વિઝી : મહારાજકુમાર ઑફ વિજયાનગરમ્

February, 2005

વિઝી : મહારાજકુમાર ઑફ વિજયાનગરમ્ (જ. ?; અ. 12 ડિસેમ્બર 1965, બનારસ) : ભારતના સુપ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. ભારતના ક્રિકેટજગતમાં ‘વિઝી’ના હુલામણા નામથી જાણીતા રાજવી મહારાજકુમાર ઑવ્ વિજયાનગરમનું પૂરું નામ સર ગજપતિરાજ વિજય આનંદ હતું. ભારતીય ક્રિકેટનું તેઓ આગવું વ્યક્તિત્વ હતા.

1936માં ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન નિમાયા હતા. 3 ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળીને તેમણે 2 પરાજય વહોર્યા હતા. એેક ટેસ્ટ ડ્રૉ થઈ હતી. આ પ્રવાસમાં બળવાખોર ક્રિકેટર લાલા અમરનાથને અશિસ્ત વર્તન માટે સ્વદેશ પાછા મોકલી તેમણે ખળભળાટ મચાવી દીધો હતો.

ભારતીય ક્રિકેટ નિયામક મંડળના વર્ષો સુધી ઉપપ્રમુખ તરીકે તથા 1954થી 1956 દરમિયાન પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેઓ રેડિયોના એક ઉત્તમ કૉમેન્ટેટર હતા. ક્રિકેટની રમતના જીવંત વર્ણન કરતાં મૅચની આલોચના માટે તેઓ વધુ પ્રસિદ્ધ હતા.

‘વિઝી’એ 3 ટેસ્ટમૅચોના 6 દાવમાં બે વાર અણનમ રહીને 19 રનના સર્વોચ્ચ જુમલા સાથે કુલ 33 રન નોંધાવ્યા હતા; 1 કૅચ ઝડપ્યો હતો.

જગદીશ બિનીવાલે