વિક્ટોરિયા (સેશલ્સ)

February, 2005

વિક્ટોરિયા (સેશલ્સ) : હિન્દી મહાસાગરમાં આવેલા સેશલ્સ ટાપુજૂથનો મોટામાં મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 4° 38´ દ. અ. અને 55° 27´ પૂ. રે.. સેશલ્સ પ્રજાસત્તાકનું પાટનગર તેમજ મોટામાં મોટું શહેર. ટાપુજૂથનું એકમાત્ર બંદર. વિક્ટોરિયા ટાપુ માહે ટાપુના ઈશાન કાંઠે આવેલો છે. બંદર ઊંડા જળનું હોવાથી અહીં એકસાથે ચાર જહાજો લાંગરી શકે છે. અંદરના ભાગમાં આવેલા બારામાં નાનાં વહાણો માટેની સગવડ છે.

વિક્ટોરિયા વિષુવવૃત્તની નજીક આવેલું હોવાથી તેની આબોહવા ગરમ-ભેજવાળી-અયનવૃત્તીય છે. ડિસેમ્બરથી મે સુધી અહીંનું હવામાન ગરમ ભેજવાળું રહે છે. અગ્નિકોણી વેપારી પવનો જૂનથી નવેમ્બર સુધી ફૂંકાતા રહે છે, જે આબોહવાને ઠંડી બનાવે છે. સરેરાશ રીતે જોતાં, તાપમાન આખુંય વર્ષ એકસરખું રહે છે. જાન્યુઆરીમાં 26.7° સે. અને જુલાઈમાં 25.6° સે. જેટલું તાપમાન અનુભવાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 2,287 મિમી. જેટલો પડે છે.

ટાપુ પર સ્થાનિક ઉદ્યોગો વિકસતા જાય છે. દારૂ-ઉદ્યોગ; ટ્યુના માછલીઓને હવાચુસ્ત ડબ્બાઓમાં ભરવાનો ઉદ્યોગ; સિગારેટ, દૂધ-પેદાશો, રંગો તથા તજ-પ્રક્રમણની પ્રવૃત્તિઓના એકમોનો તેમાં સમાવેશ થાય છે. અહીંના લોકો મુખ્યત્વે સેવા-ઉદ્યોગોમાં, પ્રવાસન-ઉદ્યોગમાં, હોટેલ-રેસ્ટોરાંમાં તેમજ નાના-મોટા અન્ય વ્યવસાયોમાં રોકાયેલા હોય છે. વિક્ટોરિયા બંદરેથી તૈયાર માલસામાનની આયાત-નિકાસ થાય છે. ટાપુનો આયાતી વેપાર યુ. કે., યેમેન, દક્ષિણ આફ્રિકા સાથે તથા નિકાસી વેપાર યુ.કે., ચીન, થાઇલૅન્ડ અને ભારત સાથે ચાલે છે.

વિક્ટોરિયા સેશલ્સ દેશનું પાટનગર અને મોટું શહેર હોવાથી ટાપુનાં જુદાં જુદાં સ્થળો સાથે પાકા રસ્તાઓથી સાંકળી લેવામાં આવેલું છે. 1970માં બ્રિટિશ સહાયથી વિક્ટોરિયા નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બાંધવામાં આવેલું છે. તે દેશનું ધંધાકીય અને સાંસ્કૃતિક મથક છે. અહીં હૉસ્પિટલ તથા શિક્ષક-તાલીમી કૉલેજની સગવડ પણ છે. અહીંની સત્તાવાર ભાષાઓ ક્રિયોલ, ઇંગ્લિશ અને ફ્રેન્ચ છે. 95 % નિવાસીઓ ક્રિયોલ ભાષાનો ઉપયોગ કરે છે. ટાપુ પરના પુખ્ત લોકોની શિક્ષણની ટકાવારી 84 % જેટલી છે. અહીંના મોટાભાગના લોકો (90 %) રોમન કૅથલિક છે, 8 % અગ્લિકન તથા 2 % બહાઈ, મુસ્લિમ, હિન્દુ અને બૌદ્ધ છે. 1999 મુજબ વિક્ટોરિયાની વસ્તી આશરે 28,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા