વિન્કલ્માન, જોઆકીમ (Wincklemann, Joachim) (જ. 9 ડિસેમ્બર, સ્ટેન્ડાલ, પ્રુશિયા; અ. 8 જૂન 1768, ત્રિયેસ્તે, ઇટાલી) : પ્રાચીન ગ્રીક કલાની હિમાયત કરનાર જર્મન પુરાતત્વવેત્તા અને કલા-ઇતિહાસકાર. તેમના પ્રભાવ હેઠળ યુરોપ અને અમેરિકામાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને ફિલસૂફીનાં ક્ષેત્રોમાં નવપ્રશિષ્ટવાદનો જન્મ થયો.
તેમના પિતા મોચી હતા. અભ્યાસકાળ દરમિયાન હોમરના અનુવાદ વાંચ્યા અને ગ્રીક સંસ્કૃતિથી પ્રભાવિત થયા. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી યુનિવર્સિટી ઑવ્ હેેલે (Halle) ખાતે 1738માં ધર્મશાસ્ત્ર (theology) અને પછી 1741થી 1742 સુધી યુનિવર્સિટી ઑવ્ જેના (Jena) ખાતે મેડિસિનનો અભ્યાસ કર્યો. બંને અભ્યાસને પૂરા કર્યા વિના જ તેમણે પડતા મૂક્યા અને નૉથ્નીઝ (nothnitz) ખાતે કાઉન્ટ ફોન બુનોના ગ્રંથપાલ બન્યા. અહીં જ તેમણે 1755માં જર્મન ભાષામાં ‘રિફ્લેક્શન્સ ઑન ધ પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચર ઑવ ધ ગ્રીક્સ’ નામે યુગપ્રવર્તક નિબંધ લખ્યો. આ નિબંધ ગ્રીક કલાની હિમાયત કરતો ઢંઢેરો બની ગયો અને સમગ્ર યુરોપમાં પ્રખ્યાત બન્યો. યુરોપની બધી જ ભાષાઓમાં તેના અનુવાદ થયા.
પછી કૅથલિક સંપ્રદાય અંગીકાર કરીને તેઓ પ્રાચીન ગ્રેકોરોમન કલાની માતૃનગરી રોમ ચાલ્યા ગયા અને થોડા વખત પછી તેઓ વૅટિકનના ગ્રંથપાલ બન્યા. ત્યારબાદ તેઓ ‘એન્ટિક્વિટિઝ’(પ્રાચીન ગ્રીક અને રોમન કલાકૃતિઓના સંગ્રહ)ના પ્રમુખ તથા કાર્ડિનલ આલ્બાનીના સેક્રેટરી બન્યા. આલ્બાની પાસે પ્રાચીન ગ્રેકોરોમન કલાકૃતિઓનો અંગત માલિકીનો મોટો ખજાનો હતો. તેનો અભ્યાસ કરવાની સુવિધા તેમને સાંપડી.
પોતાના વિખ્યાત નિબંધમાં તેમણે પ્રાચીન ગ્રેકોરોમન કલામાં રહેલાં ઉદાત્ત મૂલ્યોને ઉજાગર કરવા માટેના અભિગમો ચીંધી બતાવ્યાં. દાખલા તરીકે તેમણે પ્રતિપાદન કર્યું કે પ્રાચીન ગ્રેકોરોમન વીરનાયકોનાં નગ્ન આલેખનો વીરતા અને બહાદુરીનાં દ્યોતક છે. તેમણે ફિડિયાસ, પૉલિક્લિટસ અને પ્રેક્સિટિલસે કંડારેલાં શિલ્પોનું વિગતવાર વિશ્લેષણ કર્યું. પ્રસિદ્ધ શિલ્પ ‘લાઓકૂન’નું તેમણે વિગતવાર વર્ણન કર્યું. આ નિબંધ આજે પણ જર્મન સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂનાઓમાંનો એક ગણાય છે.
1768માં તેમણે ડ્રેસ્ડન અને વિયેનાની મુલાકાત લીધી. રોમ જવા માટે પાછા વળતા ત્રિયેસ્તે ખાતે ઉતરાણ દરમિયાન એક મિત્રે જ તેમનું ખૂન કર્યું. પ્રાચીન ખંડેરોની મુલાકાત લેવા માટે ગ્રીસ જવાની તેમની તમન્ના મનમાં જ રહી ગઈ.
અઢારમી સદીના અંતમાં અને ઓગણીસમી સદીના પ્રારંભમાં યુરોપિયન અને અમેરિકન બુદ્ધિજીવીઓ અને કલાજગત પર તેમના નિબંધ ‘રિફલેક્શન્સ’ અને ગ્રંથ ‘હિસ્ટરી’નો પ્રગાઢ પ્રભાવ પડ્યો. ચિત્ર અને શિલ્પના ક્ષેત્રમાં બરોક અને રોકોકો કલાપ્રવાહનાં વળતાં પાણી થયાં અને પ્રાચીન ગ્રીક કલાના અનુસરણમાં નવપ્રશિષ્ટતાવાદ-(નિયોક્લાસિસિઝમ)નો જન્મ થયો. તેમાં ચિત્રકારો આંગ્રે (Ingres) અને ડૅવિડ પ્રમુખ છે. સાહિત્યમાં નાટ્યકાર અને વિવેચક ગૉથૉલ્ડ એફ્રાઇમ લેસિન્ગ (Gotthold Ephrain Lessing) તેમની અસર નીચે સૌથી વધુ આવ્યા. પ્રાચીન સમયમાં જ્વાળામુખી વિસુવિયસના લાવા નીચે દબાઈ ગયેલાં બે પ્રાચીન રોમન નગરો પૉમ્પેઇ અને હર્ક્યુલેનિયમનું ઉત્ખનન કરવામાં વિન્કલ્માનનો નોંધપાત્ર ફાળો રહેલો છે. પુરાતત્વીય અવશેષો પરથી ઐતિહાસિક ઘટનાઓના સમયાનુક્રમ નક્કી કરવાની મહત્વની પદ્ધતિ તેમણે તેમના ગ્રંથ ‘હિસ્ટરી’માં વર્ણવી છે. ‘આધુનિક પુરાતત્વવિદ્યાના પિતા’ તરીકે આજે તેમની ઓળખ છે.
અમિતાભ મડિયા