર કરાવીને મોકલતાં સંકેતમાં સમાવિષ્ટ માહિતીને તેના દ્વારા પ્રસારિત કરી શકાય છે. જે છેડેથી માહિતી (કે સંકેત) મોકલવામાં આવે છે ત્યાં અધિમિશ્રણ થાય છે અને જે છેડે માહિતી મેળવવામાં આવે છે ત્યાં વિમિશ્રણ થાય છે. મૉડેમ એ અધિમિશ્રણ (મૉડ્યુલેશન) અને વિમિશ્રણ(ડીમૉડ્યુલેશન)નું સંક્ષિપ્ત સ્વરૂપ છે. મૉડેમ એ એવી પ્રયુક્તિ છે, જે એક પ્રકારના સંકેતનું જરૂરી (કે ઇચ્છિત) સંકેતમાં રૂપાંતર કરે છે, જેમ કે મૉડેમ કમ્પ્યૂટરમાં અંકીય (digital) સંકેતનું તદનુરૂપ (analogous) સંકેતમાં રૂપાંતર થાય છે.
અધિમિશ્રણની પ્રક્રિયામાં વાહક(તરંગ)નો કંપવિસ્તાર, તેની આવૃત્તિ કે કલા બદલાય છે. આ બાબતે વિમિશ્રણ અને પરિણામે પરિપથમાં ફેરફાર થતો હોય છે. તમામ વિમિશ્રણોમાં અરેખીય (non-linear) પ્રયુક્તિની જરૂર પડે છે. મૂળ અધિમિશ્રિત આવૃત્તિઓને પાછી મેળવવા માટે આવી પ્રયુક્તિનો ઉપયોગ કરવો પડે છે, કારણ કે અધિમિશ્રણ વાહક અને નવી આવૃત્તિઓ રેખીય (linear) પ્રયુક્તિ વડે મેળવી શકાતી નથી.
કંપવિસ્તાર–અધિમિશ્રણ (amplitude modulation – AM) પ્રકાર : AM વાહકનું વિમિશ્રણ કરવા માટે અર્ધવાહક ડાયૉડનો અવારનવાર ઉપયોગ કરવામાં આવે છે. તે માટે, વાહક અને અન્ય અનિચ્છિત આવૃત્તિઓ અટકાવવા માટે વિદ્યુતધારિતા (capacitor) અને અવરોધ(resistance)ના સરળ ફિલ્ટર-પરિપથનો ઉપયોગ કરવામાં આવે છે. અર્ધવાહક ચીપનો પણ ઉપયોગ કરી શકાય છે.
આવૃત્તિ અધિમિશ્રણ (frequency modulation FM) પ્રકાર : FM અને અવસ્થા અધિમિશ્રણ (phase modulation) PM સંકેતો ઘણું કરીને એક જ પ્રકારના પરિપથ વડે વિમિશ્રિત કરી શકાય છે. ફેર માત્ર તેના નિર્ગત (output) ફિલ્ટર-પરિપથમાં પડતો હોય છે.
કંપવિસ્તાર અધિમિશ્રણ અને વિમિશ્રણ એક જ પ્રયુક્તિ વડે સિદ્ધ કરી શકાય છે; જેમ કે, ગુણક (multiplier). આ બંને કાર્યો તે કરે છે. ઉપરાંત, અવસ્થા અભિબંધિત ગાળા (phase locked loop) સાથે FM, PM અને AMના અધિમિશ્રણ તથા વિમિશ્રણ માટે જરૂરી તમામ પરિપથો સાંકળી લેવામાં આવે છે. આવા પરિપથને મૉડેમ કહે છે. આવા મૉડેમનો આધુનિક સંચારણ-વ્યવહારમાં ઉપયોગ થાય છે. છેલ્લે છેલ્લે, પ્રકાશીય આવૃત્તિ સંચારણ-તરંગોના આગમન સાથે પ્રકાશીય વિમિશ્રકો(optical demodulators)નો વિકાસ થયો છે. શ્રાવ્ય આવૃત્તિ(audio frequency – A.F.)નું તરંગોનું વિદ્યુતતરંગોમાં રૂપાંતર કરવામાં આવે છે. આવા વિદ્યુતતરંગો પ્રસારિત થતાં, તેમની તીવ્રતા ઝડપથી ઘટતી જાય છે. આથી શ્રાવ્ય તરંગને રેડિયો-આવૃત્તિવાહક તરંગ સાથે અધિમિશ્રિત કરવામાં આવે છે. [જુઓ : આકૃતિ (1).] જ્યારે પ્રસારણ-મથકથી રેડિયો-સંકેત મોકલવામાં આવે છે ત્યારે તે ગ્રાહિતા-ઍરિયલ વડે ઝિલાય છે. આવા તરંગ R.F. અને A.F. ઘટકો ધરાવે છે. જો આવા સંકેતને સીધેસીધો ટેલિફોનના રિસિવર ઉપર ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો, ટેલિફોનનો પડદો (diaphram) કંપનો કરી શકતો નથી. તે કંપન કર્યા સિવાય સ્થિર રહે છે. આથી R.F.નું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. પરિણામે માનવ-કર્ણ માટે તે અશ્રાવ્ય બને છે. આથી અધિમિશ્રિત તરંગમાંથી R.F. અને A.F. ઘટકોને છૂટા પાડવા અનિવાર્ય છે.
વિમિશ્રણને સંસૂચન (detection) પણ કહે છે. આપણા ઘરનો રેડિયો વિમિશ્રક અથવા સંસૂચક (ડિટેક્ટર) તરીકે વર્તે છે. આવો રેડિયો પ્રસારિત રેડિયો-સંકેતોને મેળવે છે અને ત્યારબાદ શ્રાવ્ય તરંગો તરીકે નિર્ગત કરે છે. અહીં પ્રવાહનું મૂલ્ય શૂન્ય નહિ રહેતાં, હાજર એવા શ્રાવ્ય તરંગોની સાથે વધઘટ થાય છે. ત્યારબાદ યોગ્ય ફિલ્ટર અથવા બાયપાસ કૅપેસિટર વડે R.F. ઘટકમાંથી A.F. ઘટકને છૂટો પાડે છે.
ડાયૉડ-ડિટેક્ટર સામાન્ય રીતે વિમિશ્રક તરીકે વપરાય છે; સાથે સાથે ટ્રાયૉડનો પણ ડિટેક્ટર તરીકે ઉપયોગ થાય છે.
શીતલ આનંદ પટેલ