વિટ : સંસ્કૃત નાટકમાં શૃંગારી નાયકનું સહાયક પાત્ર. વિટ એ પીઠમર્દ, વિદૂષક, ચેટ, ચેટી. વગેરેની જેમ નાયક રાજા કે રાજકુમારનો શૃંગારસહાયક હોય છે. નાટ્યવિવેચકોએ તેનું પ્રમુખ લક્ષણ કામતંત્રની કળામાં વિશારદતા હોવાનું નિર્દેશ્યું છે. તેની વાણી ચતુરાઈભરી હોય છે. તે વાચાળ હોવાથી વાતચીતમાં બધાંનો આદર મેળવનારો હોય છે. તે મધુર સ્વભાવનો હોય છે. વેશ્યા સાથે પ્રેમાચાર નાયકે કેવી રીતે કરવો તેનો જાણકાર હોય છે અને તે નાયકને એ બાબતમાં માર્ગદર્શન પણ આપે છે. વળી વેશ્યાને પણ સહાયક હોય છે. ‘મૃચ્છકટિક’ નાટકમાં વેશ્યા નાયિકા વસંતસેનાનો તે સહાયક છે. એ જ નાટકમાં રાજાના સાળા સંસ્થાનક(શકાર)નો પણ એક વિટ છે, જે પાપકાર્યથી દૂર રહેનારો છે અને ખરાબ શકાર પ્રત્યે તેને મનમાં તિરસ્કાર હોવાથી વસંતસેનાને શકારના હાથે પકડાઈ જતાં બચાવવા માટે છૂપું સૂચન કરે છે. વિટ સંગીત, કાવ્ય વગેરે કળાઓનો ઉપરછલ્લો જાણકાર હોય છે. વિટ સાથે ચેટ પણ નાયકના સહાયક તરીકે આવે છે. ભાણ પ્રકારના રૂપકમાં એનો નાયક રંગીલો, વેશ્યાઓ સાથે સંકળાયેલો અને ધૂર્ત હોય છે, તેથી તે પણ વિટ હોય છે. આથી વિટ ધૂર્ત હોય છે એવું પણ તેનું એક લક્ષણ પાછળથી સ્વીકારાયું છે. આમ છતાં તે નાયિકા કે નાયકના સહાયક તરીકે ‘મૃચ્છકટિક’માં રજૂ થયો છે તે ભાણના નાયક એવા વિટ કરતાં અવશ્ય અલગ તરી આવે છે. ભાણનો વિટ પોતે નાયક હોય છે, જ્યારે નાટકમાંનો વિટ નાયકનો કે નાયિકાનો સહાયક હોય છે એટલે ધૂર્તતાને વિટનું લક્ષણ ગણાવવું કે કેમ એ પ્રશ્ન વિચારણીય છે.
વળી વિટ સ્થળ અને સમયનો જાણકાર હોય છે. નાયકને પ્રોત્સાહન આપવામાં હોશિયાર હોય છે. નાયિકા કે નાયકને વફાદાર હોય છે. નર્મમાં નિપુણ હોવાથી કોઈને ખબર ન પડે તેમ મંત્રણા કરે છે. વળી વિટ નાયક જેમ કહે તેમ કરનારા હોય છે. વિટ ગુસ્સે થયેલી નાયિકાને મનાવવામાં નિષ્ણાત હોય છે. નાયકને પ્રેમની બાબતમાં માર્ગદર્શન આપવા છતાં વિટ પોતે શુદ્ધ ચારિત્ર્યવાળો હોય છે – પોતાની ચતુર અને મધુર ભાષાથી નાયિકાને તે મનાવી લે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી