વિબ્રિયો

February, 2005

વિબ્રિયો : બૅક્ટેરિયા સમૂહના જીવાણુઓની પ્રજાતિ, જેમાં વિબ્રિયો કૉલેરી એ કૉલેરાનો રોગ પેદા કરનાર જીવાણુ છે. તેની પ્રથમ શોધ જલજ વાતાવરણમાંથી પાસીની નામના વિજ્ઞાનીએ 1854માં કરી. આ અલ્પવિરામ આકારના જીવાણુઓ કશા(flagella)ની મદદથી કંપન (vibrate) કરતા હોવાથી તેને ‘વિબ્રિયો કૉમા’ (Vibrio comma) એવું નામ આપતી વેળાએ કોઈને તેમની કોગળિયું (cholera) જેવી ભયાનક બીમારી સર્જવાની શક્તિનો ખ્યાલ નહોતો. સંયુક્ત ભારતમાં સૈકાઓથી પ્રચલિત કૉલેરાની બીમારીએ વર્ષ 1898થી 1907 દરમિયાન 3,70,000 માનવીઓનો ભોગ લીધેલો. વિશ્વમાં સમયાંતરે થયેલા વિસ્ફોટક કૉલેરાએ વળી લાખો માનવીઓનો સંહાર કર્યો છે.

ભારત અને ઇજિપ્તના રોગીઓની તપાસ દરમિયાન જીવાણુશાસ્ત્રના આદ્યસ્થાપક અને વિચક્ષણ જર્મન વિજ્ઞાની રૉબર્ટ કોચે (Robert Ko’ch, 1843-1910) પ્રાપ્ત નમૂનાઓમાં વિબ્રિયોની હાજરી નોંધી. તે બાદ 10 વર્ષે બોર્ડેટે નિરુપદ્રવી મનાતા વિબ્રિયોને કૉલેરા સાથે નિર્વિવાદપણે સાંકળ્યા.

વિબ્રિયોનાં લક્ષણો : જલજ વાતાવરણ અને માનવમળમાં વિબ્રિયોની 20 જેટલી જાતિઓ હાજર હોય છે. તેઓ રસાયણકાર્બનિક પોષિતા (chemoorganotroph) છે અને કાર્બનિક પદાર્થોના વિઘટન દ્વારા ખોરાક મેળવે છે અને પ્રાણવાયુની હાજરીમાં શ્વસનથી, અન્યથા આથવણ(fermentation)થી ખોરાકનો ઉપયોગ કરે છે. આશરે 9થી 9.6થી pHવાળા 2થી 3 % મીઠાના દ્રાવણમાં જરૂરી શર્કરા અને નાઇટ્રોજન સ્રોતવાળા માધ્યમમાં વિબ્રિયોને 30° સે.એ ઉછેરી શકાય છે. સઘન માધ્યમમાં મોટાભાગની જાતિ લીસી, સ્પષ્ટ ક્ધિાારયુક્ત અને શ્વેતરંગી ગોળાકાર વસાહતો (colonies) બનાવે છે.

વિબ્રિયો અલ્પવિરામ જેમ વળેલા 0.3 × 1.3 μM (micrometer = 10-3 મીમી.) કદના નળાકાર છે, જે ગ્રામ ઋણ પ્રકારે રંજિત થાય છે. કોષ તેના એક છેડે મુખ્ય કશા ધરાવે છે, જેના પર શ્લેષ્મના થર લાગેલા રહે છે. ક્વચિત્ વિબ્રિયો વક્રતા ગુમાવે છે કે મોટી સંખ્યામાં ઝૂમખા રૂપે કે સમગ્ર બાજુએ શ્લેષ્મસ્તર રહિત સહેજ નાની કશાઓ બનાવે છે. વિબ્રિયો કદાપિ બીજાણુ (spore) કે સિસ્ટ (cyst) બનાવતા નથી, પણ તેટલા જ કદની મોટી પોલી બીટાહાઇડ્રૉક્સી બ્યુટરેટની રસકણિકાઓ (cytoplasmic granules) વૃદ્ધિના પાછલા તબક્કે (idiophase) બતાવે છે. વિબ્રિયો કૉલેરી – અલ્પવિરામ આકારનો બૅક્ટેરિયા વિ. કૉલેરી બે વર્તુળાકાર રંગસૂત્રો ધરાવે છે. મોટો રંગસૂત્ર 2.96 mbp (millian base pairs) અને નાનો રંગસૂત્ર 1.07 mbp ધરાવે છે. બંને સાથે મળીને 3,885 ORFs (open reading frames) અને નાનું રંગસૂત્ર અનેક જનીનો ધરાવે છે, પરંતુ તેનાં કાર્યો જાણમાં નથી, કદાચ તેમાં ગ્રહણ કરેલા પ્લાસ્મિડ કણો હોઈ શકે. મોટું રંગસૂત્ર મોટાભાગના જનીનો ધરાવે છે, જે કોષ બૅક્ટેરિયાનાં કાર્યો અને રોગકારકતા માટે જવાબદાર છે. કૉલેરાનું ઝેર વાયરસના સંજનીન(genome)માં અંકિત છે. આ વાયરસમાં મોટાં રંગસૂત્ર ઘનિષ્ઠ રીતે જોડાયેલાં હોય છે.

જીવરસાયણ-કસોટીઓમાં વિબ્રિયો ઑક્સિડેઝ, જિલેટિનેઝ, લાઇપેઝ અને કેટલાક ઍમિનો-ઍસિડના ડિકાબૉર્ક્સિલેઝ કે ડિહાઇડ્રોજિનેઝ પ્રકારના ઉત્સેચકો બનાવે છે. ગ્લુકોઝ, સુક્રોઝ અને મેનીટોલનું મિશ્ર અમ્લ આથવણ તેઓ કરી બતાવે છે, અને પ્રતિજૈવિકો (antibiotics) વડે અવરોધાય પણ છે. કેટલીક જાતિ જૈવપ્રકાશમાન (bioluminescent), કોષકેન્દ્રોત્તર (extra chromosomal) DNA ધરાવતી, કે અન્ય જીવાણુ પર જીવનારી (પરજીવી) હોય છે. ‘બર્ગીઝ મૅન્યુઅલ’ નામના સંદર્ભગ્રંથમાં વિબ્રિયોનેસી (vibrionaeceae) કુળના આ સભ્યોને પ્રચલિત જીવાણુ ઈ. કૉલી(E. Coli)ના ઘનિષ્ઠ સંબંધી બતાવેલ છે.

વિબ્રિયોની રોગકારક શક્તિ : વિબ્રિયોની ત્રણ જાતિઓ V. cholerae, V. parahaemolyticus અને V. vulnificus મનુષ્યમાં અનુક્રમે કૉલેરા, પાચનમાર્ગના રોગો અને લોહીવિકાર-(septicemia)ની બીમારી કરે છે. વિ. કૉલેરી જાતિને મહામારીના કિસ્સાના આધારે પરંપરાગત (classical) અને એલ્ટૉર (El Tor) – એમ બે પ્રકારોમાં અને દૈહિક પ્રતિજનો (antigen) ABCના આધારે Ogawa (AB), lnaba (AC) અને Hikojima (ABC) – એમ ત્રણ પ્રકારોમાં વિભાજિત કરાઈ છે.

વી. કૉલેરી ખોરાક-પાણી વાટે શરીરમાં પ્રવેશી 24 કલાકમાં પાચનવિષ (entero toxin) બનાવી, આંતરડાના શ્લેષ્મ-કોષો, પાણી અને ક્ષારનો સ્રોત વહાવવા વિવશ કરે છે, જે પ્રતિદિન 20 લિટરની માત્રામાં ઝાડા-ઊલટી રૂપે બહાર આવતાં પ્રાણઘાતક થઈ શકે છે. રોગનું વિબ્રિયોના ઉછેર બાદ નિદાન કરાતાં ક્ષાર અને પાણીની આપૂર્તિ સાથે ટેટ્રાસાઇક્લિન વડે સારવાર કરાય છે.

ભૂપેશ યાજ્ઞિક