વિક્ટોરિયા (ટેક્સાસ, યુ.એસ.) : યુ.એસ.ના દક્ષિણ ભાગમાં ટેક્સાસ રાજ્યના વિક્ટોરિયા પરગણાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 29° 00´ ઉ.અ. અને 97° 15´ પ. રે.. તે કૉર્પસ ક્રિસ્ટિથી ઈશાન તરફ 137 કિમી.ને અંતરે ગ્વાડેલૂપ નદી પર આવેલું છે.
1940ના દસકાથી આ સ્થળ ખનિજતેલ, કુદરતી વાયુ તેમજ પેટ્રોકેમિકલ પેદાશોના ઉત્પાદનનું મહત્વનું મથક બની રહેલું છે. 1963માં 56 કિમી.ની, આંતરકંઠારજળમાર્ગથી વિક્ટોરિયા બાર્જ નહેર પૂરી થતાં તે પછીથી તેનો ઔદ્યોગિક વિકાસ વધતો ગયો છે. અહીંની વિક્ટોરિયા કૉલેજ (1925), હ્યુસ્ટન યુનિવર્સિટી (1973) તેમજ મૅકનામારા ઓ’કોનોર ઐતિહાસિક અને લલિત કલા સંગ્રહાલય જાણીતી સંસ્થાઓ છે.
વિક્ટોરિયાની સ્થાપના સ્પેનિશ વસાહતીઓ દ્વારા 1824માં કરવામાં આવેલી છે. ન્યૂએસ્ત્રા સૅનોરા દ ગ્વાડેલૂપ દ જિસસ વિક્ટોરિયા (ગ્વાડેલૂપની ઉમરાવબાનુ) તથા સર્વપ્રથમ મેક્સિકન પ્રમુખ ગ્વાડેલૂપ વિક્ટોરિયાના સંયુક્ત માનમાં તેને વિક્ટોરિયા નામ અપાયેલું. ટેક્સાસમાં થયેલી ક્રાંતિમાં વિક્ટોરિયાનો ફાળો મહત્વનો રહેલો. 1839માં ટેક્સાસ પ્રજાસત્તાક હેઠળ તેને શહેરનો દરજ્જો આપી ભેળવવામાં આવેલું. ત્યારબાદ તે ઢોરમથક તરીકે વિકસેલું છે.
ગિરીશભાઈ પંડ્યા