વિઝિટ (1953) : ફ્રેડરિક ડ્યૂરેનમાટ્ટ – લિખિત વિશ્વવિખ્યાત પ્રલંબ નાટક. તેના લેખક મૂળે સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક, પણ જર્મન ભાષામાં લખતા, વિશિષ્ટ નાટ્યકાર અને વાર્તાકાર છે. તેની કથા ટૂંકમાં આવી છે : કોઈ નાના નગરમાં એક વ્યક્તિએ એક કિશોરી પર બળાત્કાર કર્યો. શરમની મારી એ બીજા નગરમાં જઈ વસી અને નસીબે યારી આપતાં એ અબજોપતિ બની, ખૂબ કીર્તિ હાંસલ કરી. પણ એના મનમાં ઊંડે ઊંડે પેલી વ્યક્તિ તરફનો ધિક્કાર ધરબાયેલો રહ્યો. એના મૂળ નગરમાં એને કોઈ ઓળખતું નહોતું એટલે એક મુલાકાતી તરીકે એ આવી, ને ગામનાં લોકોને વાત કરી કે પેલા પુરુષની હત્યા કરનારને એ માલામાલ કરી દેશે. ગામનાં લોકોને કારણની ખબર નહોતી એથી એ નિર્દોષની હત્યા શા માટે એવું વિચારી, પહેલાં તો નગરમાં લોકોએ માથું ધુણાવ્યું, પણ પછી ધનની લાલસાએ નગરનાં એક પછી એક લોકો ભોળવાવા માંડ્યાં અને અંતે મોટા ચોગાનમાં ભરીસભામાં લોકોએ એને કર્મકાંડની જેમ શૂળીએ ચડાવ્યો. આ સમગ્ર પ્રક્રિયામાં માનવમનની નિર્બળતાઓ અને લાલસાને ઉશ્કેરવાની પેલી કરોડપતિ સ્ત્રીની યુક્તિઓ ખૂબ રસપ્રદ રીતે – નાટ્યાત્મક રીતે વર્ણવાઈ છે. આધુનિક યુરોપીય રંગભૂમિ પર ખૂબ કુશળતાથી નાટ્યયુક્તિઓ યોજતો આ નાટ્યકાર આવાં કટાક્ષપૂર્ણ નાટકો માટે પ્રખ્યાત છે. એનું એક બીજું નાટક ‘ભૌતિકવિજ્ઞાનીઓ’(1962)માં આઇન્સ્ટાઇન, ગૅલિલિયો વગેરે ત્રણ વિજ્ઞાનીઓ જગતને પોતાની શોધખોળો આપી વિનાશ નોતરવાને બદલે એક ગાંડાની હૉસ્પિટલમાં જઈ ભરાયા એનું સુંદર નાટક છે. ‘ધ વિઝિટ’નું ગુજરાતી રૂપાંતર મુંબઈની આઈ.એન.ટી. સંસ્થા દ્વારા પ્રવીણ જોશીએ રજૂ કર્યું હતું.

હસમુખ બારાડી