વિક્ટોરિયા, લુઈઝ દે

February, 2005

વિક્ટોરિયા, લુઈઝ દે (જ. 1548 કે 1550, એવિલા, સ્પેન; અ. 1611, મૅડ્રિડ, સ્પેન) : સોળમી સદીના સ્પેનની કાસ્ટિલિયન શૈલીનો સર્વશ્રેષ્ઠ સંગીતકાર. આજે તેનું નામ ઇટાલીના સર્વકાળના શ્રેષ્ઠ સંગીતકારો લાસુસ અને પેલેસ્ત્રિનાની સમકક્ષ મૂકવામાં આવે છે.

સ્પેનમાં એસ્કોબેદો પાસે તાલીમ લીધા પછી વિક્ટોરિયા 1560માં રોમ ગયો અને પેલેસ્ત્રિના પાસે વધુ તાલીમ મેળવી, પણ હકીકતમાં બંનેએ પરસ્પર પ્રભાવ પાડ્યો. વીસ વરસ પછી સ્પેન પાછા ફરીને વિક્ટોરિયા મૅડ્રિડમાં સ્થિર થયો અને ચાર્લ્સ પાંચમાની પુત્રી વિધવા સામ્રાજ્ઞી મેરીની સેવામાં જોડાયો. એણે આજીવન માત્ર ધાર્મિક સંગીત જ સર્જ્યું. ચારથી બાર કંઠ માટે તેણે વીસ મૅસ (mass) લખ્યાં. ઉપરાંત પિસ્તાલિસ ટૂંકાં પ્રાર્થના ગીતો (મોટેટ  motet), તથા ઈસ્ટર માટેની પ્રાર્થનાઓ અને શ્લોકગીતો (hymns and psalms) પણ લખ્યાં.

લુઈઝ દે વિક્ટોરિયા

આ બધામાં તેણે મુખર વિસંવાદ પ્રયોજીને અભિવ્યક્તિને બળૂકી બનાવી છે.

અમિતાભ મડિયા