વિન્ધોક (Windhoek)

February, 2005

વિન્ધોક (Windhoek) : નૈર્ઋત્ય આફ્રિકામાં આવેલા નામિબિયા દેશનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 22° 25´ દ. અ. અને 16° 55´ પૂ. રે.. તે મકરવૃત્ત નજીક આટલાન્ટિક મહાસાગર કિનારાથી 270 કિમી. અંતરે દેશના મધ્યભાગમાં આવેલા શુષ્ક માહોલવાળા ઉચ્ચપ્રદેશમાં આવેલું છે. નામિબિયાનું તે વહીવટી કેન્દ્ર છે. અહીં એક તક્નીકી કૉલેજ છે.

1880ના દાયકાનાં છેલ્લાં વર્ષો દરમિયાન જર્મનીએ જ્યારે આ વિસ્તાર કબજે કરેલો ત્યારે જર્મન સૈનિકોએ તેની સ્થાપના કરેલી. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન દક્ષિણ આફ્રિકાએ નામિબિયા જીતી લીધેલું. 1918 પછી પણ આંતરરાષ્ટ્રીય વિરોધ હોવા છતાં 1990 સુધી તેનો કબજો રાખેલો. 1990માં નામિબિયા સ્વતંત્ર થયું છે. 1999 મુજબ વિન્ધોકની વસ્તી 2,02,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા