વિમાન (શિખર દેવસ્થાનનો ભાગ) : મંદિરમાં ટાવર જેવું જણાતું બાંધકામ. ટૂંકમાં મંદિરનું શિખર. નાગર, દ્રાવિડ અને વેસર-શૈલીનાં મંદિરોમાં તે જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ ભારતનાં હિંદુ તથા જૈન મંદિરોનું એ વિશિષ્ટ લક્ષણ છે. ગુપ્તકાલીન સ્થાપત્યમાં તે સુશોભનાત્મક તત્વ (motif) હોવાનું જણાય છે. કુમારગુપ્તના ઈ. સ. 437-38ના મંદસોરના લેખમાં મંદસોર શહેરનાં મકાનોની ઉપર વિમાનો એકની ઉપર એક (વિમાનમાલા) હોવાનો ઉલ્લેખ છે. ગુપ્ત સમયમાં મકાનની છત માટે જ નહિ, પરંતુ મંદિરના શિખરના અર્થમાં પણ વિમાન શબ્દ વપરાતો. ઝાંસી જિલ્લાના દેવગઢના ગુપ્તકાલીન દશાવતારના મંદિરમાં વિમાન છે. નાગર-શૈલીનાં મંદિરોમાં જોવા મળતું રેખાન્વિત (curvilinear) વિમાન (શિખર) બૌદ્ધ સ્તૂપના અંડની ઊંચાઈ વધતી ગઈ એના પરિણામે વિકસ્યું હોવાનું મનાય છે. હયાત મંદિરોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમનાં વિમાન જુદાં જુદાં આકારનાં હોય છે. ઊભાં શંકુ ઘાટનાં (conical) અને નીચેથી પહોળાં મંદિરોનાં વિમાનો ટોચે જતાં સાંકડાં થતાં (tapering) જાય છે અને ટોચ ઉપર કળશ ધારણ કરતાં હોય છે. ગુપ્ત સમયના પ્રારંભકાલનું બોધગયાના મંદિરનું વિમાન આ પ્રકારનું હતું. દસમી સદી સુધી વિમાનની આ શૈલી પ્રચલિત રહી હતી. મધ્યપ્રદેશના ખજૂરાહોના કંડારિયા મહાદેવના મંદિર(આશરે ઈ. સ. 1000)માં નવા જ પ્રકારનું વિમાન જોવા મળે છે. અહીં વિમાનનો તેનો અગાઉનો શંકુ ઘાટ દૂર થયો હોવાનું જણાય છે અને સહેજ બહિર્મુખ (convex) ઘાટ જોવા મળે છે. ઓરિસાના ભુવનેશ્વરના લિંગરાજના મંદિરમાં તેની વધુ પહોળાઈ જણાય છે અને તે પાયાથી માંડીને ટોચ સુધી સાંકડા સપાટ તાલ(ridges)થી સુશોભિત છે. દક્ષિણમાં પણ કેટલાંક આ પ્રકારનાં વિમાનો જણાય છે, પરંતુ તેમના આકારમાં પાયાનો ભેદ ભાગ્યે જ જોવા મળે છે. સાતમી સદીના પ્રારંભમાં છતના પાયાથી માંડીને ટોચ સુધી વિમાન ચાર પહોળા અલંકૃત થરોમાં વિભક્ત હતું. થરોની વચ્ચે ચૈત્યબારીનું સુશોભન મળે છે. મહાબલિપુરમના ગણેશ રથમાં આવા સપાટ થર રથની પ્રતિકૃતિથી અલંકૃત છે. તાંજોરના રાજરાજેશ્વર મંદિરમાં (આશરે ઈ. સ. 1000) મહાબલિપુરમના દરિયાકાંઠાના મંદિરની જેમ વિમાન પાયાના ભાગેથી પહોળું, ઉપર જતાં સાંકડું અને ટોચે આમલક તથા કળશ સાથેનું છે. તાંજોરનું વિમાન વિવિધ આકૃતિઓ વડે અલંકૃત છે.
થૉમસ પરમાર