વિનિપેગ : કૅનેડાના મેનિટોબા રાજ્યનું પાટનગર તથા કૅનેડાનું ચોથા ક્રમે આવતું મોટું શહેર. તે વિનિપેગ સરોવરથી દક્ષિણે રેડ રીવર પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 49° 53´ ઉ. અ. અને 97° 09´ પ. રે.. તે કૅનેડાયુ.એસ.ની સરહદથી ઉત્તર તરફ આશરે 97 કિમી. અંતરે આવેલું છે.
વિનિપેગ શહેર કૅનેડાનું અનાજ માટેનું, વિશેષે કરીને ઘઉંનું મુખ્ય બજાર છે. અહીં બનાવાતી અન્ય મુખ્ય પેદાશોમાં બસ, સિમેન્ટ, કપડાં, કૃષિ-યંત્રસામગ્રી, રાચરચીલું, ધાતુપેદાશો, પ્રક્રમિત ખાદ્યસામગ્રી તથા રૉકેટ અને હવાઈ જહાજોના ભાગોનો સમાવેશ થાય છે. દેશના ઉદ્યોગ-વેપારનું, નાણાંનું તથા સાંસ્કૃતિક બાબતોનું તે મુખ્ય મથક છે.
1870માં અહીં આવેલા જૂના કિલ્લાના સ્થળે તે સ્થપાયેલું છે. 1881માં કૅનેડિયન-પૅસિફિક રેલમાર્ગ થવાથી આ શહેર ઝડપથી વિકસ્યું છે. 1996 મુજબ બૃહદ વિસ્તારની વસ્તી 6,67,209 જેટલી અને શહેર વિસ્તારની વસ્તી 1991 મુજબ 6,16,790 જેટલી છે. મેનિટોબા રાજ્યની 50 %થી વધુ વસ્તી વિનિપેગમાં રહે છે.
ગિરીશભાઈ પંડ્યા