વિબંધન (Estoppel) : ધારાકીય જોગવાઈ અને અદાલતી ચુકાદાઓમાંથી પેદા થયેલું બંધન. ભૂતકાળમાં કોઈ પણ પક્ષકારે ન્યાયાલયમાં ગેરરજૂઆત કરી હોય તો તે પાછળથી સાચી પરિસ્થિતિની રજૂઆત કરીને તેમાંથી નિષ્પન્ન થતા લાભને મેળવી શકતો નથી. આ પ્રમાણે ગેરરજૂઆત કરનાર પક્ષકાર ઉપર ભવિષ્યમાં લાભ મેળવવા વિરુદ્ધ જે બંધન મૂકવામાં આવ્યું છે તેને વિબંધન કહેવાય છે. મુખ્યત્વે કરારના, ભાગીદારીના, માલ-વેચાણના અને હસ્તાંતરણીય દસ્તાવેજોને લગતા ધારાઓમાં વિબંધનની જોગવાઈ છે. ભારતમાંના આ ધારાઓમાં વિબંધનની જેટલી અને જેવી જોગવાઈ છે લગભગ તેવી અને તેટલી જોગવાઈ વિશ્વભરના દેશોના વ્યાપારી કાયદાઓમાં છે.
1. કરારનો કાયદો : કરારમાં વચન આપનારની પ્રગટ કે ગર્ભિત ઇચ્છા પર આધાર રાખીને કરારના અન્ય પક્ષકારો કરાર સંદર્ભે વર્તે તો વચન આપનારની ઇચ્છા એને માટે વિબંધન બને છે. એજન્ટ નીમવા અંગે પણ કરારના કાયદામાં વિબંધનની જોગવાઈ છે. કોઈ એક વ્યક્તિ પ્રગટ કે ગર્ભિત રીતે એજન્ટ નીમે તો એનાં એજન્ટ તરીકેનાં કાર્યો એ વ્યક્તિ માટે વિબંધન બને છે. એજન્ટનાં કાર્યોને કારણે પેદા થતી જવાબદારીમાંથી એ વ્યક્તિ છટકી શકતી નથી.
2. ભાગીદારીનો કાયદો : ભાગીદારીમાંથી નિવૃત્ત થતા ભાગીદારે જાહેર ચેતવણી દ્વારા જણાવ્યું ન હોય કે તે નિવૃત્ત થયો છે અને અન્ય માણસોએ તે ભાગીદાર તરીકે ચાલુ છે એમ માનીને ભાગીદાર સાથે વ્યવહાર કર્યા હોય તો એવા વ્યવહારોમાંથી પેદા થતી જવાબદારી અદા કરવાનો ઇનકાર નિવૃત્ત ભાગીદાર કરી શકતો નથી. નિવૃત્તિ અંગે સેવેલા મૌનથી એના પર વિબંધન લાગુ પડે છે. એનાથી ઊલટું, નિવૃત્ત ભાગીદાર પોતે ભાગીદારીમાં ચાલુ છે એવું પ્રતિપાદિત કરે અને એની નિવૃત્તિની જાહેર નોટિસ આપવામાં ન આવી હોય તો એવા ભાગીદારનાં કૃત્યોથી ઊભી થતી જવાબદારીમાંથી ભાગીદારી છટકી શકતી નથી. ભાગીદારી અને તેના ચાલુ ભાગીદારોએ સેવેલા મૌનથી એમને વિબંધન લાગુ પડે છે. એ જ પ્રમાણે, ભાગીદારીના વિસર્જનની જાહેર નોટિસ આપવામાં ન આવે અને કોઈ પણ ભાગીદાર ભાગીદારી ચાલુ જ છે એવું પ્રતિપાદિત કરી ભાગીદારની જેમ ત્રાહિત પક્ષ સાથે વ્યવહારો કરે તો એ વ્યવહારોમાંથી પેદા થતી જવાબદારી અદા કરવામાંથી બાકીના ભાગીદારો અને ભાગીદારી છટકી શકે નહિ. વિસર્જન અંગેના મૌનને પરિણામે ભાગીદારી અને બધા ભાગીદારોને વિબંધન લાગુ પડે છે.
3. માલ–વેચાણનો કાયદો : વેચનારને વેચાણ કરવાના હક્કો નહિ હોવા છતાં માલનો મૂળ માલિક એવી રીતે વર્તન કરે કે જેથી ખરીદનારને માનવાને કારણ મળે કે વેચનારને વેચાણના હક્ક છે અને તે ખરીદી કરે તો તે ખરીદીમાંથી નિષ્પન્ન થતી જવાબદારીમાંથી મૂળ માલિક છટકી શકતો નથી. એના સંમતિદર્શક મૌનને પરિણામે એને વિબંધન લાગુ પડે છે.
4. હસ્તાંતરણીય દસ્તાવેજોનો કાયદો : વચનચિઠ્ઠીનો લખનાર, વિનિમયપત્ર સ્વીકારનાર, ચેક લખનાર અને શેરો મારનાર અથવા વિનિમયપત્રનો માનાર્થે સ્વીકારનાર પાછળથી દસ્તાવેજની કાયદેસરતાનો ઇન્કાર કરીને પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી. એ જ પ્રમાણે, વચનચિઠ્ઠીનો લખનાર અથવા દેવા વિનિમયપત્રનો સ્વીકારનાર દસ્તાવેજ પર શેરો મારવાના પ્રસંગે નાણાં લેનારની ક્ષમતા અંગે વાંધો ઉઠાવી શકે નહિ. આગળ વધીને, હસ્તાંતરણીય દસ્તાવેજ પર શેરો કરનાર શેરો કર્યા પછી એની પૂર્વેના શેરો કરનારની સહીની ખરાઈ કે એની ક્ષમતા અંગે વાંધો ઉઠાવી શકે નહિ. આ દરેક પ્રસંગે સહી કરનાર સહી કર્યા બાદ એમાંથી પેદા થતી જવાબદારીમાંથી છટકી શકે નહિ. એની સહીથી એના પર વિબંધન લાગુ પડે છે.
સૂર્યકાન્ત શાહ