વિનિમય-અંકુશ

February, 2005

વિનિમયઅંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે.  જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ નીતિ વડે વિનિમયબજારમાં આર્થિક પરિબળોના મુક્ત વિહારના સ્થાને રાજ્યના અંકુશો અને નિયમો દાખલ કરવામાં આવે છે અને તે દ્વારા હૂંડિયામણ અંગેના વ્યવહારોનું નિયમન કરવામાં આવે છે. આ નીતિનાં છ મુખ્ય લક્ષણો દર્શાવી શકાય : (1) વિદેશી હૂંડિયામણના બજાર પર રાજ્યનું સંપૂર્ણ નિયંત્રણ; (2) વિનિમયબજારમાં થતી લેવડદેવડ હૂંડિયામણની માંગ અને પુરવઠાની પારસ્પરિક અંત:ક્રિયા દ્વારા થવાને બદલે તેના પર સરકારનો ઇજારો દાખલ થવો; (3) વિદેશી હૂંડિયામણની લેવડદેવડ કરવાનો પરવાનો હોય તે જ પરવાના-ધારકોને તેની લેવડદેવડ કરવાનો અધિકાર; (4) આયાતો પર નિયંત્રણ; (5) દેશના ચલણના વિનિમય-દરનું નિર્ધારણ સરકાર દ્વારા થવું. આ દર સ્થિર (fixed) રાખવામાં આવે છે. (6) આ નીતિ હેઠળ સરકાર પક્ષે બે બાજુનો ઇજારો : વેચનારનો અને ખરીદનારનો દાખલ કરવામાં આવે છે.

વિનિમય-અંકુશ નીતિના ઉદ્દેશો : (1) આયાતો પર નિયંત્રણ મૂકી લેણદેણની તુલાની સમતુલા હાંસલ કરવી; (2) દેશમાંથી વિદેશી મૂડીનું નિષ્કાસન અટકાવવું; (3) વિનિમય-દરમાં ઉતારચઢાવ અટકાવી તેમાં સ્થિરતા અને સ્થાયીકરણ દાખલ કરવાં; (4) વિદેશી હૂંડિયામણની પ્રાપ્તિ અને તેનો ઇષ્ટ તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો; (5) વિનિમય-દરના ઊર્ધ્વમૂલ્યન દ્વારા અનુકૂળ વ્યાપારી શરતોની પ્રાપ્તિ; (6) દેશ સ્વતંત્ર આર્થિક નીતિ અમલમાં મૂકી શકે તેવી અનુકૂળતા કરી આપવી; (7) અર્થતંત્રમાં મંદીનાં વલણો અટકાવવાં; (8) ઇચ્છિત દિશામાં દેશનો વિદેશી વ્યાપાર વાળવો; (9) જે દેશમાં આર્થિક વિકાસ માટે આર્થિક આયોજનની પદ્ધતિનું અવલંબન થતું હોય તેવા દેશમાં આ નીતિ વડે આર્થિક આયોજનની સફળતા નિશ્ચિત કરવી; (10) વિદેશી હૂંડિયામણના જથ્થાનું રક્ષણ અને સંવર્ધન કરવું; (11) વિદેશી દેવા અંગેના વ્યવહારોમાં સુગમતા દાખલ કરવી; (12) વૈરભાવ ધરાવતા દેશોમાંથી આવતી આયાતો પ્રતિબંધિત કરવી; (13) દ્વિપક્ષી વ્યાપારને પ્રોત્સાહન આપવું; (14) દેશના વિકાસ કે રક્ષણ માટે જરૂરી હોય તેવી ચીજવસ્તુઓની પ્રાપ્તિ સુગમ બનાવવી; (15) દેશના ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવું. તેમના વિકાસને મદદરૂપ થવું; (16) આયાત અવેજીકરણ હાંસલ કરવા સારુ કેટલીક આયાતો માટે વિદેશી હૂંડિયામણનો પુરવઠો મર્યાદિત કરવો.

વિનિમયઅંકુશ નીતિ અમલમાં મૂકવાની રીત (તકનીક) : કોઈ પણ દેશ જ્યારે વિનિમય-અંકુશની નીતિ દાખલ કરવા માગે છે ત્યારે તેનો અમલ કરવા માટે દેશની સરકાર કોઈ એક મધ્યસ્થ સંસ્થાને તેનો અમલ કરવાની જવાબદારી સોંપે છે. મહદ્અંશે આ કાર્ય દેશની મધ્યસ્થ બૅંકને સોંપવામાં આવે છે અને આ રીતે નિર્ધારિત કરવામાં આવેલી મધ્યસ્થ સંસ્થા સરકાર વતી વિદેશી હૂંડિયામણની ખરીદી અને વેચાણ કરે છે અને તેનો હિસાબ રાખે છે. વિનિમય-અંકુશની નીતિ જ્યારે સર્વગ્રાહી હોય ત્યારે દેશના નિકાસકર્તાઓ તેમણે કરેલ નિકાસ સામે વિદેશી હૂંડિયામણ કમાતા હોય છે, ત્યારે તેમણે મેળવેલ હૂંડિયામણના જથ્થાનો સ્વતંત્ર રીતે નિકાલ કરવાની તેમને સત્તા હોતી નથી. આ જ બાબત નિકાસકર્તાઓ સિવાયના જે લોકો અન્ય રીતે વિદેશી હૂંડિયામણ મેળવે છે તેમને લાગુ પડે છે. આ બધાને તેમણે પ્રાપ્ત કરેલ હૂંડિયામણનો સઘળો જથ્થો વિનિમય-અંકુશની નીતિનો અમલ કરવાની જવાબદારી વહન કરનાર મધ્યસ્થ એજન્સીને સોંપી દેવો પડે છે. મધ્યસ્થ એજન્સી પાસે ભેગો થયેલ હૂંડિયામણના જથ્થાનો ઉપયોગ કયાં હેતુઓ કે કાર્યો માટે કરવો તેનો નિર્ણય મધ્યસ્થ એજન્સીની મુનસફી પર હોય છે અને તેમાં દેશના અર્થતંત્રના બહોળા હિતનો ખ્યાલ કરવામાં આવે છે; દા.ત., દેશ માટે અત્યંત અનિવાર્ય હોય તેવી જ આયાતો કરવા માટે અને તે પણ અમુક જ પ્રમાણમાં હૂંડિયામણનો જથ્થો આયાતકારોને પૂરો પાડવામાં આવે છે; બિનજરૂરી કે જરૂરિયાત કરતાં વધારે આયાતો માટે નહિ. આને વિદેશી હૂંડિયામણની માપબંધી કહેવાય છે.

વિનિમયઅંકુશ નીતિના અમલીકરણની પદ્ધતિઓ : વિનિમય-અંકુશની નીતિ અમલમાં મૂકવા માટે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તે પદ્ધતિઓ બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવતી હોય છે : પ્રત્યક્ષ પદ્ધતિઓ અને પરોક્ષ પદ્ધતિઓ. પ્રથમ આપણે પ્રત્યક્ષ પદ્ધતિઓની નોંધ કરીશું :

(1) દરમિયાનગીરી : આ પદ્ધતિમાં વિનિમય-બજારમાં હૂંડિયામણની માંગ અને પુરવઠાનાં પરિબળોને એકબીજા પર અસર કરવાની છૂટ હોય છે; પરંતુ બજાર દ્વારા નિર્ધારિત વિનિમય-દર કરતાં વધારે ઊંચા દરો (pegging up) અથવા વધારે નીચા દરો (pegging down) કૃત્રિમ રીતે નિર્ધારિત કરવાની અને તે રીતે નિર્ધારિત કરવામાં આવેલા દરો દ્વારા હૂંડિયામણના વ્યવહાર કરવાની ફરજ સરકાર પાડી શકે છે. જ્યારે હૂંડિયામણની માંગ તીવ્ર હોય ત્યારે આમાંથી પહેલી નીતિ અને માંગ ઓછી હોય ત્યારે આમાંથી બીજી નીતિ અખત્યાર કરવામાં આવતી હોય છે. વિનિમય-અંકુશની આ પદ્ધતિમાં વિનિમય-બજારનું અસ્તિત્વ યથાવત્ રાખવામાં આવતું હોવાથી તે હળવા અંકુશની નીતિ ગણાય છે.

(2) હૂંડિયામણની લેવડદેવડના પારસ્પરિક હિસાબો સરભર કરવાના દ્વિપક્ષી કરાર કરવાની પદ્ધતિ (exchange clearing agreements) : આ પદ્ધતિ હેઠળ બે દેશો વચ્ચે દ્વિપક્ષી કરાર કરવામાં આવે છે; જેની હેઠળ તેમની વચ્ચેની હૂંડિયામણની લેવડદેવડના હિસાબો તેમની મધ્યસ્થ બૅંકો મારફત સરભર કરવામાં આવતા હોય છે. આવા કરાર હેઠળ આયાત કરનારાઓ આયાતી માલની કિંમત મધ્યસ્થ બૅંક સ્થાનિક ચલણ દ્વારા ચૂકતે કરતા હોય છે; જ્યારે નિકાસ કરનારાઓને તેમના નિકાસના મૂલ્ય જેટલી કિંમત મધ્યસ્થ બક દ્વારા સ્થાનિક ચલણમાં ચૂકવી દેવામાં આવે છે. વ્યક્તિગત આયાતકારો અને વ્યક્તિગત નિકાસકારોને પોતાના હિસાબો સરભર કરવા દેવામાં આવતા નથી, પરંતુ નિર્ધારિત સમયના ગાળા દરમિયાન બંને દેશોના હિસાબો સરભર કરવામાં આવે છે.

(3) વિદેશીઓના બૅંક-ખાતાના વ્યવહારો સ્થગિત કરવા (blocked accounts) : આ પદ્ધતિ દ્વારા વિદેશી મૂડી કે અન્ય નાણાંની દેશમાંથી હેરફેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. મધ્યસ્થ બૅંક દ્વારા વિદેશીઓનાં નાણાં તેમના ખાતામાં જમા અવશ્ય કરવામાં આવતાં હોય છે, પરંતુ અમુક સમય માટે તેમના ખાતામાં જમા થયેલ રકમ વિદેશી હૂંડિયામણમાં પરિવર્તિત કરવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે. આ એક અતિરેકી પગલું ગણાય છે અને માત્ર યુદ્ધ કે તત્સમ અતિગંભીર પરિસ્થિતિમાં જ તેનો અમલ કરવામાં આવે છે.

(4) ચુકવણી કરવાના કરારો : કોઈ પણ બે દેશો વચ્ચેની હૂંડિયામણની લેવડદેવડ વિના વિલંબે પતાવવાના હેતુથી તથા ચુકવણીની પ્રક્રિયા કેન્દ્રિત કરવાના ઇરાદાથી સંબંધિત બંને દેશો વચ્ચે ચુકવણીની પ્રક્રિયા અંગે વિશેષ કરાર કરવામાં આવે છે. આવા કરાર હેઠળ લેણદાર દેશની મધ્યસ્થ બૅંક અને દેવાદાર દેશની મધ્યસ્થ બૅંક વચ્ચે આયાતકારો અને નિકાસકારો વચ્ચેના વ્યવહારો અંગે માહિતીની આપલે થાય છે અને તે મુજબ દેવાદાર દેશની મધ્યસ્થ બૅંક લેણદાર દેશની મધ્યસ્થ બૅંકના ખાતામાં જરૂરી રકમ જમા કરાવી દે છે. આ એકમાત્ર હિસાબી વ્યવસ્થા હોય છે, જેમાં બંને દેશોની મધ્યસ્થ બૅંકો પરસ્પરના હિસાબોની પતાવટ કરતા હોય છે.

(5) વિદેશી હૂંડિયામણની માપબંધી : વિનિમય-અંકુશની આ પદ્ધતિ હેઠળ મધ્યસ્થ બૅંકે નિર્ધારિત કરેલા વિનિમય-દરે નિકાસકર્તાઓ પોતપોતાની પાસેનો હૂંડિયામણનો જથ્થો મધ્યસ્થ બૅંકને સુપરત કરે છે અને ત્યારબાદ સરકાર તે જથ્થામાંથી ઇષ્ટ ગણાય તેટલા પ્રમાણમાં દેશની જરૂરિયાતની અગ્રતા ધ્યાનમાં લઈને જરૂરી આયાતો માટે હૂંડિયામણની નિશ્ચિત રકમની ફાળવણી કરે છે.

(6) બહુવિધ વિનિમય-દરની નીતિ : વિનિમય-અંકુશની આ પદ્ધતિ હેઠળ આયાત અને નિકાસની જુદી જુદી ચીજવસ્તુઓ માટે ભિન્ન ભિન્ન વિનિમય-દર નિર્ધારિત કરવામાં આવે છે અને તે દ્વારા દેશની લેણદેણની તુલાની અસમતુલા નિવારવાનો પ્રયાસ થાય છે.

વિનિમયઅંકુશની પરોક્ષ પદ્ધતિઓ :

(1) વ્યાજના દરમાં ફેરફાર કરવા : દેશમાં વ્યાજના દરો વધારવામાં આવે તો વિદેશી મૂડી આકર્ષાય છે જેને લીધે વિદેશી ચલણના પ્રવેશ મારફત વિદેશી હૂંડિયામણનો જથ્થો દેશમાં પ્રવેશે છે, જે આવકારદાયક ગણાય. ઉપરાંત, વ્યાજના ઊંચા દરોને કારણે વિદેશી મૂડીનો દેશવટો અટકાવી શકાય છે. આમ કરવાથી દેશના ચલણની માંગમાં વધારો થાય છે, જેને લીધે વિનિમય-દર દેશ માટે અનુકૂળ બનવાનું વલણ ધરાવશે. તેનાથી ઊલટું; વ્યાજના દરોમાં ઘટાડો કરવાથી દેશ માટે વિનિમય-દર પ્રતિકૂળ બનશે.

(2) જકાત, કરવેરા તથા આયાત-પરિમાણ નિર્ધારિત કરવાની નીતિ : આ પ્રકારની નીતિ વડે વિદેશી વ્યાપારના કદ પર અસર કરવાનો આશય હોય છે અને તેથી તેને પરિમાણાત્મક નીતિ તરીકે ઓળખવામાં આવે છે. દા.ત., વસ્તુઓ પર આયાત-જકાત લાદવાથી તેમની કિંમતોમાં વધારો થાય છે, જેને લીધે વિદેશી વસ્તુઓની આંતરિક માંગમાં ઘટાડો નોંધાય છે. આયાતો ઘટવાથી લેણદેણની તુલા સમતુલ બનશે.

(3) નિકાસ-પ્રોત્સાહનનાં પગલાં : વિનિમય-અંકુશની આ પરોક્ષ પદ્ધતિ વડે નિકાસ માટેની ચીજવસ્તુઓ પર સબસિડી અપાય છે, જેને લીધે વિદેશી બજારમાં તે વસ્તુઓ સસ્તી થશે અને તેને લીધે દેશની નિકાસોને પ્રોત્સાહન મળશે, જે લેણદેણની તુલાને અનુકૂળ બનાવવામાં મદદરૂપ નીવડે છે.

વિનિમય-અંકુશની નીતિ દેશની લેણદેણની તુલાની અસમતુલા નિવારવા માટે અમુક જ હદ સુધી મદદરૂપ થતી હોય છે. ખાસ કરીને વિશ્વના વિકસતા દેશો પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ધરાવતા હોવાથી આવા દેશો માટે તે અમુક અંશે લાભદાયક ગણાય છે; તેમ છતાં આ નીતિનું ઉધાર પાસું પણ નોંધપાત્ર છે. તે આર્થિક રાષ્ટ્રવાદને પોષે છે, ઉત્તેજન આપે છે અને વૈશ્ર્વિક સ્તર પર આર્થિક સહકારને અવરોધે છે. તેને લીધે વિશ્વવ્યાપારના કદ પર વિપરીત અસર પડે છે અને લાંબે ગાળે આર્થિક કલ્યાણની સપાટી ઘટાડે છે. વિનિમય-અંકુશની નીતિ બહુવિધ આંતરરાષ્ટ્રીય વ્યાપારને અવરોધે છે અને તેના સ્થાને દ્વિપક્ષી વ્યાપારને પ્રોત્સાહન આપે છે. વિનિમય-અંકુશની નીતિને કારણે વિનિમય-બજાર પર રાજ્યનો ઇજારો દાખલ થાય છે અને તેને લીધે દેશ મુક્ત અર્થતંત્રના લાભથી વંચિત થતો જાય છે. લાંબે ગાળે આ વલણ ઇષ્ટ કે લાભદાયી ગણાય નહિ.

વીસમી સદીના નવમા દાયકામાં અને ખાસ કરીને 1985-90 દરમિયાન ભારતનું અર્થતંત્ર ભયંકર આર્થિક કટોકટીમાં સપડાઈ ગયું હતું, જેનાં બે મુખ્ય કારણો હતાં : (1) આંતરિક રાજકોષીય ખાધ; (2) લેણદેણની તુલાની વધતી અસમતુલા. 1950-51થી 1985-86ના સાડાત્રણ દાયકામાં દેશ પાસેની વિદેશી હૂંડિયામણની અનામતોમાં સતત વધારો નોંધાયો હતો, પરંતુ ત્યારપછીના ગાળામાં તે અનામતોના જથ્થામાં સતત ઘટાડો થતો રહ્યો હતો, જે એક તબક્કે ભયજનક સપાટીએ પહોંચી ગયો હતો; દા.ત., 1979-80ના વર્ષમાં ભારત પાસે સાત અબજ ડૉલર જેટલો જથ્થો હતો, જે 1989માં ચાર અબજ ડૉલર જેટલો અને જાન્યુઆરી 1991માં તો માત્ર 75 કરોડ ડૉલર મૂલ્ય જેટલો એટલે કે માત્ર બે અઠવાડિયાંની આયાતોને પહોંચી વળવા જેટલો જ રહ્યો હતો. સાથોસાથ ભારતના વિદેશી દેવાનું કદ પણ ભયજનક રીતે વધી રહ્યું હતું; દા.ત., 1979-80માં ભારતના વિદેશી દેવાનું કદ અઢાર અબજ ડૉલર જેટલું અને વિશ્વ બૅંકની ગણતરી મુજબ માર્ચ 1993માં તેનું કદ નેવું અબજ ડૉલર સુધી પહોંચી ગયું હતું; જેનું રૂપિયામાં મૂલ્ય 2,80,980 કરોડ જેટલું થાય છે. આમ માત્ર એક દાયકાના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી દેવાના કદમાં પાંચ ગણો વધારો નોંધાયો હતો. પરિણામે ભારતનું અર્થતંત્ર ‘વિદેશી દેવાની જાળ’(debt trap)માં ફસાઈ જવાની અણી પર પહોંચી ગયું હતું.

આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતે કડક વિનિમય-અંકુશની નીતિ અખત્યાર કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશ પાસેના વિદેશી ચલણની અનામતોનું રક્ષણ કરવાનું હતું અને આ નીતિના અમલની જવાબદારી દેશની મધ્યસ્થ બૅંક રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી. આ નીતિના ભાગ તરીકે બિનજરૂરી ગણાય તેવી બધી જ આયાતો પર કડકમાં કડક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા તથા અન્ય આયાતો પર શક્ય તેટલા કાપ મૂકવામાં આવ્યા હતા. વિદેશી ચલણમાં ચુકવણી કરવાના પરવાના ધરાવતા અધિકૃત એજન્ટો મારફત જ ચુકવણી થઈ શકશે એવા આદેશ આપવામાં આવ્યા હતા અને આવા એજન્ટો પર રિઝર્વ બૅંકનું નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું, જેથી આ અંગેના સરકારી આદેશોનું કડક પાલન થઈ શકે. વળી, વિદેશી હૂંડિયામણની ઉપલબ્ધતા મુજબ જ તે પૂરું પાડવામાં આવતું હતું અને એ રીતે તેની વપરાશ અને ઉપયોગ પર માપબંધી દાખલ કરવામાં આવી હતી. નિકાસકારોને તેમના દ્વારા થતી નિકાસ પેટે જે હૂંડિયામણ પ્રાપ્ત થતું હતું તેમને તેમની પાસે આવતો હૂંડિયામણનો જથ્થો રિઝર્વ બૅંકના અંકુશ હેઠળના અધિકૃત એજન્ટોને ફરજિયાતપણે સોંપી દેવાની ફરજ પાડવામાં આવતી હતી અને તેના બદલામાં તેમને દેશી ચલણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત ભારતીય નાગરિકો દ્વારા વિદેશી અસ્કામતોના ખરીદ-વેચાણ પર પણ કડક નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં. ઉપલબ્ધ વિદેશી હૂંડિયામણનો ગેરઉપયોગ અટકાવવા માટે તથા વિકાસલક્ષી આયાતો માટે તે સરળતાથી અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકે તે માટે આ બધા વિનિમય-અંકુશો મૂકવામાં આવ્યા હતા.

જુલાઈ 1991માં દાખલ કરવામાં આવેલ ઉદારીકરણની નીતિ હેઠળ ભારતના અર્થકારણમાં જે નવી આર્થિક નીતિનાં મંડાણ થયાં તેની ભારતના અર્થતંત્ર પર ક્રમશ: જે અસરો થઈ તેને લીધે વિનિમય-અંકુશની અગાઉની નીતિમાં જરૂરી ઢીલ આપવામાં આવી રહી છે. ઉપરાંત હવે ભારત પાસેના વિદેશી હૂંડિયામણની અનામતોના જથ્થામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે, જે વિનિમય-અંકુશોની નીતિમાં ઢીલ આપવા માટેનું અગત્યનું કારણ છે. મે 2003માં ભારત પાસેનો વિદેશી હૂંડિયામણનો જથ્થો 81 અબજ 30 હજાર કરોડ સુધી પહોંચી ગયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે