વિભેદક માધ્યમો (contrast media) : નિદાનલક્ષી ચિત્રણોમાં શરીરની અંદરની જે સંરચનાઓ સ્પષ્ટ ન જણાઈ શકતી હોય તેમને સુસ્પષ્ટ કરવા માટે વપરાતાં દ્રવ્યો. તેમને ઍક્સ-રે-રોધી અથવા ક્ષ-કિરણ-રોધી (radio opaque) માધ્યમો પણ કહે છે. તેઓ 2 પ્રકારનાં છે  ધનાત્મક અને ઋણાત્મક. જે દ્રવ્ય ક્ષ-કિરણોને અવશોષે છે અને ચિત્રપત્ર પર સફેદ કે ભૂખરા રંગની છાયા પાડે છે તેમને ધનાત્મક માધ્યમ કહે છે; જ્યારે ઋણાત્મક માધ્યમો ઓછા પ્રમાણમાં ક્ષ-કિરણોનું અવશોષણ કરે છે અને તેથી તેઓ ગાઢા કે ભૂખરા રંગની છાયા પાડે છે. બેરિયમ તથા આયોડિન-યુક્ત સંયોજનો ધનાત્મક માધ્યમો છે; જ્યારે હવા અને અંગારવાયુ ઋણાત્મક માધ્યમો છે. ક્યારેક બંને પ્રકારનાં માધ્યમો વપરાય તો તેવા નૈદાનિક અભ્યાસને દ્વિગુણી વિભેદક માધ્યમો(double contrast)વાળો અભ્યાસ કહેવામાં આવે છે.

આયોડિનયુક્ત ધનાત્મક વિભેદક માધ્યમો 2 જૂથમાં વહેંચાય છે  કાયમ વપરાશનાં (conventional) તથા અલ્પ આસૃતિવાન (low osmolar) અને નિરયનીય (non-ionic) ડાયાટ્રાયૉઝૉએટ, આયૉથેલેમેટ અને મેટ્રિઝોએટ રોજિંદા વપરાશના વિભેદકો છે. તેઓ અયનકારી વિભેદકો છે અને તે મુખ્ય આડઅસરમાં અતિતાણશીલતા (hypertonicity), અયનીય વીજભાર (ionic charge), રાસાયણિક ઝેરી અસરો અને વિષમોર્જાજન્ય (allergic) આડઅસરોનો સમાવેશ થાય છે. અતિતાણશીલતાને કારણે મગજ-રુધિર વચ્ચેના રાસાયણિક અટકાવને અસર પહોંચે છે અને તેથી ઝેરી દ્રવ્યો મગજના કોષો સુધી પહોંચે છે. તેને કારણે રક્તકોષો, રુધિરાભિસરણ તથા મૂત્રપિંડમાં પણ આડઅસરો થઈ શકે છે. અલ્પ આસૃતિવાન નિરયનીય વિભેદકો(દા.ત., મેટ્રિઝેમાઇડ, આયૉપેર્મિડોલ અને આયોહેક્ઝોલ)માં MIS અસરો ઓછી હોય છે. તેમને નસમાર્ગે અને મગજ-કરોડરજ્જુની આસપાસના આવરણમાં પણ ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. જોકે તેઓ મોંઘાં હોય છે. નિરયનીય વિભેદકો ઓછી તાણશીલતા ધરાવે છે. તેમનો કરોડરજ્જુના વિકારોમાં નિદાન માટે ઉપયોગ કરી શકાય છે. આ પદ્ધતિને મેરુરજ્જુચિત્રણ (myelography) કહે છે. તેમની આડઅસરો તથા વિષમોર્જાજન્ય અસરો પણ ઓછી હોય છે.

બેરિયમના નામે ઓળખાતું વિભેદક માધ્યમ બેરિયમ સલ્ફેટ છે. તેનું પાણીમાં નિલંબન (suspension) કરાય છે. અન્નમાર્ગનાં ચિત્રણો માટે તેનો ઉપયોગ કરાય છે. તેને પિવડાવાય કે ગુદામાર્ગે બસ્તી રૂપે ચડાવાય ત્યારે તે અન્નમાર્ગના પોલાણને સફેદ રંગે છાયા રૂપે દર્શાવે છે. આમ અન્નમાર્ગના પોલાણમાં કે તેની દીવાલમાં તથા તેની બહારથી દબાણ કરતી વિવિધ વિકૃતિઓને દર્શાવી શકાય છે. જોકે આ દ્રાવણની કેટલીક મર્યાદાઓ પણ છે; જેમ કે, નિલંબન દ્રાવણમાંનો અવક્ષેપ નીચે બેસી જાય છે તથા તેનો સ્વાદ પણ ભાવે તેવો હોતો નથી. હાલ વ્યાવસાયિક ધોરણે બેરિયમનાં દ્રાવણો મળે છે, જેમાં આ મર્યાદાઓ ઘટાડાઈ છે. તે સંપૂર્ણ શુદ્ધ હોવું જરૂરી છે. જો તેમાં બેરિયમ કાર્બોનેટનું કે બેરિયમ સલ્ફાઇડનું સંદૂષણ થયેલું હોય તો તે ઘણો જ ઝેરી પદાર્થ છે. હજુ આદર્શ બેરિયમ સલ્ફેટ-પાણીનું મિશ્રણ બની શક્યું નથી પણ કેટલાક ગુણધર્મો અતિ આવદૃશ્યક છે – (1) બેરિયમના 50 %થી વધુ કણો દળીને ખૂબ નાના કરેલા હોય (5 Ecm) તો અવક્ષેપન(sedimentation)નો દર ઘટે છે. (2) તેમાં વીજભારની ગેરહાજરી હોય તો તેને નિરયનીય માધ્યમ (non-ionic medium) કહે છે. ઝીણા ભૂકાવાળા બેરિયમમાં વીજભારવાળા કણો વધુ હોય છે અને તે જઠરના અમ્લીય વાતાવરણમાં ઠરે છે. માટે નિરયનીય માધ્યમની આવદૃશ્યકતા રહે છે. (3) બેરિયમ-પાણીના મિશ્રણનું pH મૂલ્ય 5–3ની આસપાસ હોવું જરૂરી છે; કેમ કે, તેથી વધુ અમ્લીયતા હોય તો તે જઠરમાં વધુ અમ્લીય બનીને વધુ પ્રમાણમાં ઠરે છે. (4) બેરિયમનો ઝીણો ભૂકો થવાથી તેનો ચૉક જેવો સ્વાદ ઘટે છે. વ્યાવસાયિક પદ્ધતિએ વિકસાવેલ બેરિયમ-પાણીના મિશ્રણમાં સ્વાદવર્ધક દ્રવ્યો નાંખવામાં આવે છે; જેથી તેનો બેસ્વાદ ઢંકાય. સામાન્ય રીતે બેરિયમ-સલ્ફેટ-પાણીનું મિશ્રણ 1/4 : વજન/કદના ગુણોત્તર પ્રમાણમાં હોય છે અને તેની શ્યાનતા 15–20 cp જેટલી હોય છે. જોકે તેને જાડું-પાતળું કરી શકાય છે. કેટલાક વ્યાવસાયિક સંમિશ્રણોમાં કાર્બૉક્સિમિથાયલ સેલ્યુલોઝ હોય છે, જે પાણીનો સંગ્રહ કરીને બેરિયમને નાના આંતરડામાં પણ ઠરવા દેતો નથી.

દ્વિગુણિત વિભેદક માધ્યમોવાળા અભ્યાસમાં એવું બેરિયમ વપરાવું જોઈએ કે જે આંતરડાની અંદરની દીવાલને યોગ્ય પ્રમાણમાં આચ્છાદિત કરે. જઠરમાં વધુ પ્રમાણમાં પ્રવાહી કે શ્ર્લેષ્મ હોય કે તેનું સંચલન વધુ પડતું હોય તો બેરિયમથી થતું આચ્છાદન ક્ષતિપૂર્ણ બને છે. જઠરના યોગ્ય પ્રમાણના વિસ્ફારણ (dilatation) માટે (જઠરને યોગ્ય પ્રમાણમાં પહોળું કરવા માટે) નાક-જઠરી નળી દ્વારા હવા કે અંગારવાયુ નાંખી શકાય છે. જોકે નાક-જઠરી નળી નાંખવાની બાબત દર્દીઓને સ્વીકાર્ય હોતી નથી, તેથી મોટા ભાગે સોડિયમ બાયકાર્બોનેટ ટાર્ટરિક ઍસિડ અને કૅલ્શિયમ કાર્બોનેટની વાતવિપ્રેરક (effervescent) ગોળીઓ વાપરીને જઠરમાં અંગારવાયુ ઉત્પન્ન કરાય છે. જોકે આ પદ્ધતિએ ઉત્પન્ન થતા વાયુનું કદ અનિશ્ચિત રહે છે અને તેથી ક્યારેક જઠર વધુ પડતું પહોળું થઈ જાય છે (અતિ-વિસ્ફારણ). કેટલાંક વ્યાવસાયિક સંસર્જનો(preparation)માં દબાણ હેઠળ અંગારવાયુ પણ મિશ્રિત કરેલો હોય છે, પણ તે અપૂરતો પડે છે. જઠરમાં પરપોટા ન બને તે માટે જરૂર પડ્યે પ્રતિફેન (anti foaming) દ્રવ્યનો ઉપયોગ કરાય છે. જઠરની માફક મોટા આંતરડામાં પણ દ્વિગુણિત વિભેદક પરીક્ષણ કરાય છે.

જલદ્રાવ્ય આયોડિનયુક્ત વિભેદક માધ્યમનો ઉપયોગ વિશિષ્ટ સંજોગોમાં કરાય છે; જેમ કે, જઠરમાં છિદ્ર પડેલું હોય કે જઠર-આંતરડાના સંધાન-સ્થળે પ્રવાહી ચૂઈ જતું (leakage) હોય તો તેવે સમયે જલદ્રાવ્ય આયોડિનયુક્ત વિભેદક વધુ ઉપયોગી રહે છે. પરંતુ તેનો આસૃતિદાબ વધુ છે અને ક્ષ-કિરણરોધતા ઓછી છે માટે તે નાના આંતરડાના રોગના નિદાનમાં ઉપયોગી નથી. જો દર્દીમાં શ્વસનમાર્ગમાં વિભેદક પ્રવેશી જવાનો ભય હોય તો જલદ્રાવ્ય વિભેદક વાપરી શકાતો નથી.

પિત્તમાર્ગનું નિદર્શન કરવા માટે મુખમાર્ગી તથા નસ વાટે અપાય એવાં વિભેદક માધ્યમો વિકસેલાં છે. પિત્તાશય-ચિત્રણ(chole-cystography)નાં પ્રથમ સફળ પરીક્ષણો ગ્રેહામ અને કોલેએ કર્યાં હતાં (1924). તેમણે નસ વાટે સોડિયમ ટેટ્રાબ્રૉમ-ફિનોલ્ફથેલિનનો ઉપયોગ કર્યો હતો. પાછળથી મુખમાર્ગી દ્રવ્ય પણ વિકસ્યું. મોં વાટે તેને આપ્યા પછી આશરે 10–12 કલાકમાં તે અવશોષણ-પરિભ્રમણ-યકૃતીય ઉત્સર્જન અને છેવટે પિત્તાશયમાં સંગ્રહ – એમ જુદા જુદા તબક્કાઓમાં પસાર થાય છે અને પિત્તાશય ક્ષ-કિરણરોધી માધ્યમથી ભરાઈ જાય છે. મુખમાર્ગી વિભેદકો સોડિયમ ગ્લુકુરોનાઇડ રૂપે સંજોડાણ (conjugation) પામતાં મેગ્લુમાઇન આયોગ્લુકેમેટ બહાર નીકળે છે; જ્યારે નસમાર્ગી વિભેદક આયોડાયપેમાઇડ જેમનું તેમ બહાર નીકળે છે. હાલ વિભેદક રૂપે આયોડોપેનોઇક ઍસિડ, સોડિયમ આયપોડેટ, કૅલ્શિયમ આયપોટેડ અને મેગ્લુમાઇન આયોગ્લાયકેમેટ વપરાય છે. આધુનિક મુખમાર્ગી વિભેદકના દરેક અણુમાં આયોડિનના 3 પરમાણુઓ હોય છે અને તેમાં 60થી 68 % જેટલું (વજન પ્રમાણે) આયોડિન હોય છે. સોડિયમ અને કૅલ્શિયમ આયપોડેટ યકૃતમાં પણ પૂરતા પ્રમાણમાં એકઠું થાય છે અને તેથી યકૃત-નળી (hepatic duct) પણ દર્શાવી શકાય છે. તે માટે ચિત્રણો લેતાં પહેલાં 2 કલાકે ફરી એક વાર વિભેદકની માત્રા અપાય છે. તેને કારણે ઘણા દર્દીઓમાં સામાન્ય પિત્તનળી(common bile duct)નું પણ નિદર્શન કરી શકાય છે. આ પદ્ધતિથી પિત્તાશય અને પિત્તની નળીઓ અંગેની વિકૃતિઓનું વધુ સારું નિદાન શક્ય બને છે. મુખમાર્ગી વિભેદકોની મુખ્ય આડ અસર નજીવી છે. તેમાં માથું દુખવું, ઊબકા, ઝાડા તથા પેશાબ કરતી વખતે થતી બળતરાનો સમાવેશ થાય છે. ક્યારેક વિષમોર્જા (allergy) થાય છે. નસ વાટે થતા પિત્તનલિકાચિત્રણ(cholengiography)માં આયોડાયપેમાઇડ કે મેગ્લુમાઇન આયોગ્લુકેમેટ વપરાય છે. તેનાથી સામાન્ય પિત્તનળીમાંથી પસાર થતા વિભેદકને દર્શાવી શકાય છે.

અગાઉ મૂત્રમાર્ગનાં પરીક્ષણોમાં વિભેદક માધ્યમોનું ઘણું મહત્વ હતું. તેની મદદથી શિરામાર્ગી (intravenous) તથા આરોહી (ascending) મૂત્રમાર્ગ-ચિત્રણ (pyelography) કરી શકાય છે. જોકે હાલ અંત:નિરીક્ષણ(endoscopy)ના વિકાસે તેમનો ઉપયોગ ઘટાડી નાંખ્યો છે.

નસમાર્ગી વિભેદકો : તેમની મદદથી શરીરના જે ભાગનો અભ્યાસ કરવાનો હોય તેને કે તેની આસપાસના વિસ્તારની છાયામાં ફેરફાર કરીને માહિતી મેળવાય છે. ક્યારેક 2 જુદી જુદી દૈહિક સંરચનાઓની અલગ અલગ વિભેદક-વિતરણ-પ્રણાલીને આધારે માહિતી મળે છે. નસ વાટે અપાતો આદર્શ વિભેદક જલદ્રાવ્ય, ગરમી-રસાયણ-સંગ્રહમાં સ્થિર રહેતો, પ્રતિરક્ષાલક્ષી લાક્ષણિકતા વગરનો, ઓછી શ્યાનતાવાળો, રુધિરપ્રરસ જેટલી કે તેનાથી ઓછી આસૃતિવાળો, વિશિષ્ટ રીતે ઉત્સર્જન પામતો, સુરક્ષિત અને સસ્તો હોવો જોઈએ. ડાયાટ્રિઝોએટ અને આયૉથેલેમેટ વધુ આસૃતિવાળા અને અયનીય (ionic) વિભેદકો છે; જ્યારે આયોહેક્ઝોલ, આયોપેમિડોલ અને મેટ્રિઝેમાઇડ ઓછી આસૃતિવાળા અને નિરયનીય (non-ionic) વિભેદકો છે. તેમને નસ વાટે આપ્યા પછી તેઓ ઝડપથી નસોમાં તથા કોષોની બહાર વિતરણ પામે છે અને ઝડપથી મૂત્રમાર્ગે બહાર જાય છે.

તેમની મુખ્ય આડઅસરોમાં નસોનું પહોળું થવું, નસોમાંના પ્રવાહીનું કદ વધવું, પેશીમાં રુધિરાભિસરણ વધવું, લોહીનું દબાણ ઘટવું, સ્થાનિક શ્યાનતા(viscocity)જન્ય અસરો થવી, ઇન્જેક્શન-સ્થાને બળતરા કે દુખાવો થવો વગેરેનો સમાવેશ થાય છે. ક્યારેક હૃદયના ધબકારા અનિયમિત થવા કે લોહીના ગંઠાવાની ક્રિયા અસરગ્રસ્ત થવી જેવા વિકારો પણ થઈ આવે છે. તેમને કારણે મૂત્રપિંડ પર ઝેરી અસર થાય તો ઉગ્ર પ્રકારની મૂત્રપિંડી નિષ્ફળતા થઈ આવે છે. સામાન્ય રીતે વિભેદકની માત્રા સાથે તે સંબંધ ધરાવે છે. દર્દીની મોટી ઉંમર, મૂત્રપિંડની દીર્ઘકાલી નિષ્ફળતા અથવા રુધિરાભિસરણના વિકારો હોય તો આવી આડઅસર વહેલી થાય છે. શરીરમાં વ્યાપક આડ-અસર રૂપે ઊબકા, ઊલટી, છીંકો આવવી, ચક્કર આવવા, શીળસ થવી, ટાઢ વાવી, શ્ર્વાસ ચડવો, વિષમોર્જા(allergy)-જન્ય આઘાત(shock)ની સ્થિતિ થવી, મૃત્યુ નીપજવું વગેરે થઈ શકે છે. તેથી દર્દીને આયોડિનવાળી કોઈ દવા, વિભેદક કે સમસ્થાની દ્રવ્યની અગાઉ વિષમોર્જા (allergy) થયેલી છે કે નહિ તે ખાસ જાણી લેવાય છે તથા દર્દીના મહત્વના અવયવોની ક્રિયાસ્થિતિનો ક્યાસ કાઢી લેવાય છે. ત્યારબાદ જ નસમાર્ગી વિભેદક અપાય છે.

આડઅસરો : વિભેદક માધ્યમોથી થતી આડઅસરો તેમના ભૌતિક ગુણધર્મો, આયોડિનની સાંદ્રતા, કુલ માત્રા અને કદ તથા પ્રવેશની ઝડપ અને દર પર આધાર રાખે છે. આસૃતિદાબ, આયોડિનની સાંદ્રતા, કુલ કદ અને ઝડપી દરે પ્રવેશ આડઅસરો વધારે છે. જોકે વિષમોર્જા(allergy)-જન્ય આડઅસરો પર આ પરિબળો અસર કરતાં નથી. આડઅસરોમાં વિષમોર્જાજન્ય તકલીફો ઉપરાંત, મૂત્રપિંડી નિષ્ફળતા, ફેફસાંમાં વિભેદકનો પ્રવેશ, ફેફસાંમાં પ્રવાહી ભરાવાથી થતો ફેફસી જલશોફ (pulmonary oedema), આંચકી આવવી, પેટની પરિતનગુહામાં શોથજન્ય (inflammatory) વિકાર વગેરે થાય છે. તેનાથી સામાન્ય તકલીફો રૂપે ઊબકા, ગચરકા, શીળસ, ફિકાશ અને હાથ-પગનો દુખાવો જોવા મળે છે. મધ્યમ પ્રકારની તકલીફ રૂપે અતિશય ઊલટી, વ્યાપક શીળ, ગળામાં સોજો, શ્ર્વાસ ચડવો, ટાઢ વાવી, છાતી કે પેટમાં દુખાવો થવો વગેરે થાય છે. તીવ્ર વિકાર રૂપે લોહીનું દબાણ ઘટી જવું, બેભાન થઈ જવું, ફેફસાંમાં પાણી ભરાવું, હૃદયના ધબકારા અનિયમિત થવા, હૃદય ધબકતું બંધ થઈ જવું વગેરે થાય છે. જો દર્દી મધુપ્રમેહ માટે મેટફૉર્મિન નામની દવા લેતો હોય તો તેને નસ વાટે વિભેદક આપવાથી ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા થઈ જવાનો ભય રહે છે.

અન્ય દવાઓ સામેની આંતરક્રિયા : નસમાર્ગી વિભેદકો અન્ય વિવિધ દવાઓ સાથે આંતરક્રિયા કરે છે, જેની સાવચેતી લેવી જરૂરી ગણાય છે. તેઓ એસીઇ અવદાબકો, એમિયોડેરોન, એમ્ફૉર્ટેરિસિન, એનેસ્થેટિક એજન્ટ્સ, એનાલેપ્ટિક્સ, ઍન્ટિઍરિથ્મિક ઔષધો, ઍન્ટિકોએગ્યુલન્ટ્સ, બાયગ્વેનાઇડ્ઝ, ઍન્ટિસાયકૉટિક્સ, ઍન્ટિડિપ્રેસન્ટ્સ, બીટાબ્લૉકર્સ, કૅલ્શિયમ ઍન્ટાગૉનિસ્ટ્સ, ડિજિટાલિસ, મૂત્રવર્ધકો, ફાઇબ્રિનોલાયટિક્સ, હાઇડ્રેલેઝિન, ઇમ્યુનોમૉડ્યુલેટર્સ, રેચકો, એમએઓ અવદાબકો, મૂત્રપિંડ પર ઝેરી અસરવાળાં ઔષધો, રેઝરપીન, એસ્પિરિન, ટિક્લોપિરિન, વેઝોપ્રેસિન વગેરે સાથે આંતરક્રિયા કરીને વિવિધ પ્રકારનું જોખમ સર્જી શકે છે.

શિલીન નં. શુક્લ