વિભેદી ગિયર (differential gear) : મોટરગાડીમાં વપરાતી ગિયરની વ્યવસ્થા. આની મદદથી, એન્જિનની શક્તિ(power)નું ચાલક વ્હિલ સુધી સંચારણ થઈ શકે છે. તદુપરાંત જુદાં જુદાં વ્હિલમાં બળની સરખી વહેંચણી પણ શક્ય બને છે. આથી, વળાંક અથવા અસમતલ (uneven) સપાટી ઉપર જરૂરી જુદી જુદી લંબાઈનો પથ મેળવી શકાય છે. સીધા રસ્તાઓ ઉપર વ્હિલ એકસરખી ગતિએ ફરે છે. વળાંક લેતાં, જો કાબૂમાં રાખવામાં ન આવે તો, બહારનું વ્હિલ અંદરના વ્હિલ કરતાં વધુ ગતિએ ફરે છે.
રૂઢિગત મોટરકારમાં વપરાતું વિભેદી ગિયર પ્રથમ વાર 1827માં શોધાયું. તેના શોધક ઓ. પીક્યુયર નામના એક ફ્રેન્ચ ઇજનેર હતા. વરાળ-સંચાલિત ગાડીઓમાં તેનો પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવ્યો. ઓગણીસમી સદીના અંતમાં જ્યારે આંતરિક દહન એન્જિનો (internal combustion engines) શોધાયાં ત્યારે તેમાં તેનો ઉપયોગ શરૂ થયો.
આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ, જ્યાંથી શક્તિનું સંચારણ કરવાનું છે તે શક્તિ બેવલરિંગ ગિયરની મદદથી ચાલનશાફ્ટ(driven shaft)ના પિનિયન ઉપર મોકલવામાં આવે છે. આ બંને શાફ્ટને બેરિંગમાં રાખવામાં આવે છે. (આકૃતિમાં દર્શાવ્યા નથી.) આકૃતિ 1માં દર્શાવ્યા મુજબ કેસ એ પેટી આકારની રચના છે. આ કેસમાં એક અથવા બે વ્યાસાભિમુખ (diametrically opposite) વિભેદી બેવલ પિનિયનને ટેકો આપવા માટે જરૂરી બેરિંગ મૂકવામાં આવે છે. (આકૃતિમાં દર્શાવ્યાં નથી.) દરેક વ્હિલની ધરી (axle) વિભેદી ગિયરની જુદી જુદી બાજુના (side) ગિયરની જોડે જોડેલી હોય છે. આ ગિયર વિભેદી પિનિયન જોડે બેસાડેલાં હોય છે.
સીધા રસ્તાઓ ઉપર વ્હિલ અને બાજુનાં ગિયર એક જ ગતિથી ફરે છે. તેથી વિભેદી (બાજુનાં) ગિયર અને પિનિયન વચ્ચે સાપેક્ષ ગતિ હોતી નથી અને તેઓ બધા એક જ એકમ તરીકે કેસ અને રિંગ ગિયરની સાથે ફરે છે. જો મોટરકાર ડાબી બાજુ વળે તો જમણી બાજુનું વ્હિલ ડાબી બાજુના વ્હિલ કરતાં વધુ ગતિથી ફરે છે અને બાજુનાં બંને ગિયરો અને પિનિયન એકબીજાંની સાપેક્ષમાં ગતિ કરે છે. રિંગ ગિયર ડાબી અને જમણી બાજુના વ્હિલની મધ્યમાન ગતિથી ફરે છે.
આ જાતના વિભેદી ગિયરથી વ્હિલમાં પ્રસારણ થતું બળઘૂર્ણ(torque) એકસરખું જ હોય છે; તેથી જો એક વ્હિલ બરફ અથવા કાદવમાં ખૂંપી જાય તો બીજા વ્હિલનું બળઘૂર્ણ પણ ઘટે છે. આ જાતનો ગેરફાયદો પરિમિત લપસે તેવાં વિભેદી ગિયર વાપરી દૂર કરી શકાય છે. બીજા એક અભિકલ્પ(design)માં એક ધરી અને રિંગ ગિયરને ક્લચ વડે જોડવામાં આવે છે. જો એક વ્હિલ અચાનક ઓછું સંકર્ષણ (traction) પામે તો તેના ઘુમાવ(spin)નું વલણ (tendency) ક્લચ વડે અવરોધાય છે. આથી બીજા વ્હિલને અધિક બળઘૂર્ણ મળે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ