વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી.

ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી સામાજિક રૂઢિઓના બંધનમાં જકડાઈ સમાંતર વિકટ આર્થિક પરિસ્થિતિઓનો એકલે હાથે સામનો કરવાનું જીવતું-જાગતું ષ્ટાંત તે ભારતીય વિધવા છે. ‘વિધવા’ શબ્દ સદીઓ-પુરાણો છે. સંસ્કૃત ભાષામાં ‘ધવ’ એટલે પતિ અથવા પુરુષ. જે સ્ત્રીનો પતિ હયાત હોય તે ‘સધવા’ અને જેનો પતિ હયાત ના હોય તે ‘વિધવા’. પરંપરાથી પુરુષપ્રધાન ભારતીય સમાજમાં વિધવાઓ અશુભ મનાતી. કોઈ પણ શુભ પ્રસંગે તેની હાજરી ઇચ્છનીય ગણાતી નહિ. આ પ્રકારની માન્યતાઓ વચ્ચે આજે પણ ભારતીય સમાજ વિધવાને અનેક સંદર્ભોમાં સમાન હક્ક અને દરજ્જાથી વંચિત રાખે છે.

‘વિધવા’ શબ્દનું મૂળ કેટલીક ભારતીય ઉપરાંત યુરોપીય દેશોની ભાષામાં પણ એકસમાન હોવાનું જોવા મળ્યું છે. અંગ્રેજી ભાષામાં ‘વિડો’ (widow), લૅટિન અને સ્પૅનિશ ભાષામાં ‘વિદુઆ’ (vidva), ઇટાલિયન ભાષામાં ‘વિડોવા’ (vedova) અને પર્શિયન ભાષામાં ‘બેવા’ (beva) જેવા શબ્દો પ્રચલિત છે. અહીં મહત્વનું એ છે કે આ તમામ ઇન્ડો-યુરોપિયન કુળની ભાષાઓ લગભગ પાંચ હજાર વર્ષ પુરાણી છે. તેનો અર્થ એ થયો કે ઐતિહાસિક રીતે સદીઓ-પુરાણા અનેક સામાજિક-આર્થિક ઉતાર-ચઢાવમાં ‘વિધવા’ શબ્દના સાતત્યને સમાંતર તેની નિમ્ન સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં તેમજ સમાજના નકારાત્મક દૃદૃષ્ટિકોણમાં સાતત્ય જળવાઈ રહ્યું છે.

ભારતમાં ઓગણીસમી સદીના સમાજસુધારા આંદોલને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમાં વિશેષ કરીને વિધવાઓની પરિસ્થિતિ સુધારવા માટે અને વિધવાવિવાહના મુદ્દે અસરકારક પ્રયત્નો થયા. ઓગણીસમી સદીમાં હિંદુઓની ઉપલી જ્ઞાતિઓમાં વિધવાઓ પર અનેક સામાજિક-ધાર્મિક બંધનો હતાં; જેવાં કે ક્ષૌરકર્મ અથવા મુંડન કરાવવું, અલૂણું ખાવું કે એક વાર ખાવું, શૃંગાર કરવા નહિ, ખૂણો પાળવો વગેરે. આવાં વિવિધ બંધનોને પરિણામે ગર્ભપાત, બાળહત્યા તેમજ વ્યભિચારના પ્રશ્નોથી વિધવાઓ ગ્રસ્ત હતી. આ પ્રશ્નો વાસ્તવમાં એ સમયનાં સામાજિક દૂષણોની યાદીમાં સૌથી ઉપર હોવાને કારણે સમાજસુધારકોનું ધ્યાન તેના પ્રત્યે ખેંચતા હતા. આની સામે વિધવાઓ પર લાદવામાં આવેલા નિષેધોને ધર્મનું પીઠબળ છે એવો પ્રચાર-પ્રસાર કરી પરંપરાવાદીઓ વિધવાઓની પરિસ્થિતિને વધુ ને વધુ દુષ્કર બનાવી રહ્યા હતા.

ઈ. સ. 1829માં ‘સતીપ્રથા પ્રતિબંધ ધારો’ અને ઈ. સ. 1856માં ‘હિંદુ જાતિની વિધવાઓના લગ્ન બાબત કાયદાની સર્વે હરકતો દૂર કરવા ધારો’ – એ બંને કાયદાઓ સમાજ-સુધારા આંદોલનની દેણગી હતા. અનેક વિરોધો વચ્ચે ઈ. સ. 1856માં વિખ્યાત સમાજસુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની હાજરીમાં સૌપ્રથમ વિધવાવિવાહ થયા હતા. વિષ્ણુશાસ્ત્રી પંડિતે મહારાષ્ટ્રમાં ઈ. સ. 1866માં વિધવાવિવાહને ઉત્તેજન આપતી સંસ્થાની સ્થાપના કરી. મોરોબા ક્ધહોબા નામના ઉચ્ચ જ્ઞાતિના સમાજસુધારકે 1869માં વિધવા સાથે લગ્ન કર્યાં હતાં. ગુજરાતમાં દુર્ગારામ મહેતા, નર્મદ, કરસનદાસ મૂળજી ઉપરાંત અનેક સમાજસુધારકોએ વિધવાવિવાહના સમર્થનમાં અગ્રેસર ભૂમિકા અદા કરી હતી. ઓગણીસમી સદીના સમાજસુધારાના પ્રગતિશીલ વાતાવરણ વચ્ચે 1865માં મુંબઈમાં વિધવા પુનર્વિવાહ ઉત્તેજક-સભાની સ્થાપના થઈ. અમદાવાદમાં ઈ. સ. 1879માં પ્રથમ વિધવાવિવાહ થયા. 1868માં અમદાવાદમાં સ્થપાયેલ ‘પુનર્લગ્ન ઍસોસિયેશન’ના નેજા હેઠળ ઈ. સ. 1878થી 1934 દરમિયાન આવાં કુલ 214 લગ્નો નોંધાયાં હતાં. તેમાં બ્રાહ્મણ-98, વાણિયા-40, જૈન – 34, સોની-12, પાટીદાર-9, ગરાસિયા-8, નાગર બ્રાહ્મણ-6, લુહાણા-1, સુથાર-1, કંસારા-1, બારોટ-1, ઘાંચી-1 અને ઠાકરડા-1નો સમાવેશ થતો હતો. વિધવાવિવાહની સમાજસુધારાની પ્રવૃત્તિઓની અસરના પગલે પગલે લખાયેલી ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ અને વીસમી સદીના પ્રારંભે રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’ નાટક યાદગાર ઉદાહરણો છે. જ્ઞાતિવ્યવસ્થાના સંદર્ભમાં જોઈએ તો હિંદુઓની કહેવાતી ઉજળિયાત જ્ઞાતિઓ સિવાયની અન્ય કેટલીક જ્ઞાતિઓમાં વિધવાને ભૂતકાળમાં અને આજે પણ ‘નાતરું’ અથવા ‘દિયરવટું’ જેવો વિકલ્પ મળી રહે છે. જોકે આ પ્રકારની સામાજિક ગોઠવણમાં નવા પતિની પસંદગી કરવાની વિધવા સ્ત્રીની સ્વતંત્રતાનો અભાવ, પ્રથમ લગ્નથી જન્મેલાં બાળકોની હયાતી, આર્થિક પરિસ્થિતિ, સ્થાનિક પરંપરા જેવાં અનેક પાસાંઓ પ્રશ્નો સર્જતા હોય છે.

ગૌરાંગ જાની