વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis)

February, 2005

વિચલન-વિશ્લેષ્ણ (deviation analysis) : ઉત્પાદન કરવાની પ્રવૃત્તિઓનાં પૂર્વનિર્ધારિત ધોરણો સાથે સતત ચકાસણી કરીને નજરે પડેલા તફાવત/વિચલનનાં કારણો શોધવાની, સંચાલન-(management)-પ્રશાખાએ વિકસાવેલી પ્રક્રિયા. લભ્ય સાધનોનો વિવેકપુર:સરનો ઉપયોગ કરવા માટે સંચાલક સતત મથામણ કરતો હોય છે. સંચાલન વાસ્તવિકતા સાથે કામ પાડે છે. તેથી વિવેકના ભાવાત્મક ખ્યાલને વાસ્તવિક સ્વરૂપ આપવું પડે છે. ખરેખર કાર્ય-પ્રવૃત્તિ શરૂ થાય તે પહેલાં સંચાલકો પોતે અથવા/અને નિષ્ણાતો દ્વારા પ્રવૃત્તિ કેવી અને કેટલી ચાલે તો તે સાંપ્રત પરિસ્થિતિમાં અસરકારક બનેલી કહેવાય તે નક્કી કરે છે. આમ કરીને ભાવાત્મક એવા વિવેકને વાસ્તવિક સ્વરૂપ આપવામાં આવે છે. આ પૂર્વનિર્ધારણને પ્રમાણ અથવા ધોરણથી ઓળખવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં આ પ્રમાણોની જાણકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓને આપી દેવામાં આવે છે. પ્રવૃત્તિ થઈ રહે એટલે અનેકવિધ સાધનો અને માધ્યમો વડે પ્રવૃત્તિઓને ચકાસવામાં આવે છે. ઉત્પાદન અને સેવા-પ્રવૃત્તિઓ જેવી સતત ચાલતી પ્રવૃત્તિઓને પ્રધાનપણે ચાલતી પ્રવૃત્તિઓની સાથે સાથે જ ચકાસવામાં આવે છે; દા.ત., કોઈ એક રસ્તા પર કલાકે પચાસ કિલોમીટરની ગતિમર્યાદા હોય તો મહત્તમ ગતિમર્યાદા-પ્રમાણ કલાકે પચાસ કિલોમીટરનું થયું. વાહનચાલકે પોતાના ગતિમાપક પર સતત નજર રાખીને જોવાનું છે કે એ ગતિમર્યાદાના ધોરણથી વિચલન નહિ કરે. વાહન-વ્યવહાર પર અંકુશ રાખતો પોલીસમૅન પણ વાહનની ગતિ પર સતત નિગાહ રાખીને જાહેર થયેલા ધોરણથી વાહન દ્વારા વિચલન નહિ થાય તેની કાળજી રાખે છે. જો વિચલન થાય તો તુરત ચાલકને તેમ કરતાં રોકે છે. આમ, સંચાલનમાં વિચલન શોધવા ખાતર શોધાતું નથી. શક્ય હોય તો વિચલન થાય જ નહિ તે હેતુથી વિચલન પેદા કરનાર પરિબળો પર સતત નજર રાખવામાં આવે છે. વિચલન થાય તો એને શકય તેટલા ન્યૂનતમ સમયમાં દૂર કરી શકાય તે હેતુથી શોધાય છે.

વિચલન થયાનું શોધાય તો તે શોધીને સંચાલક સંતોષ માનતો નથી. એ વિવિધ ગાણિતિક, અંકશાસ્ત્રીય પદ્ધતિઓથી અને પ્રયોગશાળા વડે વિચલનનું વિશ્લેષણ કરશે. જો એનાથી નક્કી થાય કે નુકસાન નગણ્ય છે તો તેવા વિચલન માટે બહુ ચિંતા કરશે નહિ. જે વિચલનથી અપવાદરૂપ મોટું નુકસાન થાય તો તેના પર એ ધ્યાન કેન્દ્રિત કરશે. વિચલન પરત્વે સંચાલનના આ અભિગમને અપવાદના સિદ્ધાંત(principle of exception)થી ઓળખવામાં આવે છે. વિચલન-વિશ્લેષણ હેઠળ નગણ્ય નુકસાન કરતાં કે અપવાદરૂપ મોટું નુકસાન કરતાં બધાં જ વિચલનનાં કારણો શોધવામાં આવે છે. કોઈક વાર નગણ્ય નુકસાન કરતાં વિચલનનાં કારણો ભાવિમાં ગંભીર અને દૂરગામી વિપરીત પરિણામો લાવી શકે. જો એવું માલૂમ પડે તો તે કારણોને અને અપવાદરૂપ મોટું નુકસાન કરતાં વિચલનનાં કારણોને દૂર કરવાની કાર્યવહી હાથ ધરવામાં આવે છે. આમ, વિચલન-વિશ્લેષણ વધારે અસરકારક સંચાલકીય પરિણામો લાવવા માટેનું એક સાધન છે. મહત્વના એક સંચાલકીય કાર્ય-અંકુશનો હાર્દભાગ વિચલન-વિશ્લેષણ છે. વિચલન-વિશ્લેષણ નગણ્ય પરિબળો પાછળના સંચાલકના સમય-સાધન-વ્યયને અટકાવે છે. મોટું નુકસાન કરી શકે એવા અપવાદરૂપ વિચલન અને તેનાં કારણોને સમજવા અને તેની નુકસાનકારક અસરોથી બચવા માટે જરૂરી પગલાં લેવા માટે સંચાલકને મોકળાશ કરી આપે છે. વિચલન-વિશ્લેષણનો અભિગમ હકારાત્મક અને સુધારાલક્ષી હોય છે.

સૂર્યકાન્ત શાહ