વિભુકુમાર (. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે.

તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તાલોં મેં બંદ પ્રજાતંત્ર’ (1981); ‘અપરિભાષિત’ (1981); ‘કહે ઈસા સુને મુસા’ (1984); ‘હવાઓં કા વિદ્રોહ’ (1986); ‘મુન્નીબાઈ’ (1993) – એ બધા તેમના નોંધપાત્ર નાટ્યસંગ્રહો છે. ‘સહી આદમી કી તલાશ’ (1970); ‘મેરે સાથ યહી તો દિક્કત હુઈ’ (1978) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે.

આ સાહિત્યસેવા માટે તેમને મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ તરફથી 198182માં હરિકૃષ્ણ પ્રેમી ઍવૉર્ડ તથા મધ્યપ્રદેશ હિંદી સાહિત્ય સંમેલન તરફથી 1994માં વાગીશ્વરી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા