વિગેલૅન્ડ, ગુસ્તાફ (Vigeland, Gustaf)

February, 2005

વિગેલૅન્ડ, ગુસ્તાફ (Vigeland, Gustaf) (જ. 11 એપ્રિલ 1869, મેન્ડેલ, નૉર્વે; અ. 12 માર્ચ 1943) : નૉર્વેજિયન શિલ્પી. નવ વરસની ઉંમરે વિગેલૅન્ડે કાષ્ઠ કોતરીને શિલ્પસર્જન કરનાર નૉર્વેજિયન શિલ્પી ફ્લેડ્મો (Fladmoe) હેઠળ ઓસ્લો નગરમાં તાલીમ લેવી શરૂ કરી. વિગેલૅન્ડ સત્તર વરસનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થતાં તેના પિતાની ખેતી સંભાળવાની જવાબદારી તેની ઉપર આવી પડી. ગામડામાં ખેતી કરવા ઉપરાંત તેણે બે ગ્રીક મહાકાવ્યો ઇલિયડ અને ઑડિસી તથા બાઇબલ ઉપરાંત દાંતેના મહાકાવ્ય ‘ધ ડિવાઇન કૉમેડી’નું પઠન કર્યું. આ બધાના ઘણા પ્રસંગો માટે તેણે પ્રસંગચિત્રો પણ કર્યાં. 1888માં ખેતી છોડી તે ફરી ઓસ્લો ગયો અને ફરીથી કાષ્ઠ કોતરી શિલ્પસર્જન કરવું શરૂ કર્યું; પણ વળતર પેટે તેને રોજના માત્ર પાંચ જ શિલિંગ મળતા હતા. રોજિંદી ગરીબી અને ભૂખમરાથી ત્રાસીને એકવીસ વરસના વિગેલૅન્ડે ગામડે રહીને પોતે ચીતરેલાં પ્રસંગચિત્રો ઓસ્લોના જાણીતા શિલ્પી બર્ગ્સ્લીનને (Bergslien) બતાવ્યાં. બર્ગ્સ્લીને એ ચિત્રો પ્રોફેસર લૉરેન્ઝ ડિટ્રિક્સોન(Dietrichson)ને બતાવ્યાં. પ્રભાવિત થયેલા આ પ્રોફેસરે વિગેલૅન્ડને પોતાના સ્ટુડિયોમાં રાખી લીધો. 1889માં વિગેલૅન્ડને નૉર્વેની સરકારી શિષ્યવૃત્તિ મળી, તેથી 1891માં તે ડેન્માર્કની રાજધાની કૉપનહેગન ગયો અને પ્રખ્યાત ડેનિશ શિલ્પી ક્રિશ્ચિયન વિલ્હેલ્મ (Vilhelm) બિસેન હેઠળ તેણે એક વર્ષ સુધી શિલ્પકળાની તાલીમ લીધી. 1892માં તે પૅરિસ ગયો અને પ્રસિદ્ધ ફ્રેન્ચ શિલ્પી રોદાં (Rodin) સાથે ઘનિષ્ઠ પરિચય કેળવ્યો.

1892માં વિગેલૅન્ડ ઓસ્લો પાછો આવ્યો અને તે જ વર્ષે તેણે પોતાનાં શિલ્પોનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન ઓસ્લોમાં જ યોજ્યું. 1895માં તેણે બર્લિન અને ફ્લૉરેન્સની મુલાકાતો લીધી. નૉર્વે પરત આવીને તેણે ત્યાંના ટ્રૉન્ધેમ (Trondheim) નગરના નિડારોસ (Nidaros) કથીડ્રલના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. આ કથીડ્રલ માટે તેણે મૂળ ગૉથિક શૈલીમાં ઘણાં સુંદર શિલ્પો 1897થી 1912 સુધીમાં કંડાર્યાં. પણ આ દરમિયાન મૌલિક અભિવ્યક્તિ રૂંધાઈ રહી હોય એવું જણાતાં તેણે મળનારો મોટો નાણાકીય લાભ છોડી દઈને પણ આ કથીડ્રલના જીર્ણોદ્ધાર/પુનરોદ્ધારનું કામ છોડી દીધું.

હવે એણે પોતાના અંગત સ્ટુડિયોમાં મૌલિક શિલ્પસર્જન શરૂ કર્યું. ભાંગેલા-તૂટેલા જર્જરિત આ સ્ટુડિયોની છતના કાણામાંથી બરફ ધસી આવતો અને સતત ભીની રહેતી દીવાલો પર બિલાડીના ટોપ ઊગી નીકળતા તે પૈસેટકે ખુવાર થઈ ગયો. તેને ખાવાના પણ સાંસા પડ્યા. આવી વિષમ હાલતમાં પણ તેણે મૌલિક શિલ્પસર્જન આરંભ્યું. બળૂકી અભિવ્યક્તિ કરતા નગ્ન માનવદેહોને નિરૂપતાં શિલ્પોનું તેણે કરેલું નિર્માણ યુરોપભરમાં આકર્ષક બન્યું. તેમાં ‘ધ હર્મિટ’, ‘યંગ ગર્લ’, ‘ધ ડેમ્ડ’, ‘એ મોર ઍન્ડ સાઇકી’, ‘ઑર્ફિયસ ઍન્ડ યુરિડાઇસ’, ગણિતજ્ઞ ‘નીલ્સ હેન્રિક એબેલ’, સંગીતકાર ‘બીથોવન’, ફિલસૂફ ‘સોફુસ બુગે’ (Bugge), લેખક ‘આર્મે ગાબૉર્ગ’, ‘ફાધર ઍન્ડ ડૉટર’, ‘યંગ મૅન ઍન્ડ વુમન’, ‘મધર ઍન્ડ ચાઇલ્ડ’, ‘વુમન વિથ ક્રૉસ્ડ લેગ્સ’, ‘કપલ’, ‘બેગર્સ’, ‘થ્રી લિટલ ગર્લ્સ’, ‘ધ ચાઇલ્ડ’, ‘નૌકાનાયક’, ‘ટોર્ડેન્સ્ક જોલ્ડ’, ‘થ્રી ચિલ્ડ્રન’, ‘ધે એમ્બ્રેસ’, ‘ફાધર ઍન્ડ સન’, ‘ધ ગર્લ ઑન ધ રેઇન્ડિયર’, ‘ધ ગર્લ ઑન્ ધ બૅર’, ‘ઓલ્ડ મૅન લીડિંગ અ સ્મૉલ બૉય’, ‘ધ ક્લેન’ અને ‘મૅન સ્ટ્રગલિંગ ડેમન’નો સમાવેશ થાય છે.

ગુસ્તાફ વિગેલૅન્ડે કંડારેલાં બાળકો

ઑસ્લો નગરના સ્ટુડેન્ટેર્લુન્ડ ગાર્ડન માટે શિલ્પો સર્જવાનું કામ ત્યાંની મ્યુનિસિપાલિટીએ વિગેલૅન્ડને આપ્યું. આ માટે તેણે સર્જેલાં શિલ્પોમાં ‘ફાઉન્ટન’ નામે અનેક માનવ-આકૃતિઓ ધરાવતો એક મોટો શિલ્પસમૂહ સર્જ્યો. બદલામાં મ્યુનિસિપાલિટીએ નાણાં ઉપરાંત એક નવો સ્ટુડિયો વિગેલૅન્ડને વળતર રૂપે આપ્યો. તેના મૃત્યુ પછી આ સ્ટુડિયોને તેની છેલ્લી ઇચ્છાની પૂર્તિ રૂપે તેનાં શિલ્પોના મ્યુઝિયમમાં ફેરવી નાંખવામાં આવ્યો.

અમિતાભ મડિયા