વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન
February, 2005
વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ ત્રિવેદીના સંપર્કમાં આવ્યા અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. 1930માં વીરમગામ છાવણીમાં સ્વયંસેવક તરીકે જોડાયા અને ત્યાં સત્યાગ્રહમાં ભાગ લીધો, જે માટે ચાર માસનો કારાવાસ પ્રથમ અમદાવાદની સાબરમતી જેલ અને ત્યારબાદ પુણેની યરવડા જેલમાં ભોગવ્યો. ત્યારબાદ દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે સેવાઓ આપી.
1939માં દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થતાં અમદાવાદ આવ્યા અને શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ઇતિહાસ તથા ભૂગોળના શિક્ષક તરીકે જોડાયા, જ્યાં અધ્યયન-અધ્યાપનને પૂરક અને અત્યંત ઉપયોગી બને તેવા નકશાઓ તથા આલેખો બનાવવાની શરૂઆત કરી. તેમણે બનાવેલું આ પ્રકારનું સાહિત્ય મુખ્યત્વે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલું હોવા છતાં કૉલેજ-કક્ષાના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયુક્ત નીવડ્યું હતું, તેમનું ભૂગોળ અંગેનું ‘આપણી દુનિયા’ પુસ્તક ખૂબ લોકપ્રિય થયું હતું. તેમણે રસિકલાલ પરીખની મદદથી 1952માં ‘અવર કન્ટ્રી ઇટ્સ વેલ્થ ઍન્ડ પૉપ્યુલેશન’ નામના પુસ્તકનો અંગ્રેજીમાંથી મરાઠી, ગુજરાતી અને હિંદીમાં અનુવાદ કર્યો છે. તેમણે કરેલા અન્ય અનુવાદોમાં મરાઠીના જાણીતા સાહિત્યકાર વિ. દ. ઘાટેના મરાઠી પુસ્તક ‘જગાચી તોંડઓળખ’નો ગુજરાતીમાં અનુવાદ, પંડિત સુંદરલાલના ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય’ ભાગ 1 અને 2નો હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ, ધર્માનંદ કોસાંબીના મરાઠી ‘આર્યસંસ્કૃતિ આણિ અહિંસા’નો ગુજરાતીમાં અનુવાદ, એલન-ઇ-મોર્સના અંગ્રેજી પુસ્તકનો ‘સૂર્યમંડળની યાત્રાએ’ શીર્ષકથી ગુજરાતીમાં અનુવાદ વગેરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના અભ્યાસક્રમને લગતાં પુસ્તકો તૈયાર કરવામાં પણ જહેમત ઉઠાવી હતી. કેટલાંક મરાઠી નાટકોનો પણ તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે; જેમાંથી બે નાટકોરત્નાકર મતકરીનું ‘રાજકુમારીનો પડછાયો ખોવાયો’ તથા સઈ પરાંજપેનું ‘રખડુંનું ભવિષ્ય’નું અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારણ થયું હતું.
તેમને મળેલ રૉયલ્ટીની રકમ દ્વારા તેમણે તેમનાં માતાની સ્મૃતિમાં ‘શ્રી સરસ્વતી નિધિ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી, જેમાંથી જરૂરિયાતમંદ લોકોને સહાય આપવામાં આવતી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે