વિનસ : પ્રાચીન કાળની રોમની સૌંદર્ય અને પ્રેમની દેવી. મૂળે તે રોમન નહિ પણ ઇટાલિયન દેવી હતી. પ્રાચીન રોમની તે ખૂબ જ પ્રસિદ્ધ દેવી હતી. સૌંદર્ય અને પ્રેમની ગ્રીક દેવી એફ્રોડાઇટ સાથે તેનું સાયુજ્ય સ્થપાયું પછી તે ખૂબ જ પ્રસિદ્ધ અને આરાધ્ય દેવી બની. દેશમાં તેનાં મંદિરો ઊભાં થયાં અને તદ્ અનુસાર તેનાં અનેકવિધ સ્વરૂપોની પૂજા પ્રચલિત બની હતી. તે સૌંદર્ય અને પ્રેમ તેમજ આનંદની દેવી તરીકે વધારે પ્રસિદ્ધ બની પણ તે હાસ્ય, મોહકતા, વિલાસિતા અને સર્જનની પણ દેવી મનાતી. ગણિકાઓ તેને પોતાની આશ્રયદાત્રી દેવી માનતી.
આ દેવીના પ્રાદુર્ભાવ વિશે અનેક કથાઓ રોમન સામ્રાજ્યના પૌરાણિક લેખકો, ચિત્રકારો અને શિલ્પકારોએ પ્રચલિત કરી હતી. ગ્રીક ચિંતક પ્લેટોએ બે વિનસનો ઉલ્લેખ કર્યો છે : વિનસ યુરેનિયા (યુરેનસની પુત્રી) અને વિનસ પોપ્યુલેરિયા (જ્યુપિટર અને ડાયોનની પુત્રી). જ્યારે રોમન કાયદાશાસ્ત્રી સીસેરોએ ચાર વિનસનો ઉલ્લેખ કર્યો છે. તેમાંની એક વિનસ જે સાયપ્રસ પાસેના સમુદ્રના ફીણમાંથી બહાર આવી તે જ રોમન જગતમાં સૌથી વધારે પ્રસિદ્ધ બની. પૌરાણિક લેખકો અને કલાકારોએ તેનાં જ ગુણગાન કર્યાં છે.
પૌરાણિક કથા પ્રમાણે વિનસનો પ્રાદુર્ભાવ સાયપ્રસ ટાપુ પાસેના સમુદ્રફીણમાંથી થયો હતો. એક કથા પ્રમાણે સમુદ્રમાં નીપજેલી મહા છીપમાંથી તે બહાર આવી હતી અને પવનો તેને કાંઠે લઈ ગયા હતા જ્યાં ઋતુદેવીઓ-વનદેવીઓ, જ્યુપિટરની પુત્રીઓ અને થેમિસે તેનું સ્વાગત કર્યું અને પછી સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં દેવોએ વિનસના અનુપમ સૌંદર્યની પ્રશંસા કરી પણ પછી તે અન્ય દેવીઓની ઈર્ષાનું ભાજન બની. જ્યુપિટર દેવે તેનો પ્રેમ પામવા અનેક પ્રયત્નો કર્યા પછી બળજબરી પણ કરી. પણ વિનસે મચક આપી નહિ. તેને સજા કરવાના હેતુથી જ્યુપિટરના કદરૂપા પુત્ર વલ્કન સાથે તેને પરણાવી દીધી. કથા પ્રમાણે વિનસે પોતાના આવેગને શાંત કરવા પતિ વલ્કન સાથે બેવફાઈ કરીને અન્ય દેવો સાથે શૈયાસુખ ભોગવ્યું જેમનાથી વિનસને કેટલાંય સંતાનો થયાં. તેમાં માર્સથી હર્મિઓની, ક્યુપિડ અને એન્ટિરોસ થયા. મર્ક્યુરીથી હર્માફ્રોડિટ્સ, બેક્સથી પ્રાયેપસ અને નેપ્ચ્યૂનથી એરિક્સ જન્મ્યાં. એડોનિસ માટેના તેના પક્ષપાતને કારણે વિનસને તેનો ઓલિમ્પસ-નિવાસ છોડવો પડેલો અને એન્ચાઇસીસ પ્રત્યેના આકર્ષણને કારણે વિનસ વારંવાર ‘માઉન્ટ ઇડા’ની મુલાકાત લેતી એવી નોંધ મળે છે. અનેક દેવોને વિનસ આકર્ષી શકતી તેનું રહસ્ય પૌરાણિક લેખકોએ તેની ચમત્કારિક કટિમેખલા-કમરબંધને ગણાવી છે જેને ગ્રીકો ‘ઝોન’ અને લૅટિનો ‘સેસ્ટસ’ કહેતા. તેને લઈને જ વિનસમાં સૌંદર્ય, લાલિત્ય અને પ્રભાવ પ્રગટ થતાં ને અન્યને આકર્ષી શકતાં. દેવી ‘જૂનો’એ તેને ધારણ કરીને જ જ્યુપિટરનો પ્રેમ પ્રાપ્ત કરેલો. આ જ કારણથી વિનસનો પતિ વલ્કન તેની બેવફાઈ અને અનેક અનૌરસ સંતાનોની માતા હોવા છતાં તેના આકર્ષણનો પ્રતિકાર કરી શક્યો નહોતો. પૌરાણિક યુગની ત્રણ સૌંદર્યદેવીઓ વિનસ, જૂનો અને પેલાસ વચ્ચે થયેલી ‘ગોલ્ડન ઍપલ’ સૌંદર્યસ્પર્ધામાં પૅરિસે વિનસને જ શ્રેષ્ઠ સુંદરી જાહેર કરી હતી.
પ્રત્યેક રાજ્યમાં વિનસની પૂજા-અર્ચના થતી અને તેનાં મંદિરો-શિલ્પોનું નિર્માણ થયું હતું. તે સર્જનની દેવી મનાતી અને સમગ્ર માનવજાતિનું અસ્તિત્વ તેને લીધે જ હતું એમ મનાતું. તેના માનમાં ‘વિનાલિયા રસ્ટિકા’ ઉત્સવ રોમમાં ઑગસ્ટની 19મીએ ઊજવાતો. ત્યાં સરકસ મક્ઝીમસ અને લાઇબિશિયાના જંગલમાં તેનાં મંદિરો હતાં. ઉત્સવોમાં કામુકતા અને વ્યભિચાર છૂટથી આચરાતાં. સામાન્ય રીતે બલિપ્રથા નહોતી પણ ક્યારેક અપાય તો ડુક્કર અને નરપશુ વર્જ્ય હતાં. ગુલાબ, સફરજન અને મીર્ટલનો છોડ તેનાં ધાર્મિક પ્રતીક ગણાતાં. કબૂતર, હંસ અને ચકલી વિનસનાં પ્રિય પ્રાણીઓ હતાં અને એફિઆ ને લાયકોસ્ટોમસ માછલીઓ પણ તેને પ્રિય હતી.
પૌરાણિક લેખકો તેમજ શિલ્પીઓએ વિનસને અનેક સ્વરૂપે રજૂ કરી છે. એલિસમાં તેને બકરા ઉપર આરૂઢ બતાવી છે જેનો એક પગ કાચબા ઉપર મૂકલો છે. સ્પાર્ટા અને એથેન્સમાં તેને મિનરવા જેવાં આયુધો ધારણ કરેલી બતાવાઈ છે. પેરિક્લીઅન યુગના શિલ્પકાર ફિડિયાસે જ્યુપિટર ઓલિમ્પસ મંદિરમાં વિનસને સમુદ્રમાંથી પ્રગટ થતી અને સમજણની દેવી દ્વારા મુગટ ધારણ કરતી બતાવી છે. જ્યારે સ્નીડોસમાં શિલ્પકાર પ્રેક્સીટીલીસે તેને સંપૂર્ણ નગ્નદેહે કોતરી છે અને એક હાથથી નગ્નતાને ઢાંકતી બતાવી છે. સિક્યોનમાં તેને એક હાથમાં ખસખસના છોડની ડાળી ને બીજા હાથમાં સફરજન ધારણ કરેલી દર્શાવી છે. માથે શંકુ આકારનો મુકુટ છે. રથારૂઢ સ્વરૂપે તેને પુત્ર ક્યુપિડ સાથે દર્શાવાઈ છે જેનો રથ ક્યારેક કબૂતરો અને ક્યારેક હંસો યા ચકલીઓ ખેંચે છે.
પૌરાણિક લેખકોએ, ચિત્રકારો અને નગરવાસીઓએ અથવા દેશવાસીઓએ વિનસ પ્રત્યેના ભક્તિભાવને લઈને તેને અલગ અલગ નામોથી સંબોધી છે. ક્યારેક એનાં નામો સ્થળ સાથે તો ક્યારેક તેના પ્રત્યેના ભાવ યા અનુરાગ સાથે જોડાયેલાં છે. સાયપ્રસમાં તે ‘સાયપ્રિય’, પેફોસમાં, ‘પેફિયા’ સીથેરામાં ‘સીથેરિયા’ તરીકે ઓળખાતી. વિલાસિતા અને વિષયાનંદની દેવી તરીકે ‘ઍપૉસ્ટ્રોફિયા’, વિશુદ્ધ આનંદ અને ભોગોની દેવી તરીકે ‘વિનસ યુરેનિયા’ અને નિમ્ન પ્રકારના ઇન્દ્રિયભોગોની દેવી તરીકે તેને ‘વિનસ પેન્ડિમોસ’ કહી છે. સમુદ્રમાંથી પ્રગટ થયેલી તેથી વિનસને ‘પોન્ટિયા’, ‘મરીના’, ‘લિમ્નેશિયા’, ‘એપિપોન્ટિયા’, ‘પેલાઝીયા’, ‘પોન્ટોજેનિયા’, ‘એલિજેના’, ‘થાલેશિયા’ તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ. 1820માં ભૂમધ્ય સમુદ્રના મેલો(સ) ટાપુ ઉપરથી મળી આવેલી ગ્રીક દેવી એફ્રોડાઇટની પ્રતિમા ‘વિનસ દ મિલો’ તરીકે ઓળખાય છે. પૅરિસના લુવ્ર મ્યુઝિયમના પ્રવેશદ્વારે રખાયેલી ઉક્ત માર્બલ પ્રતિમા ઈ. પૂ. ચોથી સદીની ગ્રીક કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.
મોહન વ. મેઘાણી