વિજયા સુબ્બારાજ (શ્રીમતી) (જ. 20 એપ્રિલ 1947, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કન્નડમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી અંગ્રેજીમાં એમ.એ., એલએલ.બી. અને ફ્રેંચમાં ડિપ્લોમા અને ‘સાહિત્યરત્ન’(પ્રયાગ)ની પદવી પ્રાપ્ત કરી. પછી બૅંગલોરની કૉલેજ ઑવ્ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાં કન્નડનાં પ્રાધ્યાપિકા રહ્યાં. ‘કન્નડ નુડી નાયક’ સાહિત્યિક સામયિકનાં સંપાદિકા તથા કર્ણાટક લેખકિયારા સંઘનાં ઉપપ્રમુખ તરીકે તેમણે કામગીરી કરી. તેમણે નાટકોમાં અભિનય કર્યો તેમજ સંગીતમય રૂપકો રચ્યાં.

તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં કન્નડમાં 14 ગ્રંથો આપ્યા છે. ‘ત્રિશંકુ’ (1982), ‘હદેના પદેના’ (1996) બંને કાવ્યસંગ્રહો છે. 1979માં ‘સૌરભ સેતુ’ નામક નવલકથા પ્રગટ કરી. ‘મા નિષાદ’ (1982) તેમનો વાર્તાસંગ્રહ છે, જ્યારે ‘કન્નડલ્લી ગીતાનાટકગલુ  ઓન્ડુ અધ્યયન’ (1995, સંશોધન), ‘મહાદેવી વર્મા’ (1994, ચરિત્ર) અને ‘પાંચાલી’ (1998) તથા ‘નગરવધૂ સલાવતી’ (1998) બંને નાટ્યસંગ્રહો છે. ‘નડુવયસ્સિનાલ્લી’ એ ચીની નવલકથાનો અનુવાદ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કન્નડ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ, નીલગંગા એન્ડૉવમેન્ટ ઍવૉર્ડ, ડોમ્બિવલી કર્ણાટક સંઘ ઍવૉર્ડ, મહામસ્તકાભિષેક ઍવૉર્ડ અને કદનગોડલું શંકર ભટ્ટ મેમૉરિયલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા