વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી.

ગોપાળરાવ વિદ્વાંસ

ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર કેન્દ્ર પરથી મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ ત્યાંની સામળદાસ કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.ના વર્ગમાં દાખલ થયા; પરંતુ જાણીતા કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની ભલામણ તથા ભાવનગર રિયાસતના દીવાન પ્રભાશંકર પટ્ટણીના હકારાત્મક વલણને કારણે ગોપાળરાવને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ મળી, જેને લીધે તેઓ પુણે ખાતેની જાણીતી શિક્ષણસંસ્થા ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થઈ શક્યા. ત્યાંથી તેમણે 1921માં ગણિત વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી બી.એસસી.(ઑનર્સ) પ્રાપ્ત કરી. અભ્યાસકાળ દરમિયાન ગોપાળરાવ ગુજરાતના પીઢ કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટના સંપર્કમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થયેલા ગોપાળરાવે સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમની સાથે આજન્મ કામ કરવાનું બીડું ઉઠાવ્યું. અને તે મુજબ 1921માં ભાવનગર ખાતેની પાયાનું શિક્ષણ આપતી સંસ્થા  દક્ષિણામૂર્તિમાં આજીવન કાર્યકર તરીકે જોડાયા અને ત્યાંના પ્રકાશનવિભાગની જવાબદારી સંભાળી (1921-39). આ કારકિર્દી દરમિયાન અઢાર વર્ષમાં દક્ષિણામૂર્તિના નેજા હેઠળ બાળકો અને કિશોરો માટે વિપુલ સાહિત્ય પ્રકાશિત થયું હતું. પરંતુ 1939માં આ સંસ્થા બંધ પડવાથી તેઓ પીઢ બાળકેળવણીકારક ‘પદ્મવિભૂષણ’ તારાબાઈ મોડકની દાદર, મુંબઈ ખાતેની શિક્ષણસંસ્થામાં જોડાયા, જ્યાં થોડોક સમય તેમણે કામ કર્યું. તે પૂર્વે ગોપાળરાવે 1932ની સત્યાગ્રહની લડતમાં સક્રિય ભાગ લીધો હતો અને મીઠાની ચોરી કરવાના ‘ગુનાસર’ વીરમગામ છાવણીમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી તથા પુણેની યેરવડા જેલમાં તેમને છ માસ સુધી કેદ રાખવામાં આવ્યા હતા. 1948માં સૌરાષ્ટ્રનાં દેશી રિયાસતોના વિલીનીકિરણથી જે સંઘરાજ્યની સ્થાપના કરવામાં આવી તે રાજ્યના પ્રથમ શિક્ષણનિયામક તરીકે ગોપાળરાવની વરણી થઈ હતી.

ત્યાં તેમણે પાંચ માસ સુધી કામ કર્યું હતું. તે અરસામાં નાનાભાઈ ભટ્ટ ઉપર્યુક્ત સંઘરાજ્યના શિક્ષણપ્રધાન હતા. ત્યારબાદ ગોપાળરાવ મુંબઈની જાણીતી પ્રકાશનસંસ્થા આર. આર. શેઠની કંપનીમાં જોડાયા, જ્યાં 1938માં શરૂ થયેલી તેમની અનુવાદપ્રવૃત્તિને પૂરતી તક સાંપડી (1938-75). આ પ્રવૃત્તિ હેઠળ ગોપાળરાવે ઘણા અગ્રણી મરાઠી સાહિત્યકારોની લોકપ્રિય રચનાઓનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું. અનુવાદપ્રવૃત્તિનો શુભારંભ તેમણે મહારાષ્ટ્રના જાણીતા કેળવણીકારક ગ. શ્રી. ખૈરની મરાઠી રચના ‘પાશ્ચિમાત્ય શિક્ષણપ્રણાલી’ ખંડ 1 અને 2ના ગુજરાતી ભાષાંતર(પશ્ચિમના દેશોની કેળવણી)થી કર્યો હતો (1938); પરંતુ અનુવાદપ્રવૃત્તિમાં તેમનું મહત્વનું પ્રદાન મરાઠી લલિત સાહિત્ય(નવલકથા, નવલિકા, વાર્તા)ને ગુજરાતીમાં લાવવાનું ગણવામાં આવે છે. આ ક્ષેત્રની શરૂઆત મરાઠીના ખ્યાતનામ નવલકથાકાર અને જ્ઞાનપીઠ ઍવૉર્ડવિજેતા વિ. સ. ખાંડેકર(1898-1976)ની નવલકથા ‘ક્રૌંચવધ’(1945)થી થઈ હતી, જેના ગુજરાતી અનુવાદને ગુજરાતી વાચકો તરફથી ઉમળકાભર્યો આવકાર મળ્યો હતો. ત્યારબાદ ગોપાળરાવે વિ. સ. ખાંડેકરનું સમગ્ર મરાઠી સાહિત્ય ગુજરાતીમાં અનૂદિત કર્યું. તેની સંખ્યા 28 જેટલી થાય છે. ત્યારબાદ તેમણે ઘણા જાણીતા મરાઠી સાહિત્યકારોની કૃતિઓનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે, જેમાં ગ. ત્ર્યં. માડખોલકરની સાત, વિભાવરી શિરૂરકર(માલતી દાંડેકર)ની ચાર, શ્રી. ના. પેન્ડસેની ચાર, ગો. ની. દાંડેકરની ચાર, સુમતિ ક્ષેત્રમાડેની ચાર, વસંત વરખેડકરની બે, ન. વિ. ગાળગીળની બે તથા વીર સાવરકર, વસંત કાનેટકર, લક્ષ્મીબાઈ ટિળક, હરિનારાયણ આપટે, રણજિત દેસાઈ, અનુતાઈ વાઘ, ગં. દે. ખાનોલકર, વ્યંકટેશ માડગૂળકર તથા દ. કે. કેળકર – આ દરેકની એક-એક રચનાઓનો સમાવેશ થાય છે અને તે બધી જ રચનાઓ પ્રકાશિત થઈ છે. વળી, તેમણે મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલી દસ રચનાઓ અપ્રકાશિત રહી છે. અપ્રકાશિત રચનાઓમાં નવલકથાઓ ઉપરાંત કેટલાક વાર્તાસંગ્રહો પણ છે.

વર્ષ 1992માં તારાબાઈ મોડકની જન્મશતાબ્દીની ઉજવણી થઈ હતી તે પ્રસંગે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કોસબાડ ખાતેના ગ્રામ બાલશિક્ષણકેન્દ્ર ખાતે મુખ્ય સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તે પ્રસંગે ગોપાળરાવ વિદ્વાંસના વતી તેમના વારસદાર પુત્રને ‘બાલકમિત્ર’ ખિતાબ તથા એક સુવર્ણમંડિત સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે