વિચલન, ચુંબકીય (magnetic declination)

February, 2005

વિચલન, ચુંબકીય (magnetic declination) : પૃથ્વીના ચુંબકીય ધ્રુવોની વિચલિત થતી સ્થિતિ. ભૂચુંબકત્વ પર્યાય પૃથ્વીના ખડકોના ચુંબકત્વ અને તેની સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખાની સમજ માટે ઉપયોગમાં લેવાય છે. હવે તો આ પર્યાયને પાર્થિવ ચુંબકત્વના બહોળા અર્થમાં પણ વાપરવાનું વલણ વધતું રહ્યું છે. પૃથ્વીના ગોળાને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ – એ પ્રમાણેના બે ભાગોમાં વહેંચેલો છે. ઉત્તર ગોળાર્ધમાં ભૂમિભાગનું પ્રમાણ વધુ છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં જળભાગનું.

ચુંબકત્વ માપવા માટે ચુંબકીય સોયવાળા હોકાયંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના વિસ્તારો માટે ચુંબકીય સોય જરાક નીચે તરફ (+ve મૂલ્ય) અને દક્ષિણ ગોળાર્ધમાં તે જરાક ઉપર તરફ (ve મૂલ્ય) નમેલી રહે છે. આ પ્રકારના નમનને ચુંબકીય નમન (magnetic inclination) કહેવાય છે. બે ભૌગોલિક ધ્રુવોની જેમ પૃથ્વીને બે ચુંબકીય ધ્રુવો પણ હોય છે. પૃથ્વી પર તેમની સ્થિતિ (1975ની માપણી મુજબ) ઉત્તર ગોળાર્ધમાં 76.1° N x 100° W પર અને દક્ષિણ ગોળાર્ધમાં 65.8° x 139° E પર મળેલી; જોકે પૃથ્વી પર જ્યાં ચુંબકીય ખનિજોનું સંકેન્દ્રણ થયેલું હોય ત્યાં સ્થાનિક ચુંબકીય ધ્રુવો ચલિત બને છે. આ ભૂમિકા આ પર્યાયના અર્થને સ્પષ્ટ કરે છે : ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના લઘુકોણને ચુંબકીય વિચલન (magnetic declination) કહેવાય. સમુદ્રીય અને  હવાઈ સંદર્ભમાં તેને ‘magnetic variation’ કહેવાય છે. હોકાયંત્રની સોય પર ચુંબકત્વ આરોપિત કરેલું હોવાથી તે માપી શકે છે. આ સોય મધ્યસ્થ ધરી પર ગોઠવેલી હોય છે અને મુક્ત રીતે ક્ષિતિજસમાંતર સમતલ ગોળાઈમાં ફરી શકે છે. ચુંબકત્વની અસર હેઠળ તે ભૌગોલિક ઉત્તરથી જેટલો ફેરફાર દર્શાવે તેને ચુંબકીય વિચલન (D) કહેવાય છે. જો તે પૂર્વ-તરફી હોય તો +ve અને પશ્ચિમ-તરફી હોય તો -ve ગણાય છે. પૃથ્વીના મોટાભાગોમાં Dનું મૂલ્ય 90°થી ઓછું રહે છે, જ્યાં ચુંબકત્વ સંકેન્દ્રિત થયેલું હોય ત્યાં ગમે તે મૂલ્ય બતાવે છે. ચુંબકીય ધ્રુવો સ્થિત હોય ત્યાં કોઈ દિશાકીય વિચલન મળતું નથી, પરંતુ ભૌગોલિક ધ્રુવો પર તે ચોક્કસ દિશાનો નિર્દેશ કરે છે. પૃથ્વી પર ચુંબકીય વિચલનનું વિતરણ સમચુંબકીય રેખાઓથી સમજી શકાય છે.

બે ભૌગોલિક ધ્રુવો અને બે ચુંબકીય ધ્રુવો એવાં બિંદુઓ છે, જ્યાં બધાં મૂલ્યોવાળી રેખાઓ ભેગી મળે છે. સમચુંબકીય વિચલનવાળાં બિંદુઓને જોડતી રેખા ચુંબકીય વિચલનરેખા સમદિક્પાતી રેખા (isogonic line) કહેવાય છે; જ્યારે વિચલન રેખાઓનું મૂલ્ય D = 0 બની રહે, વિચલન દર્શાવે નહિ, તેને ‘Agonic રેખા’ કહેવાય છે. આ ઉપરથી વાસ્તવિક ઉત્તર દિશા નક્કી થાય છે.

ગિરીશભાઈ પંડ્યા