વિમલપ્રબંધ : વિમલ મંત્રી વિશે કવિ લાવણ્યસમયે ગુજરાતી ભાષામાં રચેલી કૃતિ. આ ગ્રંથની રચના મધ્યકાળમાં થયેલા તપગચ્છના શ્રી સોમસુંદરસૂરિની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય લાવણ્યસમયે ઈ. સ. 1512/સં. 1568માં કરી છે. એમણે રચેલી નાનીમોટી કથામૂલક કૃતિઓમાં ‘વિમલપ્રબંધ’ સૌથી મહત્વની કૃતિ છે. આ કૃતિ ‘વિમલરાસ’ એવા અપરનામે પણ ઓળખાયેલી છે. પ્રબંધ, રાસ અને ચરિત્ર  ત્રણેનાં લક્ષણો ધરાવતી, 9 ખંડ અને 1,356 કડીઓમાં વિસ્તરેલી આ દીર્ઘ પદ્યરચના છે.

ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના સમયમાં થયેલા વિમલ મંત્રીના જીવનની ઘટનાઓનું એમાં આલેખન થયું છે. એમાંની કેટલીક ઘટનાઓને ઐતિહાસિક આધારોનું સમર્થન મળતું હોઈ, ‘કાન્હડદે પ્રબંધ’ પછીની આ એક મહત્વની પ્રબંધરચના ગણી શકાય.

અહીં વિમલ મંત્રીના પરાક્રમ-પ્રસંગોની સાથે સાથે કવિએ કેટલીક દંતકથાત્મક ઘટનાઓનો પણ આશ્રય લઈને, વિમલ મંત્રીના સામાજિક-ધાર્મિક પ્રસંગોને પણ નિરૂપીને વિમલના એક ધર્મવીર તરીકેના ચરિત્રને વિશેષ રીતે ઉપસાવ્યું છે. જેને કારણે જૈન ધર્મના પ્રભાવનું ગાન કરવાનો કવિનો ઉદ્દેશ ઉપર તરી આવે છે.

કાવ્યનો આરંભ કવિ જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવને પ્રણામ અને સરસ્વતીની સ્તુતિથી કરે છે. પ્રથમ. બે ખંડમાં કવિ શ્રીમાળનગરની સ્થાપના; શ્રીમાળી, ઓશવાળ, પોરવાડ વંશની ઉત્પત્તિ, વણિકોની 84 જ્ઞાતિઓ, અઢાર વર્ણો, છ દર્શનોની માહિતી આપે છે. ત્રીજાથી પાંચમા ખંડમાં કળિયુગના અનાચારોનું વિસ્તૃત વર્ણન કર્યા પછી આવા કળિકાળમાં મહાવીર સમા તીર્થંકર, ગણધરો, જૈનાચાર્યો, શ્રેણિકથી માંડી કુમારપાળ જેવા રાજાઓ, શ્રેષ્ઠીઓ, દાનવીરો થઈ ગયા એ સૌનું પુણ્યસ્મરણ કરવા દ્વારા કવિ જૈન ધર્મ પ્રત્યેનો પોતાનો અનુરાગ પ્રગટ કરે છે.

અણહિલવાડ પાટણમાં વીર શ્રેષ્ઠીને ત્યાં વીરમતીની કૂખે વિમળનો જન્મ, વિદ્યાભ્યાસ, પિતા દીક્ષિત થતાં માતા સાથે મોસાળમાં વસવાટ, પાટણની કન્યા શ્રીદેવી સાથે લગ્ન અને પાટણમાં વસવાટ વગેરે પ્રસંગોનું આલેખન થયું છે.

છઠ્ઠા ખંડમાં વિમલની બાણવિદ્યાથી ભીમદેવની પ્રસન્નતા, દંડનાયક તરીકે એની નિયુક્તિ, વૈરીઓની રાજાને ભંભેરણીને લઈને વિમળને વાઘ દ્વારા અને મલ્લયુદ્ધમાં મરાવી નાખવાની યોજના, એમાં વિમળનો વિજય વગેરે પરાક્રમ-પ્રસંગોનું આલેખન છે.

સાતમા-આઠમા ખંડમાં વિમલનું પાટણ છોડી ચંદ્રાવતી ચાલ્યા જવું, ત્યાં બાર સુલતાનોનો જુલ્મ નિવારવા રોમનગર પર સવારી, ઠઠ્ઠાનગરીના રાજા સામે વિજય વગેરે પ્રસંગોથી પ્રભાવિત થઈને છેવટે ભીમદેવ વિમલને છત્ર-ચામરની ભેટ દ્વારા સન્માનિત કરે છે. વિમલ એ જ સ્થળે ચંદ્રાવતીને નવેસરથી વસાવે છે.

નવમા ખંડમાં જૈન આચાર્ય ધર્મઘોષસૂરિના મુખેથી ધર્મસ્વરૂપનું શ્રવણ, યુદ્ધોમાં થયેલી હિંસા આદિ પાપો માટે વિમલનો પશ્ર્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત રૂપે આબુ પર્વત ઉપર જિનપ્રાસાદ બંધાવવા ગુરુનો આદેશ, અંબા દેવીનું આરાધન, પ્રસન્ન દેવી પાસે બે વરદાન(આબુ ઉપર જિનપ્રાસાદ અને પુત્રપ્રાપ્તિ)ની માગણી, પણ દેવીએ કોઈ એક જ વરદાનનું કહેતાં પત્નીની સલાહ-સંમતિથી સંતાનેચ્છા જતી કરીને જિનપ્રાસાદને અપાયેલી અગ્રતા  આ બધા પ્રસંગો દ્વારા કવિએ ધર્મપુરુષ તરીકે વિમલના વ્યક્તિત્વને ઉપસાવ્યું છે.

કૃતિમાં કાવ્યત્વની દૃષ્ટિએ ખાસ કશી ચમત્કૃતિ નથી, પણ એનાં વર્ણનો પ્રચુરપણે માહિતીસભર બન્યાં છે. 84 જ્ઞાતિઓ અને 18 વર્ણો, કળિયુગના અનાચારો, વિમલની લડાઈઓ, સ્ત્રી અને પુરુષોનાં સામુદ્રિક લક્ષણો, વિવિધ રાગરાગિણીઓ, નગરરચના, શુકન-અપશુકન, જૈન ધર્મનું સ્વરૂપ, શ્રાવકનાં વ્રતો, ગુણો અને કર્તવ્યો – આ બધાં વિશે અહીં વિસ્તૃત માહિતી પ્રાપ્ત થાય છે. જોકે યુદ્ધવર્ણનમાં વર્ણસગાઈ, ઝડઝમક, રવાનુસારી પદાવલિ અને ઓજસ્વતી શૈલી નોંધપાત્ર છે. આવાં કેટલાંક સ્થાનો લાવણ્યસમયની કવિપ્રતિભાનાં દ્યોતક જરૂર બન્યાં છે.

કૃતિ મુખ્યત્વે ચોપાઈ, દુહા, વસ્તુ, પવાડુ જેવા છંદો તેમજ દેશીઓની ઢાળોમાં પ્રયોજાયેલી છે. ‘વિમલપ્રબંધ’ એ મધ્યકાલીન ગુજરાતી કથનાત્મક પદ્યસાહિત્યની એક ધ્યાનાર્હ કૃતિ ગણી શકાય.

કવિ લાવણ્યસમયની આ કૃતિ એટલી બધી પ્રખ્યાત થઈ ગઈ હતી કે તેના ઉપરથી ઈ. સ. 1522માં સૌભાગ્યનંદસૂરિએ સંસ્કૃત ભાષામાં ‘વિમલપ્રબંધ’ કે ‘વિમલચરિત્ર’ નામે કાવ્યની રચના કરી હતી.

કાન્તિભાઈ શાહ