વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન : લંડનમાં આવેલું વિશ્વમાં લલિત કલા અને પ્રયોજિત કલાવિષયક એક શ્રેષ્ઠ મ્યુઝિયમ. 26મી જૂન 1919ના રોજ રાજા એડવર્ડ સાતમાએ તેને ખુલ્લું મૂક્યું હતું. ત્યારે તેમાં સુશોભન-કલા અને આર્ટ લાઇબ્રેરીના મ્યુઝિયમનો સમાવેશ થતો હતો.
તેમાં બ્રિટિશ ચિત્રકલાની કૃતિઓ, શિલ્પો અને કોતરેલી આકૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત સ્થાપત્યવિષયક દર્શનો, ટેક્નોલૉજિકલ નમૂનાઓ તથા સામગ્રી અને શૈક્ષણિક સાધન-સુવિધાઓ સવિશેષ આકર્ષણરૂપ છે.
હાલમાં તેમાં નૅશનલ આર્ટ લાઇબ્રેરી અને અદ્યતન તેમજ પ્રાચીન ઉત્તમ શિલ્પોનો રાષ્ટ્રીય સંગ્રહ ધ્યાનાર્હ છે. ઇટાલિયન અને ગૉથિક શિલ્પોનાં મોટાભાગનાં હૉલ્ડિંગો, બ્રિટિશ લઘુચિત્રો; ઇટાલિયન માટીકામની સુશોભિત વસ્તુઓ, પૌરસ્ત્ય કુંભારીકામ અને ચીની માટીનાં કલાત્મક વાસણો; પ્રાચીન ખ્રિસ્તી અને મધ્ય યુગની હાથી- દાંતની ચીજવસ્તુઓ; રેનેસાંસ કાળનું ઝવેરાત, કાપડ, ફર્નિચર, કોતરકામની કૃતિઓ, ચિત્રો, જલરંગો અને ઇંગ્લિશ ચાંદી પરના ઘડતરકામના નમૂનાઓવાળી વિવિધ વીથિઓ જોવા જેવી છે. તેમાંય તેનો માટીકામની કલા(સિરૅમિક્સ)નો સંગ્રહ વિશ્વમાં અજોડ ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પછી વીથિઓમાં મૌલિક ફેરફારો થતાં પ્રાથમિક સંગ્રહ તરીકે ઓળખાતી કેટલીક વીથિઓ ઐતિહાસિક યુરોપિયન શૈલીમાં પરિવર્તન પામી છે.
બળદેવભાઈ કનીજિયા