વિન્ટરનિત્ઝ, એમ.

February, 2005

વિન્ટરનિત્ઝ, એમ. (. 1863, હૉર્ન, ઑસ્ટ્રિયા; . 1934) : ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના ઑસ્ટ્રિયાના વિદ્વાન. વિયેના ખાતે પ્રશિષ્ટ ભાષાવિજ્ઞાન તથા તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના પ્રાધ્યાપકોએ તેમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. ‘ઍન્શન્ટ ઇન્ડિયન મૅરિજ રિચ્યુઅલ એકૉર્ડિંગ ટૂ અપસ્તંભ, કમ્પેર્ડ વિથ ધ મૅરિજ કસ્ટમ્સ ઑવ્ ધી ઇન્ડો-યુરોપિયન પીપલ’ – એ તેમના પીએચ.ડી.ના સંશોધનનિબંધનો વિષય હતો.

તેમના ખ્યાતનામ પ્રાધ્યાપક બુલરની ભલામણથી તેઓ ઑક્સફર્ડ ખાતે મૅક્સમૂલરના હસ્તપ્રતલેખન જેવા સંશોધનકાર્ય માટેના સહાયક બન્યા અને સાયનના ભાષ્ય સાથેની ‘ઋગ્વેદ’ની બીજી આવૃત્તિ તૈયાર કરવામાં તેમને ખૂબ સહાય કરી.

તેમનો ગહન અને વિશાળ માનવતાવાદ, વિસ્મયજનક બહુઆયામી વિદ્વત્તા તથા આદર્શરંગી સત્યનિષ્ઠાને કારણે તેઓ ભારતવાસીઓનું બહુમાન પામ્યા છે. 1892માં ફૅની રીક સાથે લગ્ન કર્યાં તથા ઑક્સફર્ડના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રંથપાલ તરીકે કાર્ય કર્યું. 1898 સુધી તેઓ ઑક્સફર્ડમાં રહ્યા.

1899માં તેઓ પ્રૅગની સૌથી પ્રાચીન જર્મન યુનિવર્સિટીમાં ઇન્ડો-આર્યન ભાષાવિજ્ઞાન તથા નૃવંશવિજ્ઞાનના અધ્યાપક નિમાયા. 1902માં ત્યાં મદદનીશ પ્રાધ્યાપક તથા 1911માં પ્રાધ્યાપક તરીકે બઢતી પામ્યા. 1922-23 દરમિયાન તેઓ વિશ્વભારતી યુનિવર્સિટીના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ભારત આવ્યા. તેમણે સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને પુણેની ડૅક્કન કૉલેજ તરફથી હાથ ધરાયેલી ‘મહાભારત’ની સટીક આવૃત્તિના સંપાદનમાં સહાય કરી.

તેઓ ગ્રેટ બ્રિટનની રૉયલ એશિયાટિક સોસાયટી, અમેરિકન ઑરિયેન્ટલ સોસાયટી, ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (પ્રેગ) વગેરેના માનાર્હ સભ્ય હતા. 1932માં તેમને સંશોધન માટેનું હાર્ડી પ્રાઇઝ મળ્યું હતું. તેમની પ્રકાશિત કૃતિઓમાં માનવ-અભ્યાસની વિવિધ જ્ઞાનશાખાઓની 452 બાબતોનો સમાવેશ થાય છે. તેમની કેટલીક અતિ મહત્વની કૃતિઓમાં ‘અપસ્તંભીય ગૃહ્યસૂત્ર’ની સટીક આવૃત્તિ (વિયેના, 1887), ‘મંત્રપથ’ અથવા અપસ્તંભીઓની પ્રાર્થનાપોથી તથા હરદત્તનું ભાષ્ય અને અંગ્રેજી ભાષાંતર (ભાગ 1, પાઠ અને પરિશિષ્ટો; ઑક્સફર્ડ, 1897), ‘જનરલ ઇન્ડેક્ષ ટુ ધ નેમ્સ ઍન્ડ સબ્જેક્ટ ઑવ્ સેક્રિડ બુક્સ ઑવ્ ધી ઈસ્ટ’ (ઑક્સફર્ડ, 1910); ‘એ કૅટલૉગ ઑવ્ સાઉથ ઇન્ડિયન સંસ્કૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ’ તથા ‘કૅટલૉગ ઑવ્ સંસ્કૃત મૅન્યુસ્ક્રિપ્ટ્સ ઇન ધ બૉડેલિયન લાઇબ્રેરી’ ઉલ્લેખનીય છે.

‘મેરા ભારત’ની સટીક આવૃત્તિ સંપાદિત કરવાનો વિચાર સૌ પહેલાં તેમણે રજૂ કર્યો હતો, એ કામ ‘ઇન્ટરનૅશનલ એસોસિયેશન ઑવ્ ધી ઍકેડેમીઝ’ તરફથી હાથ ધરાયું હતું; પ્રથમ વિશ્વયુદ્ધના કારણે પડતું મુકાયેલું એ કાર્ય પાછળથી ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી હાથ ધરાયું હતું.

લિપઝિગની પ્રકાશન-સંસ્થાએ તેના ‘લિટરેચર ઑવ્ ધી ઈસ્ટ’ નામક અતિપ્રતિષ્ઠ શ્રેણીમાં તેમના ‘હિસ્ટરી ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ના વેદોને લગતા પ્રથમ ગ્રંથનો પ્રથમ ભાગ 1905માં અને મહાકાવ્યો તથા પુરાણોને લગતો બીજો ભાગ 1908માં પ્રગટ કર્યો હતો. બીજો ગ્રંથ પણ 2 ભાગમાં પ્રગટ થયો હતો : બુદ્ધવિષયક સાહિત્યનો પ્રથમ ભાગ 1913માં અને જૈન ધર્મગ્રંથોનો બીજો ભાગ 1920માં પ્રગટ થયા.

વિન્ટરનિત્ઝનાં પ્રવચનો કલકત્તા યુનિવર્સિટીએ ‘સમ પ્રૉબ્લેમ્સ ઑવ્ ઇન્ડિયન લિટરેચર’ શીર્ષક હેઠળ 1925માં પ્રગટ કર્યાં. તેમાં કૌટિલ્ય, ભાસ, કૃષ્ણ, નાટકો, તંત્રશાસ્ત્ર વગેરે અંગે મબલખ સંશોધનસામગ્રી છે. તેમણે યુરોપ અને ભારતનાં અભ્યાસવિષયક સામયિકોમાં પ્રાચ્યવિદ્યાને લગતા સંખ્યાબંધ વિષયો અંગે લેખો પ્રગટ કર્યા. તેમણે મૅક્સમૂલર-રચિત ‘ઍન્થ્રોપોલૉજિકલ રિલિજન’ (1894) તથા ‘સાઇકોલૉજિક રિલિજન’ (1895) નામક પુસ્તકોનો જર્મન અનુવાદ પ્રગટ કર્યો.

બોલાતા અને લખાતા શબ્દોના તેઓ સમર્થ સ્વામી હતા. સમર્થ વિદ્વાનના નાતે તેમણે અનેક ભારતીય જિજ્ઞાસુ પંડિતોને ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના અસીમ ક્ષેત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા પ્રેર્યા. ટાગોર તથા ગાંધીજી તેમના નિકટના મિત્ર હતા.

મહેશ ચોકસી