વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી]

February, 2005

વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી] : આસામી સાહિત્યના પૂર્વ વૈષ્ણવી કાળના ખ્યાતનામ કવિઓ પૈકીના એક. પ્રાચીન રાજ્ય કામતાપુરના રાજા દુર્લભનારાયણના આશ્રિત. કવિઓ અને પંડિતોના ભારે ચાહક અને આસામીમાં લખવા તેમને પ્રેરનાર રાજા વિશે તેમણે સ્વસ્તિવાચન કાવ્યકૃતિ રચીને તેના પ્રત્યે ઋણભાવથી પ્રશંસા કરી છે.

તે રાજાના રાજ્યકાળ દરમિયાન તેમણે બે કૃતિઓ રચી હતી : ‘બભ્રુવાહનાર યુદ્ધ’ અને ‘લવકુશાર યુદ્ધ’. આ બંને કૃતિઓનું વિષયવસ્તુ જૈમિનીય મહાભારતમાંથી લેવામાં આવ્યું હતું. પ્રથમ કૃતિમાં અર્જુન અને તેના પુત્ર બભ્રુવાહન વચ્ચેના યુદ્ધ અને બીજી કૃતિમાં રામ અને તેના બે પુત્રો લવ અને કુશ વચ્ચેના યુદ્ધનું વર્ણન રજૂ થયું છે. તે મૂળ કૃતિનો શબ્દશ: અનુવાદ નથી, પરંતુ કવિએ મૂળ વાર્તાની નજીક રહીને બિનજરૂરી વિગતો ટાળી છે અને સામાન્ય વાચક માટે તેને વધુ અસરકારક બનાવી છે. વાર્તાનો મૂળ ભાવ જાળવી રાખીને તેમણે તેમની કલ્પનાઓનો વિનિયોગ કર્યો છે.

જૈમિનિ પર આધારિત બીજી કૃતિ ‘તામ્રધ્વજાર યુદ્ધ’ તેમણે પ્રગટ કરી હતી. તેની હસ્તપ્રતની પુષ્પિકામાં હરિવરનું નામ જોવા મળે છે. નાટકીય પ્રસંગો અને પરિસ્થિતિ રજૂ કરવામાં તેમનું કૌશલ નોંધપાત્ર રહ્યું છે. તેનાં આબેહૂબ વર્ણનો, રૂઢિપ્રયોગવાળી અભિવ્યક્તિ અને નિરાડંબરી હાસ્ય માટે તેઓ જાણીતા છે.

બળદેવભાઈ કનીજિયા