વિગ્નર, યૂજીન પૉલ

February, 2005

વિગ્નર, યૂજીન પૉલ (જ. 17 નવેમ્બર 1902, બુડાપેસ્ટ; અ. 1995) :  મૂળભૂત સમમિતિ(symmetry)ના સિદ્ધાંતની શોધ અને અનુપ્રયોગ દ્વારા પારમાણ્વિક ન્યૂક્લિયસ અને મૂળભૂત કણોની શોધમાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની.

ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે તેમનાં ઘણાં પ્રદાનો છે જેમાં સમતા સંરક્ષણના સિદ્ધાંતના સંરૂપણ(Formulation)નો સમાવેશ થાય છે. તે માટે 1963માં તેમને ગોએપ્પેટમેયર (Goeppert Mayer) મારિયા અને જેન્સેન જે હાન્સ ડી સાથે સંયુક્તપણે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવેલું.

તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બુડાપેસ્ટમાં લીધું; ઉચ્ચ શિક્ષણ બર્લિનમાં લીધું. બર્લિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાંથી તેમણે 1925માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ મે 1930માં પ્રિન્સ્ટન ગયા. તેઓ ત્યાં 1938માં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1970માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી આ સ્થાને રહીને સેવાઓ આપી.

યૂજીન વિગ્નરનાં સિદ્ધહસ્ત પ્રદાનોમાં ન્યૂક્લિયસની બંધન-ઊર્જાઓ અને સૂક્ષ્મ સંરચનાના અભ્યાસ, બીટા ક્ષયની યાંત્રિકી, સમતા(parity)-સંરક્ષણ, રાસાયણિક ફેરફારોની પ્રક્રિયાત્મક કાર્યવિધિ અને ક્વૉન્ટમ યાંત્રિકીમાં જૂથ(group)-સિદ્ધાંતના અનુપ્રયોગોને લગતા અભ્યાસનો સમાવેશ થાય છે. તેમની સિદ્ધિ કોઈ એક ક્ષેત્રે મર્યાદિત નથી, પણ ક્વૉન્ટમ યાંત્રિકીની પદ્ધતિઓમાં કેટલાય સુધારા કર્યા, વિસ્તરણ કર્યું અને અનુપ્રયોગો કર્યા.

યૂજીન પૉલ વિગ્નર

ન્યૂક્લિયસની ભીતર ન્યૂક્લિયૉનની ગતિની ગણતરી કરવા માટે તેમની વચ્ચે પ્રવર્તતાં તમામ બળોની જાણકારી જરૂરી છે. સંશોધન કરતાં કરતાં 1933માં જાણવા મળ્યું કે બે ન્યૂક્લિયૉન ખૂબ જ નજીક હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું બળ અતિ લઘુ અંતરી હોય છે; પણ પરમાણુની બહાર હોય તેવા ઇલેક્ટ્રૉન વચ્ચે પ્રવર્તતા વિદ્યુતબળ કરતાં લાખો ગણું વધારે હોય છે.

તેમણે બતાવ્યું કે ગતિના નિયમોની નક્કર અને વ્યાપક સમમિતિમાંથી ન્યૂક્લિયસના ઘણાખરા ગુણધર્મો ફલિત થાય છે. આ સાથે તેમણે ઇલેક્ટ્રૉન માટે સંમિતિના અભ્યાસ વડે પાયાનું પ્રાથમિક કાર્ય કર્યું અને તેને આધારે મહત્વની શોધો કરી. ત્યારબાદ તેમણે પારમાણ્વિક ન્યૂક્લિયસ માટે પોતાનું કાર્ય વિસ્તાર્યું. તેને આધારે એટલે કે સંમિતિના ગુણધર્મોને આધારે શોધી કાઢ્યું કે બે ન્યૂક્લિયૉન વચ્ચે પ્રવર્તતું બળ એકસરખું હોય છે, પછી ભલેને એક પ્રોટૉન હોય અને બીજો ન્યૂટ્રૉન હોય. તેમનું આ કાર્ય અને સમમિતિના અન્ય ગુણધર્મોની શોધ મૂળભૂત કણોના પ્રાયોગિક સંશોધન માટે અનિવાર્યપણે આવદૃશ્યક બની.

રસવૈવિધ્યના એક ભાગ તરીકે, 1930થી 1940ના સમય દરમિયાન અન્ય ભૌતિકવિજ્ઞાનીઓની જેમ, વિગ્નરે ન્યૂક્લિયર વિખંડન (fission) પ્રક્રિયામાં વિશિષ્ટ રસ વિકસાવ્યો. ન્યૂક્લિયસ વડે શોષણ પામતા ન્યૂટ્રૉનની યાંત્રિકીને લગતો તેમનો અગાઉનો અભ્યાસ સમયાંતરે મૅનહૅટન પ્રૉજેક્ટ માટે અમૂલ્ય આધાર નીવડ્યો.

પ્રહલાદ છ. પટેલ