વિધાન–પરિષદ : રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ. વિધાન-પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મળીને કુલ છ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન-પરિષદ એમ બે ધારાગૃહો અસ્તિત્વ ધરાવે છે. વિધાન-પરિષદની રચના અંગે બંધારણીય જોગવાઈ એવી છે કે જે તે રાજ્યની વિધાનસભા કુલ સભ્યોની બહુમતીથી અને હાજર રહીને મતદાન કરતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતીથી જો વિધાન-પરિષદની રચના કરવાનો કે તેને રદબાતલ કરવાનો ઠરાવ મંજૂર કરે તો ભારતની સંસદ તે મુજબની રચના અંગેના અગાઉના કાયદામાં ફેરફાર કરે છે અને તેના આધારે નવી વિધાન-પરિષદ રચી શકાય યા અગાઉથી રચાયેલી વિધાન-પરિષદ રદ જાહેર કરી શકાય.
વિધાન-પરિષદની સભ્યસંખ્યા મૂળવ્યવસ્થા મુજબ વિધાનસભાની કુલ સભ્યસંખ્યાના એક તૃતીયાંશ સભ્યોથી વધુ હોવી જોઈએ નહિ. વળી ઓછામાં ઓછી સભ્યસંખ્યા 40ની હોવી જ જોઈએ. નવેમ્બર 1956માં સાતમા બંધારણીય સુધારા દ્વારા એક ચતુર્થાંશ સભ્યોનું પ્રમાણ સુધારીને એક તૃતીયાંશ કરવામાં આવ્યું. આ સુધારા અનુસાર વિધાન-પરિષદની કુલ સભ્યસંખ્યા વિધાનસભાના એક તૃતીયાંશ સભ્યોથી વધુ હોવી જોઈએ નહિ. વિધાન-પરિષદ રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ હોવાથી રાજ્યસભાની જેમ કાયમી ગૃહ છે. એનો અર્થ એ થયો કે આ ગૃહ આખેઆખું વિખેરાતું નથી, પરંતુ દર બે વર્ષે એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યો નવેસરથી ચૂંટાઈને આવે છે. ગૃહના સભ્યપદની મુદત છ વર્ષની હોય છે, એટલે કે ચૂંટાયેલ પ્રત્યેક સભ્ય છ વર્ષની મુદત સુધી પ્રતિનિધિ તરીકે કામ કરે છે. રાજ્યપાલ આ ગૃહનું વિસર્જન કરી શકતા નથી. વિધાન-પરિષદના સભ્યો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને ઘટકો દ્વારા ચૂંટાય છે; જેમાં મ્યુનિસિપાલિટીઓ, જિલ્લા બૉર્ડ તથા અન્ય ઘટકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલા, વિજ્ઞાન અને શિક્ષણના ક્ષેત્રમાંથી ખ્યાતનામ વ્યક્તિઓને રાજ્યપાલ પરિષદના સભ્યપદે નીમે છે.
વિધાન-પરિષદના સભ્ય તરીકે ચૂંટાનાર વ્યક્તિ ભારતની નાગરિક અને 30 વર્ષ કરતાં વધુ વય ધરાવતી હોવી જોઈએ. તે કોઈ સરકારી હોદ્દો ધરાવતી ન હોય તેમજ દેવાદાર જાહેર થયેલી ન હોવી જોઈએ.
નાણાકીય સિવાયના ધારાકીય ખરડા અને અન્ય પગલાંનો આરંભ બેમાંથી કોઈ પણ એક ગૃહમાંથી થઈ શકે છે. બંને ગૃહમાં ધારાકીય ખરડા પસાર થાય અને રાજ્યપાલની સંમતિ મળે ત્યારબાદ તે કાયદા રૂપે અસ્તિત્વમાં આવે છે. જો વિધાનસભાએ મંજૂર કરેલ ખરડો વિધાન-પરિષદ મંજૂર ન કરે યા તેમાં ફેરફાર કરે તો તેવો ખરડો વિધાનસભામાં પાછો મોકલવામાં આવે છે. વિધાનસભા તે ખરડાને ફરી જે કોઈ સ્વરૂપે મંજૂર કરે (સુધારાઓ સાથે કે સુધારા વિના) તે પછી બીજી વાર વિધાન-પરિષદ તેને મંજૂરી આપે તે અનિવાર્ય હોય છે. વિધાન-પરિષદ નાણાકીય સત્તાઓ ધરાવતી નથી. મંત્રીમંડળને તે અવિશ્વાસના પ્રસ્તાવ કે અન્ય પ્રસ્તાવ દ્વારા દૂર કરી શકતી નથી. વિધાનસભાની તુલનામાં વિધાન-પરિષદ સીમિત સત્તાઓ ધરાવે છે.
રક્ષા મ. વ્યાસ