વિક્ટોરિયા ટાપુ : આર્ક્ટિક મહાસાગરમાં કૅનેડાના નૉર્ધર્ન ટેરિટરી વિસ્તારમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 70° ઉ. અ. અને 110° પ. રે.ની આજુબાજુનો 2,17,290 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, તેની લંબાઈ 515 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 290થી 370 કિમી. જેટલી છે. ટાપુનો વાયવ્યભાગ સમુદ્રસપાટીથી 655 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેની ઉત્તરે મેલવિલે ટાપુ, ઈશાનમાં પ્રિન્સ ઑવ્ વેલ્સ ટાપુ, ઉત્તર તરફ વિસ્કાઉન્ટ મેલવિલે સમુદ્રભાગ, પૂર્વમાં મેકલીંટોકની ખાડી, અગ્નિમાં વિક્ટોરિયા સામુદ્રધુની અને પશ્ચિમે ઍમુંડસેનનો અખાત તથા બૅન્ક્સ ટાપુ આવેલાં છે. ફ્રેન્કલિન જિલ્લામાં આવેલો આ ટાપુ કૅનેડાના મુખ્ય ભૂમિભાગથી ડૉલ્ફિન અને યુનિયન સામુદ્રધુની, કૉરોનેશન અખાત, ડેઆસ સામુદ્રધુની અને ક્વીન માઉદના અખાત દ્વારા જુદો પડે છે.  દક્ષિણ તરફના વૉલેસ્ટોન દ્વીપકલ્પના મધ્ય ભાગમાં 503 મીટરની ઊંચાઈનો માઉન્ટ બમ્પસ આવેલો છે.

આ ટાપુ પર હોલમન, પશ્ચિમે આવેલ રેડ ટાપુ અને કેમ્બ્રિજના અખાત પાસે થોડીઘણી વસ્તી જોવા મળે છે. ટાપુનું નામ રાણી વિક્ટોરિયાના નામ પરથી અપાયેલું છે. 1838માં થૉમસ સિમ્પસને આ ટાપુ શોધ્યો હતો, જ્યારે તે પછી 1851માં જ્હૉન રે દ્વારા કરાયેલા સંશોધન પરથી તેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી હતી.

નીતિન કોઠારી