વિક્ટોરિયા, રાણી (જ. 24 મે 1819, લંડન, અ. 22 જાન્યુઆરી 1901, ઑસ્બોર્ન, ઇંગ્લૅન્ડ) : ગ્રેટ બ્રિટન અને આયર્લૅન્ડ(યુનાઇટેડ કિંગ્ડમ)ની રાણી. એણે ઈ. સ. 1837થી 1901 સુધીનાં 64 વર્ષ એટલે કે બ્રિટનના બધા રાજ્યકર્તાઓમાં સૌથી વધારે સમય સુધી રાજ્ય કર્યું. એના સમયમાં બ્રિટને વિરાટ ઔદ્યોગિક વિકાસ સાધ્યો અને વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યની રચના કરી. તેથી તેના સમયને ‘વિક્ટોરિયન યુગ’ કહેવામાં આવે છે.
બ્રિટનના રાજા જ્યૉર્જ ત્રીજાના પુત્ર એડવર્ડની તે પુત્રી હતી. એની માતા વિક્ટોરિયા મેરિયા લુઈસા ડ્યૂક ફ્રાન્સિસની પુત્રી હતી. એ એના માતાપિતાનું એકમાત્ર સંતાન હતી. એ એક વર્ષની થઈ એ પૂર્વે એના પિતાનું અવસાન થયું. તેથી તેનો ઉછેર તેની માતા દ્વારા થયો હતો. વિક્ટોરિયાના કાકા રાજા વિલિયમ ચોથાનું 20મી જૂન 1837ના રોજ અવસાન થયું. એમને વારસદાર તરીકે કોઈ ન હોવાથી વિક્ટોરિયાને ગાદી મળી અને 28મી જૂન 1838ના રોજ એનો બ્રિટનની રાણી તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. એ સમયે એની વય માત્ર 19 વર્ષની હતી. એના પ્રથમ વડાપ્રધાન લૉર્ડ મેલબૉર્ને એને રાજકારણ અને સરકારી વહીવટીતંત્રની તાલીમ આપી.
તેના રાજ્યકાલ દરમિયાન સાર્વત્રિક પ્રગતિ થઈ તથા અનેક મહત્વના બનાવો બન્યા. બ્રિટન ચીન સામે અફીણ વિગ્રહ(1839-1842)માં લડ્યું અને હૉંગકૉંગનો ટાપુ મેળવ્યો. રશિયા સામે એ ક્રિમિયન વિગ્રહ(1853-1856)માં લડ્યું. દક્ષિણ આફ્રિકામાં તેનાં હિતોનું રક્ષણ કરવા એ ઍંગ્લોબોઅર યુદ્ધ(1899-1902)માં લડ્યું. 1858માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વહીવટ નાબૂદ કરવામાં આવ્યો અને હિંદ પર રાજ્ય કરવાની સત્તા બ્રિટિશ સરકારને મળી. આ વર્ષમાં રાણી વિક્ટોરિયાનું જાહેરનામું બહાર પાડીને હિંદના રાજાઓને એવી ખાતરી આપવામાં આવી કે એમનાં રાજ્યો સલામત રહેશે અને એ ખાલસા કરવામાં નહિ આવે. 1876માં રાણી વિક્ટોરિયાને હિંદની સમ્રાજ્ઞી (‘કૈસરે હિંદ’) તરીકે જાહેર કરવામાં આવી. બ્રિટને ઇજિપ્ત અને અન્ય વિસ્તારો ઉપર અંકુશ મેળવ્યો. ઑસ્ટ્રેલિયા અને કૅનેડામાંનાં બ્રિટિશ સંસ્થાનો એક બની બ્રિટિશ સામ્રાજ્યના મહત્વના ઘટકો બન્યા.
રાણી વિક્ટોરિયાના શાસનકાલ દરમિયાન બ્રિટન વિશ્વનો સૌથી વધારે ધનાઢ્ય દેશ બન્યો. બ્રિટને વિદેશ વ્યાપાર પરના પ્રતિબંધો દૂર કર્યા. એનાં સંસ્થાનો કાચો માલ મેળવવાનાં સાધનો અને તૈયાર માલ વેચવા માટેનાં બજારો બન્યાં. એમ કહેવામાં આવતું કે બ્રિટિશ સામ્રાજ્ય પર સૂર્ય કદી આથમતો નથી. રાણી વિક્ટોરિયાના સમયમાં બ્રિટનની વસ્તીમાં 50 ટકાનો વધારો થયો. એનું ખેતીપ્રધાન દેશમાંથી ઔદ્યોગિક દેશમાં પરિવર્તન થયું. વધારે લોકોને મતાધિકાર મળ્યો અને સ્થાનિક સ્વરાજ્યમાં લોકશાહીનું પ્રમાણ વધ્યું. બ્રિટિશ પાર્લમેન્ટે મજદૂરોની સ્થિતિમાં સુધારો કરતા, બધાં બાળકોને શાળાએ જવાનું ફરજિયાત બનાવતા અને સરકારી વહીવટી તંત્રને વધારે કાર્યક્ષમ બનાવતા કાયદાઓ અમલમાં મૂક્યા. આયર્લૅન્ડમાં ધાર્મિક દેવળને સરકારથી અલગ કરવામાં આવ્યું અને જમીન તથા મહેસૂલની પદ્ધતિ સુધારવામાં આવી.
રાણી વિક્ટોરિયા પૂર્વેના બે રાજવીઓ જ્યૉર્જ ચોથાના અને વિલિયમ ચોથાના અયોગ્ય વર્તનને કારણે બ્રિટનના લોકોને રાજગાદી માટે બહુ માન રહ્યું ન હતું, પરંતુ રાણી વિક્ટોરિયાએ લોકોના હિત માટે સતત અને સખત કામ કરીને લોકોનો પ્રેમ તથા આદર મેળવ્યાં. વિક્ટોરિયા પોતે એક શાણી અને સક્ષમ રાણી હતી. તેના શક્તિશાળી, મુત્સદ્દી તથા વિચક્ષણ વડાપ્રધાનો લૉર્ડ મેલબૉર્ન, સર રૉબર્ટ પીલ, પામરસ્ટન, બેન્જામિન ડિઝરાયલી, વિલિયમ ગ્લૅડસ્ટન અને માકર્વિસ ઑવ્ સેલિસબરીને કારણે એના સમયમાં બ્રિટને મહાન સિદ્ધિઓ મેળવી. રાણી વિક્ટોરિયાએ તેના વડાપ્રધાનો અને પાર્લમેન્ટને વહીવટ કરવાની સંપૂર્ણ સત્તા તથા જવાબદારી સોંપી હતી. એમની સાથે સંઘર્ષ નહિ કરીને માત્ર રાજ્યના બંધારણીય વડા તરીકે જ એણે કામ કર્યું હતું. તેથી બ્રિટનમાં રાજાશાહી ટકી રહી.
વિક્ટોરિયાએ 1840માં પ્રિન્સ આલ્બર્ટ સાથે લગ્ન કર્યાં હતાં. એમને ચાર પુત્ર અને પાંચ પુત્રીઓ મળી કુલ 9 સંતાનો થયાં. પ્રિન્સ આલ્બર્ટ માયાળુ અને વિદ્વાન હતા અને વેપારમાં રસ ધરાવતા હતા. એ રાણીને રાજકીય ફરજો બજાવવામાં મદદ કરતા હતા. 1861માં આલ્બર્ટનું અવસાન થયું. એમના અવસાન પછી રાણીએ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું બંધ કર્યું અને ઘણાં વર્ષો સુધી કાળો પોશાક ધારણ કર્યો.
1901માં રાણી વિક્ટોરિયાનું અવસાન થતાં એમનો સૌથી મોટો પુત્ર રાજા એડવર્ડ સાતમા તરીકે બ્રિટનની ગાદીએ આવ્યો. વિક્ટોરિયાની છાપવાળા ચાંદીના રૂપિયા અને અન્ય ધાતુના સિક્કાઓ હિંદમાં પ્રચલિત હતા. એમની સ્મૃતિમાં કોલકાતાના બ્રિટિશ મ્યુઝિયમને ‘વિક્ટોરિયા મેમોરિયલ મ્યુઝિયમ’ અને ભારતનાં અમદાવાદ જેવાં કેટલાંક શહેરોના બગીચાઓને ‘વિક્ટોરિયા ગાર્ડન’ કે ‘રાણી બાગ’ નામ આપવામાં આવ્યાં હતાં.
મુગટલાલ પોપટલાલ બાવીસી