વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલાં અન્વેષણોનાં પરિણામો ભારતીય પરંપરાના દૃષ્ટિકોણથી આપણને હાથવગાં થતાં રહેલાં. 1963માં વિશ્વવિદ્યાલય અનુદાન પંચ તરફથી ગૂજરાત વિદ્યાપીઠને ‘નિવાસી વિશ્વવિદ્યાલય’નો દરજ્જો પ્રાપ્ત થયો. એટલે તે વર્ષથી ‘વિદ્યાપીઠ’ નામનું દ્વિમાસિક ગુજરાતીના પ્રાધ્યાપક મોહનભાઈ શંકરભાઈ પટેલના તંત્રીપદે પ્રગટવું શરૂ થયું ત્યારથી તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી સંપાદકમંડળ હતું. મુખ્યત્વે તો વિદ્યાપીઠના અધ્યાપકોનાં અન્વેષણોનાં પરિણામો તથા સ્નાતક-અનુસ્નાતકના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા શોધનિબંધોના સાર પ્રગટ કરવાનો ઉદ્દેશ હતો. આરંભથી ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં લખાણ પ્રગટ થાય છે; પરંતુ તે સાથે વિદ્યાપીઠના અધ્યાપકો-અધ્યેતાઓ-વિદ્યાર્થીઓ અન્ય વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોના અધ્યાપકોનાં અન્વેષણનાં પરિણામોથી વાકેફ રહે તેવા ખ્યાલથી ‘વિદ્યાપીઠ’માં બહારના અધ્યાપકોનાં લખાણો પણ પ્રકટ કરવા શરૂ થયાં. 1977માં મોહનભાઈ નિવૃત્ત થતાં ‘વિદ્યાપીઠ’ના તંત્રી તરીકે પ્રાધ્યાપક રામલાલભાઈ પરીખે કાર્યભાર સંભાળ્યો અને સહતંત્રી તરીકે ડૉ. રસેશ જમીનદાર ક્રિયાશીલ રહ્યા 1994માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી. 1977થી સામાન્યત: જે તે કુલનાયક તંત્રીપદે રહે છે. આ ગાળા દરમિયાન સંપાદકમંડળ ન હતું. પણ 1994થી ફરી સંપાદકમંડળની રચના અમલી બની અને હાલમાં સંપાદકમંડળના અધ્યક્ષ અને તંત્રી તરીકે કુલનાયકશ્રી ડૉ. અરુણકુમાર દવે છે. છેલ્લા કેટલાક સમયથી એક દાયકાથી ‘વિદ્યાપીઠ’ ચતુર્માસિક તરીકે પ્રગટ થાય છે. 1994થી સહસંપાદક તરીકે અધ્યાપક ડૉ. બિંદુવાસિની જોશી કાર્યરત છે. ચાર દાયકાની દીર્ઘયાત્રા દરમિયાન ‘વિદ્યાપીઠ’ સામયિકે ઘણા વિશેષાંકો પણ પ્રકટ કર્યાં છે : આદિવાસી (1965), ગ્રામઅર્થશાસ્ત્ર (1966), અનુવાદની સમસ્યાઓ (1968), મનોવૈજ્ઞાનિક ઉપન્યાસ (હિન્દી, 1976), સંશોધન-પદ્ધતિ (1979), પંડિત સુખલાલજી (1981), આફ્રિકા અને લોકશાહી (1982), રજતજયંતી (1987 – જેમાં 1963થી 1987 સુધી પ્રગટ થયેલા લેખોની સૂચિ), શોધનિબંધસંક્ષેપ (1988), શોધનિબંધસૂચિ (એમ. ફિલ. અને પીએચ.ડી.ના શોધનિબંધોની સૂચિ) (1989), મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (1996), કુલપતિ રામલાલભાઈ પરીખ સ્મૃતિઅંક (2002) અને સરદાર વલ્લભભાઈ 125 સ્મૃતિઅંક (2002). ‘વિદ્યાપીઠ’ સામયિક ગુજરાતમાં વિશ્વવિદ્યાલય કક્ષાએ પ્રગટ થયેલું સર્વપ્રથમ ગુજરાતી સામયિક છે. ઉચ્ચશિક્ષણના વિકાસને પોષતું અને અન્વેષિત લખાણોને પ્રગટ કરતું આ દ્વિમાસિક દ્વિભાષી છે અને 1994થી તે ચતુર્માસિક તરીકે પ્રગટ થાય છે. કેન્દ્ર સરકારની નીતિને કારણે એંસીના દાયકાના ઉત્તરાર્ધમાં પાંચેક વર્ષ સુધી આ સામયિકનું પ્રકાશન સ્થગિત કરવામાં આવેલું અને એના પુન:પ્રકાશન વખતે પાંચ વર્ષના ગાળાના પાંચ વાર્ષિક અંકો વિશેષાંક તરીકે પ્રગટ થયા હતા. ગૂજરાત વિદ્યાપીઠની પરંપરાને સાચવી રહેતું છતાં અન્ય વિશ્વવિદ્યાલયોના આંતર સંબંધોને પોષતું આ શુદ્ધ વિદ્યાકીય સામયિક છે, જેમાં કોઈ વ્યાવસાયિક જાહેરાતોને અવકાશ નથી. સ્વસ્થ અને સંશોધિત લખાણો પ્રગટ કરવાં તથા વિદ્યાર્થીઓના પ્રોત્સાહક લેખો છાપવા તેમજ વિદ્યાર્થીઓના શોધનિબંધોના સંક્ષેપ પ્રગટ કરવા સાથે ગ્રંથાવલોકનો; શ્રદ્ધાંજલિઓ, વિદ્યાપીઠ અને તેની સંલગ્ન સંસ્થાઓના સમાચારો નિયમિત પ્રગટ કરવા એ આ સામયિકની પ્રવૃત્તિ રહી છે.
રસેશ જમીનદાર