વિદુરનીતિ : મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ અધ્યાયોમાં પ્રાપ્ત થતો, વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ તેમાં રહેલો છે.

વનવાસ ભોગવ્યા બાદ પાંડવોએ પોતાનો અધિકાર આગળ કરી રાજ્યભાગની માગણી કરી, પરંતુ તે માટે દુર્યોધને સહેજ પણ તૈયારી બતાવી નહિ તેથી પાંડવોએ કોઈ પણ રીતે – જો યુદ્ધ કરવું પડે તો તે રીતે પણ  પોતાનો હક્ક મેળવવાની પ્રતિજ્ઞા જાહેર કરી ત્યારે, તે જાણી, ભાવિ યુદ્ધની આશંકાથી અત્યન્ત વ્યાકુળ બનેલા ધૃતરાષ્ટ્રે વિદુર પાસે સલાહ માગી. તે વખતે ધૃતરાષ્ટ્રને ઉચિત માર્ગ દર્શાવવાના ઉદ્દેશથી વિદુરે જે નીતિપૂર્ણ બોધ કર્યો, તે છે વિદુરનીતિ.

શ્રીકૃષ્ણે ભગવદગીતામાં અર્જુનને આપેલા ઉપદેશની સાથે મૂકી શકાય તેવો આ ઉત્તમ ઉપદેશ છે. ફેર માત્ર એટલો કે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ઉપદેશ યુદ્ધ માટે કટિબદ્ધ થવા માટેનો છે તો વિદુરે ધૃતરાષ્ટ્રને આપેલો ઉપદેશ યુદ્ધનો વિરોધ કરી, શાન્તિપૂર્ણ જીવન પ્રતિ ઉન્મુખ થવા માટેનો છે.

તત્કાલીન રાજનીતિશાસ્ત્રના જાણકારોએ આપેલા આચારો વિદુરનીતિમાં ગૂંથાયેલા છે અને તેથી જ મહાભારત એ કેવળ યુદ્ધની વાતો કરતો ઇતિહાસગ્રંથ ન બની રહેતાં, રાજનીતિને નિર્દેશતો ઉત્તમ ગ્રંથ બની રહ્યો છે.

ધર્માવતાર વિદુરજીએ ઉપદેશેલી બોધપ્રદ વાતોને પ્રગટ કરતો આ ગ્રંથ – વિદુરનીતિ – કુલ આઠ અધ્યાયોમાં વિભાજિત છે. જોકે, આ અધ્યાયોનું વિભાજન કોઈ ખાસ વિષયને આધારે કરાયું હોય તેમ જણાતું નથી. પંડિતનાં લક્ષણ પ્રથમ અધ્યાયમાં છે તેમ ત્રીજામાં પણ છે. એ જ રીતે, મૂર્ખનાં લક્ષણ પ્રથમ તથા પાંચમા અધ્યાયોમાં છે. ધર્મના આઠ માર્ગનું નિરૂપણ ત્રીજા અધ્યાયમાં છે તો ધર્મનું લક્ષણ આપવાનો પ્રયાસ પાંચમા અધ્યાયમાં છે. આમ કોઈ નિશ્ચિત ક્રમ કે વિષયવિભાગ વગર જ, પાંચસો કરતાંયે વધુ શ્ર્લોકોમાં આ બોધ રજૂ થયો છે.

ધર્મ, નીતિ, જ્ઞાન, ચારિત્ર્ય, પંડિત અને મૂર્ખનાં લક્ષણ, મનુષ્ય માટે ગ્રાહ્ય ને ત્યાજ્ય બાબતો, બુદ્ધિની શક્તિ, સુમતિનું ફળ, ઉત્તમ પુરુષનાં લક્ષણ, સુખનો માર્ગ, મૂર્ખોની દુર્ગતિ, ધનના મૂળમાં ધર્મ, પાંચ પ્રકારનાં બળ, આતિથ્યધર્મ, સુખનાં સાધન, મનન કરવા યોગ્ય બાબતો, માંગલિક વસ્તુઓ, દૈવનું સામર્થ્ય વગેરે વગેરે અનેક પ્રકારની વ્યવહાર તથા પરમાર્થને માટે ઉપયોગી એવી વાતોને આ ઉપદેશમાં વણી લેવામાં આવી છે. વિદુરજીએ ઉપદેશેલ આ તત્વજ્ઞાન અનેક નીતિવચનો તથા સુભાષિતોથી પરિપૂર્ણ છે. પોતે કરેલ ભૂલોનું પરિણામ ભોગવવું જોઈએ  આ રીતે કરેલ પશ્ર્ચાત્તાપ પણ એક પ્રકારનું તપ છે એ બાબત તે ‘વિદુરનીતિ’માંથી પ્રાપ્ત થતો ઉત્તમ  બોધ છે.

છેલ્લા અધ્યાયમાં વિદુરજી જણાવે છે કે : ‘આ મેં ચારેય વર્ણનો ધર્મ તમને કહ્યો. તેની પાછળનું પ્રયોજન એ છે કે તમે યુધિષ્ઠિરને રાજ્યભાગ સોંપો અને આ રીતે તેને રાજધર્મમાં યોજી, પૃથ્વીપાલનરૂપી ક્ષાત્રધર્મથી તેને ભ્રષ્ટ થતો અટકાવો.’ આ રીતે, અહીં પણ ધર્મના આચરણને જ પ્રાધાન્ય અપાયું છે.

જ્ઞાન, ચારિત્ર્ય ને નીતિનો બોધ કરનાર વિદુર એક દાસીપુત્ર હોવા છતાં ધર્મપ્રેમી હતા. વ્યાસ, ભીષ્મ જેવા ગુરુજનોની સેવામાં જ ઘણુંખરું જોડાયેલા. તેઓ બહુધા મૌન રહેતા. તેમનાં સેવા, સદાચાર ને ભગવત્પ્રેમથી સૌ ખુશ થતાં. ધૃતરાષ્ટ્ર પણ વિદુરની સલાહ દ્વારા જ રાજકાજ કે વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવતા. કૌરવોના મંત્રી એવા વિદુર ધર્મ ને સત્યપૂર્ણ વાત નિર્ભીકતાથી રજૂ કરતા. તેઓ પરમ નીતિવાન અને નિ:સ્પૃહ હતા ને તેથી જ ધૃતરાષ્ટ્ર પોતે વયમાં મોટા હોવા છતાં તેમને માન આપતા અને તેમની પાસેથી જ્ઞાનબોધ પામતા.

‘વિદુરનીતિ’માં વિદુરજીએ જે બોધ આપ્યો, તેનાથી ધૃતરાષ્ટ્ર અત્યન્ત પ્રસન્ન થયા; પરંતુ સંતુષ્ટ થયા છતાં, પોતાની વિવશતા દર્શાવતાં તેમણે કહ્યું – ‘તમારી આ નીતિપૂર્ણ વાતો મને પ્રતીતિકર તો જણાય છે, પરંતુ દુર્યોધન આગળ તે સઘળું હું વીસરી જાઉં છું’.

આ પ્રમાણે ધૃતરાષ્ટ્રે જ્યારે આ બોધ અનુસાર વર્તવાની પોતાની અશક્તિ જણાવી ત્યારે છેલ્લે વિદુરજી દૈવના સામર્થ્યને સ્વીકારી પુરુષાર્થની નિરર્થકતા નિર્દેશે છે.

વિદુરે કહેલી આ ઉત્તમ બોધપ્રદ વાતો ધૃતરાષ્ટ્રે હૃદયથી આવકારી, છતાં આચરણમાં મૂકી ન શક્યા ને સંભવિત યુદ્ધને અટકાવી ન શક્યા; પરંતુ વિદુરનાં આ બોધવચનો માનવમાત્રને માટે અનેકશ: ઉપરકારક ને પ્રેરક નીવડે તેવાં છે. કોઈ પણ સ્થળે ને કોઈ પણ સમયે તેની પ્રસ્તુતતા એવી ને એવી અક્ષુણ્ણ છે.

જાગૃતિ પંડ્યા