વિકિરણજન્ય ઈજા (radiation injury)

February, 2005

વિકિરણજન્ય ઈજા (radiation injury) : વીજચુંબકીય તરંગો કે પ્રવેગી પરમાણ્વિક કણો(accelerated atomic particles)ને કારણે રચના કે ક્રિયાશીલતામાં ઉદ્ભવતી વિષમતા. અતિતીવ્ર અશ્રાવ્યધ્વનિ (ultrasound) તથા વીજચુંબકીય ક્ષેત્રોને કારણે થતી નુકસાનકારક અસરોને પણ તેમાં સમાવિષ્ટ કરાય છે. પદાર્થમાંથી વિશિષ્ટ પ્રકારનાં કિરણોરૂપી ઊર્જા બહાર નીકળે તે સ્થિતિને વિકિરણન અથવા કિરણોત્સર્ગ (radiation) કહે છે. જુદા જુદા પ્રકારનાં વિકિરણો જુદા જુદા પ્રકારની જૈવિક અસરો ઉત્પન્ન કરે છે.

આકૃતિ 1 : વીજચુંબકીય વર્ણપટ

અતિશય ઓછી તરંગલંબાઈ ધરાવતા વીજચુંબકીય તરંગો અને ઋણવીજકણ (electron), ધનવીજકણ (proton) અને નિર્વીજકણ (neutron) તથા આલ્ફા-કણ વગેરે પ્રવેગી પરમાણ્વિક કણો દ્રવ્યમાં આયનો(વીજભારિત પરમાણુઓ)નું સર્જન કરે છે. તેમને વીજચર (ions) પણ કહે છે; તેથી તેમને આયનકારી અથવા વીજચરકારક (ioniging) વિકિરણન કહે છે. આયનકારી વિકિરણન(કિરણોત્સર્ગ)ને કારણે જનીની દ્રવ્યમાં વિકૃતિ (mutation) થાય છે, કૅન્સર થવાની પ્રક્રિયા શરૂ થાય છે અને ગર્ભપેશીય અર્બુદતા (teratogenecity) થાય છે. આ ઉપરાંત તેને કારણે પેશીની ઉગ્ર કે દીર્ઘકાલીય પ્રતિક્રિયા ઉદ્ભવે છે; જેમ કે, રક્તિમા (erythema), મોતિયો, વ્યંધ્યત્વ અને લોહીના કોષોના ઉત્પાદનમાં ઘટાડો.

કારણવિદ્યા (aetiology) અને વસ્તીરોગવિદ્યા (epidemiology) DNA અને અન્ય વૈજીવિક (vital) અણુઓ પર વિકિરણનની ઊર્જા પ્રસ્થાપિત થાય છે અને તે જૈવિક અસરો કરે છે. માટે આયનકારી વિકિરણનની માત્રા જેટલા પ્રમાણમાં ઊર્જાનું પ્રસ્થાપન થયું હોય તે પ્રમાણે દર્શાવાય છે. (આકૃતિ 1). માનવજાત સતત જુદા જુદા પ્રકારના કુદરતી કિરણોત્સર્ગ મેળવતી હોય છે; જેમ કે, (1) બ્રહ્માંડીય (cosmic) તરંગો, (2) પૃથ્વીના પોપડામાં રહેલાં રેડિયમ અને અન્ય વિકિરણશીલ તત્ત્વો, (3) માનવપેશીમાં કુદરતી રીતે રહેલા પોટૅશિયમ-40, કાર્બન-14 વગેરે રેડિયોન્યૂક્લિઇડો તથા (4) શ્વાસમાં લેવાતા રેડૉન અને અન્ય અનુતત્ત્વો (daughter elements). ઊંચાઈ પરની વસ્તીને બ્રહ્માંડી કિરણોની બમણી કે વધુ માત્રા મળે છે. તેવી રીતે પૃથ્વીના પોપડામાં જ્યાં રેડિયમનું પ્રમાણ વધુ હોય ત્યાં પણ તેવી જ સ્થિતિ થાય છે. મકાન-બાંધકામ માટેના પદાર્થો, ફૉસ્ફેટ ખાતરો, ભૂકો કરાયેલા ખડકો દૂરભાસ(television)ના વિકિરણકારી ભાગો, ધુમાડો શોધી કાઢતા નિદર્શકો (detectors), અન્ય વપરાશની વસ્તુઓ, પરમાણ્વિક હથિયારો અને નાભિકોર્જા-મથકો (nuclear power station) વગેરેમાં સામાન્ય રીતે કે આકસ્મિક રીતે વિકિરણીય ઊર્જા મળતી રહે છે. કેટલાક કામધંધાઓમાં આ જોખમ વધે છે : વર્ષ દરમિયાન 50m Sv જેટલી વિકિરણન-ઊર્જા માનવશરીર સહી શકે છે. એક અંદાજ પ્રમાણે, અમેરિકામાં વિકિરણન-કર્મીઓ (radiation workers) વર્ષ દરમિયાન 1m Sv જેટલી વિકિરણન અને 1 %થી પણ ઓછી વ્યક્તિઓ 50m Svથી વધુ વિકિરણન-ઊર્જા મેળવે છે.

હાલના જમાનામાં વિકિરણન સામે રક્ષણની ઘણી વ્યવસ્થા ઉત્પન્ન થઈ છે. તેથી સામાન્ય સંજોગોમાં વિકિરણન-કર્મીઓને હવે પહેલાં જેટલી ઈજાઓ થતી નથી; તેમ છતાં જ્યારે કોઈ અકસ્માત સર્જાય ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે; જેમ કે, સન 1986માં રશિયામાં ચર્નોબિલ (Chernobyl) ખાતે નાભિક પ્રક્રિયક(nuclear reactors)માં થયેલા અકસ્માતને લીધે તેની આસપાસની હજારોની વસ્તીને ખસેડવી પડી હતી. તેમ છતાં 200થી વધુ કર્મીઓને વિકિરણન-રુગ્ણતા (radiation sickness) થઈ હતી; જેમાં 31 જણા મૃત્યુ પામ્યા હતા. તે સમયે જે કિરણોત્સર્ગ થયો હતો તે પૃથ્વીના ઉત્તરાર્ધમાં દર વ્યક્તિએ 6,00,000 Sv જેટલો હતો. આટલા મોટા પ્રમાણમાં નહિ, એવા બીજા અકસ્માતો થયેલા છે જેમાં નાભિક પ્રક્રિયકો અને ગૅમાકિરણ સ્રોતમૂલોનો સમાવેશ થાય છે. તેમાં પણ માનવમૃત્યુ નોંધાયેલાં છે.

જોકે સૌથી મોટું જોખમ કુદરતી તથા પાર્શ્ર્વભૂ(background)-વિકિરણનનું છે; જેને કારણે કૅન્સર થવાની સંભાવના વધે છે. જોકે હજુ સુધી જે વિસ્તારોમાં કુદરતી વિકિરણન (કિરણોત્સર્ગ) વધુ છે ત્યાં કૅન્સરનું પ્રમાણ વધેલું નોંધાયું નથી. તેવી રીતે વસ્તીમાં જોવા મળતા કૅન્સરમાંથી ફક્ત 3 % કૅન્સરમાં કુદરતી વિકિરણન (કિરણોત્સર્ગ) કારણરૂપ મનાય છે. ફેફસાંના કૅન્સરમાં ઘરમાંના રેડૉનને મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. તેવી રીતે કુદરતી વિકિરણનથી વારસાગત અને જન્મજાત વિકૃતિઓ અને વિકારો થવાની સંભાવના વધુ રહે છે; પરંતુ હાલ ઉપલબ્ધ માહિતી પ્રમાણે નોંધાયેલી આવી વિષમતાઓમાંથી ફક્ત 1 % જેટલી જ કુદરતી વિકિરણનને કારણે હોય છે. જન્મ પહેલાં ગર્ભશિશુનું વિકિરણન થાય તો તે તેનું મૃત્યુ, કુરચના, મોતિયો, માનસિક અલ્પવિકસન, વૃદ્ધિમાં ઘટાડો, વર્તનવિકારો વગેરે સર્જી શકે છે. જોકે હવે સગર્ભાવસ્થામાં વિકિરણ-સંસર્ગ ન થાય તે માટે ચોક્કસ પગલાં લેવાય છે માટે આવી આડઅસરો ભાગ્યે જ જોવા મળે છે.

વ્યાધિકરણ (pathogenesis) : વીજચરકારક અથવા આયનકારી વિકિરણન માર્ગમાં આવતા અણુઓ અને પરમાણુઓ સાથે અથડાય છે અને વીજચર (ions) તથા મુક્ત મૂલકો (free radicals) ઉત્પન્ન કરે છે, જે રસાયણ-બંધો(chemical bonds)ને તોડે છે અને અણુમાં અન્ય ફેરફારો કરે છે. આ રીતે ગમે તે અણુને ઈજા થઈ શકે, પરંતુ જૈવિક ઈજાના સંદર્ભે DNAમાં થતી વિષમતા મહત્ત્વની છે. જો વિકિરણનની માત્રા 25 % હોય તો તે DNAના અણુમાં ઘણા ફેરફારો લાવે છે અને કોષનું મૃત્યુ થાય છે. વીજકારક વિકિરણનથી થતી DNAની ઈજાનું ઘણે ભાગે સમારકામ થઈ શકે છે; પરંતુ જેટલા પ્રમાણમાં ક્ષકિરણ અને ગૅમાકિરણથી થયેલા નુકસાનની પુનર્રચના (repair) શક્ય છે તેટલી ધનવીજ-કણ (proton) અને આલ્ફા-કણથી થયેલી ઈજાની પુનર્રચના શક્ય નથી. પુનર્રચના ન થઈ હોય તેવા (અપુનર્રચિત, unrepaired) કે કુરચિત (mis-repaired) DNAના અણુની સ્થિતિને જનીન-વિકૃતિ (mutation) કહે છે. વિકિરણનની માત્રા જેટલી વધુ તેટલો જનીન-વિકૃતિદર પણ વધુ. વિકિરણનની અસરને લીધે રંગસૂત્રોની સંખ્યા અને સંરચનામાં પણ ફરક પડે છે. રંગસૂત્રોમાં આવતી આવી વિષમતાઓના અભ્યાસ માટે લોહીમાં પરિભ્રમણ કરતા લસિકાકોષો (lymphocytes) ઘણા ઉપયોગી થાય છે. તેથી તેમને જૈવિક માત્રામાપક (biological dosimeter) પણ કહે છે.

સંખ્યાવૃદ્ધિ પામતા કોષોમાં કોષવિભાજનની પ્રક્રિયા થતી હોય છે. તેઓ સૌથી વધુ અસર પામે છે. માટે તેમને વિકિરણવદૃશ્ય (radio sensitive) કોષો કહે છે. આ કોષોમાં જનીનો અને રંગસૂત્રોમાં વિકૃતિ આવે છે; તેથી વિકિરણનની અસરને કારણે તેમનો જીવનકાળ ઘટે છે અને જે તે પેશીનું સંખ્યાવર્ધન (proliferation) પણ ઘટે છે. જો 1 કે 2 Svની માત્રામાં વિકિરણસંસર્ગ થાય તો 50 % કોષો અસરગ્રસ્ત બને છે. વિકિરણની અસરથી મરતા મોટાભાગના કોષો કોષદ્વિવિભાજન (mitosis) વખતે મૃત્યુ પામે છે. જો વિકિરણની માત્રા 0.5 Svથી ઓછી હોય તો શુક્રપિંડ કે ગર્ભશિશુ સિવાય અન્ય અવયવોમાં કોષમૃત્યુની ખાસ અસર ઉદ્ભવતી નથી; પરંતુ ચામડીનું ઉપરનું સ્તર (અધિત્વચા, epidermis), લોહીના કોષો બનાવતી અસ્થિમજ્જા (bone marrow) તથા આંતરડાની અંદરની સપાટી બનાવતી અધિચ્છદ(epithelium)ના કોષવિભાજન પામતા પૂર્વજ (progenetor) કોષો મૃત્યુ પામે છે. તેથી વૃદ્ધત્વ પામીને મરતા કોષોના સ્થાને નવા કોષો આવવાનો દર ઘટે છે. તેથી ચાંદાં પડે છે અને લોહીના કોષોની ઊણપ થાય છે. તેવું જ યકૃત અને નસોના અંતછદ(endothelium)માં થાય છે. સારણી 1માં વિકિરણની માત્રા દર્શાવતા એકમો અને સારણી 2માં સામાન્ય અમેરિકનોને મળતી વિકિરણન-માત્રા દર્શાવી છે.

સારણી 1 : વિકિરણનની માત્રા દર્શાવતા એકમો

દળ માત્રા એકમ સંજ્ઞા dose unit વ્યાપ
1. વિકિરણ-ક્રિયા બેકરલ Bq દર સેકન્ડ એક વિઘટન
(radio activity) (Bacquerel) (disintegration)
2. અવશોષિત ગ્રે (gray) Gy પેશીમાં સ્થાપિત ઊર્જા
(absorbed) માત્રા (1 જૂલ/કિ.ગ્રામ)
3. સંતુલનાત્મક માત્રા સિ વર્ટ Sv વિકિરણની ગુણવત્તા
(equivalent dose) (Sie vert) (ક્ષમતા) પ્રમાણે
ભારવર્ધિત (weighted)
અવશોષિત માત્રા
4. અસરકારક સિ વર્ટ Sv સંસર્ગમાં આવતા
(effective) માત્રા અવયવની વદૃશ્યતા
(sensitivity) પ્રમાણે
ભારવર્ધિત સંતુલનાત્મક
માત્રા
5. સંચિત અસરકારક વ્યક્તિ Sv વસ્તી માટે દર્શાવાતી
માત્રા (collective) અસરકારક માત્રા

સારણી 2 : વીજચરકારક (ionizing) વિકિરણની સરેરાશ માત્રા

સ્રોતમૂળ (source) માત્રા
mSv ટકા
1. કુદરતી
(અ) રેડોન 2.0 55
(આ) બ્રહ્માંડીય (cosmic) 0.27 8
(ઇ) (terrestrial) 0.28 8
(ઈ) આંતરિક 0.39 11
કુલ કુદરતી સ્રોત મૂલ 2.94 82
2. કૃત્રિમ
ઍક્સ-રે-નિદાન 0.39 11
વિકિરણચિત્રણ (isotope scan) 0.14 4
વપરાશની વસ્તુઓ 0.10 < 0.3
વ્યાવસાયિક < 0.01 < 0.03
નાભિક (nuclear) ઈંધણચક્ર < 0.01 < 0.03
નાભિક બહિર્પાત (fallout) < 0.01 < 0.03
અન્ય < 0.01 < 0.03
કુલ કૃત્રિમ સ્રોતમૂલ 0.63 18
3. કુલ કુદરતી અને કૃત્રિમ સ્રોતમૂલ 3.6 100

વ્યાધિકરણની પ્રક્રિયાના વિવિધ તબક્કા સામાન્ય રીતે જે રીતે ક્રમશ: થાય છે. વિકિરણના સંસર્ગની થોડીક જ મિનિટોમાં કોષવિભાજન પામતા બીજાંકુરીય કોષો(germinal cells)ને ઈજા થાય છે. થોડા કલાકોથી થોડા દિવસોમાં તેને કારણે નવા પુખ્ત કોષોની પુરવણી ઘટે છે. તેથી અઠવાડિયામાં પેશીમાં કોષોની સંખ્યા ઘટે છે. પેશી અપક્ષીણતા (atrophy) પામે છે અને તેથી પેશીનું કાર્ય અસરગ્રસ્ત થાય છે. ત્યારબાદ મહિનાઓ પેશીમાં પુનર્રચનાલક્ષી કાર્ય થવાને કારણે કોષોનું પુનર્જનન, પુન:સંખ્યાવૃદ્ધિ અને પેશીની ક્રિયાશીલતા પૂર્વવત્ થાય છે; તેમ છતાં મહિનાઓ અને વર્ષો સુધી તંતુતા (fibrosis), ધમનીતંતુકાઠિન્ય (arteriosclerosis) તથા પેશીની ક્રિયાશીલતાની ઊણપ વર્તાયા કરે છે.

ચિહ્નો, લક્ષણો અને નિદાન : વીજચરકારી વિકિરણન(ionizing radiation)થી થતી ઈજાઓ જુદી જુદી પેશીમાં જુદા જુદા પ્રમાણમાં હોય છે; કેમ કે, જુદી જુદી પેશીનો માત્રા પ્રતિભાવ સંબંધ અલગ અલગ હોય છે. તેના કારણે તેનાં લક્ષણો, ચિહ્નો, સમયગાળો અને પરિણામ (prognosis) અલગ અલગ હોય છે (સારણી 3). જનીની વિકૃતિ અને કૅન્સરજનન સિવાયની અસરો કોષોના મોટા પ્રમાણમાં નાશ થવાથી થાય છે અને અમુક ચોક્કસ માત્રાથી વધુ પ્રમાણમાં વિકિરણન થાય તો જ થાય છે. આ ચોક્કસ માત્રાને ઉંબર-માત્રા (threshold dose) કહે છે. આવી પ્રતિક્રિયાને નિશ્ચિત રૂપ (deterministic અથવા non-stochastic) કહે છે; જ્યારે જનીની વિકૃતિ તથા કૅન્સરજનન આવી કોઈ ઉંબરમાત્રા સાથે સંબંધિત નહિ એવી પ્રતિક્રિયા છે; માટે તેમને અનિશ્ચિતરૂપ (stochastic) પ્રતિભાવ કહે છે. જોકે એવું મનાય છે કે ખૂબ અલ્પ માત્રાના ગાળામાં આ પ્રતિભાવો પણ અનિશ્ચિત રૂપનાં હોઈ શકે. સારણી 4માં વિકિરણજન્ય ઈજાથી થતી તકલીફો, સારવાર તથા પરિણામ દર્શાવ્યાં છે.

સારણી 3 : જુદી જુદી પેશીમાં થતી વિષમતાઓ વિકિરણનની ઉંબરમાત્રા અને વિકિરણનક્ષેત્ર

ક્રમ અવયવ 5 વર્ષે ઈજા ઉંબરમાત્રા વિકિરણક્ષેત્ર
(Gy) (સેમી.2)
1   2      3  4  5
1. ચામડી ચાંદું, અતિશયતંતુતા 55 100
(fibrosis)
2. મોંની શ્લેષ્મકલા ચાંદું, અતિશયતંતુતા 60 50
3. અન્નનળી ચાંદું, સંકીર્ણતા 60 75
(stricture)
4. જઠર ચાંદું, છિદ્ર પડવું 45 100
5. નાનું આંતરડું ચાંદું, સંકીર્ણતા 45 100
6 મોટું આંતરડું ચાંદું, સંકીર્ણતા 45 100
7. મળાશય ચાંદું, સંકીર્ણતા 45 100
8. લાળગ્રંથિ મુખરુક્ષતા (xeros- 50 50
tomia)  મોં સુકાવું
9. યકૃત યકૃત-નિષ્ફળતા, જળોદર 35 આખું અવયવ
10. મૂત્રપિંડ મૂત્રપિંડ તંતુકાઠિન્ય 2-3 આખું અવયવ
(nephrosclerosis)
11. મૂત્રાશય ચાંદું, સંકોચાઈ જવું 60 આખું અવયવ
12. શુક્રપિંડ કાયમી વ્યંધ્યત્વ 5-15 આખું અવયવ
13. અંડપિંડ કાયમી વ્યંધ્યત્વ 23 આખું અવયવ
14. ગર્ભાશય કોષનાશ (necrosis), > 100 આખું અવયવ
છિદ્ર પડવું
15. યોનિ (vagina) ચાંદું, સંયોગનળી (fistula) 90 5
16. સ્તન (બાળક) અલ્પવિકસન 10 5
17. સ્તન (પુખ્તવય) અપક્ષીણતા > 50 આખું અવયવ
(atrophy), કોષનાશ
18. ફેફસું ફેફસીશોથ- 40 એક ખંડ
(pneumonitis)-તંતુતા
19. કેશવાહિનીઓ વિસ્ફારિતા 50-60
(telangiectasia) તંતુતા
20. હૃદય પરિહૃદ્-કલાશોથ (pericarditis) 40 આખું અવયવ
પૂર્ણહૃદ્શોથ (pancarditis)
21. મગજ કોષનાશ 50 5
22. કરોડરજ્જુ કોષનાશ, આડછેદ 50 આખું અવયવ
(trans section)
23. આંખ પૂર્ણનેત્રશોથ 55 આખું અવયવ
(panophthalmitis)
લોહીવાળું
24. સ્વચ્છા (cornea) સ્વચ્છાશોથ (kerertitis) 50 આખું અવયવ
25. નેત્રમણિ મોતિયો 5 આખું અવયવ
26. અંત:કર્ણ બહેરાશ > 60 આખું અવયવ
27. ગલગ્રંથિ અલ્પક્રિયાશીલતા 45 આખું અવયવ
(thyroid gland)
28. અધિવૃક્ક અલ્પક્રિયાશીલતા > 60 આખું અવયવ
(adrenal)-ગ્રંથિ
29. પીયૂષિકા અલ્પક્રિયાશીલતા 45 આખું અવયવ
(pituitary) ગ્રંથિ
30. હાડકું (બાળક) વૃદ્ધિમાં અટકાવ 20 10
31. હાડકું (પુખ્ત વય) કોષનાશ, અસ્થિભંગ 60 10
32. કાસ્થિ (carti- વૃદ્ધિમાં અટકાવ 10 આખું અવયવ
lage) (બાળક)
33. કાસ્થિ (પુખ્ત વય) કોષનાશ 60 આખું અવયવ
34. સ્નાયુ (બાળક) અલ્પવિકસન 2030 આખું અવયવ
35. સ્નાયુ (પુખ્ત વય) અલ્પક્ષીણતા > 100 આખું અવયવ
36. અસ્થિમજ્જા અલ્પવિકસન 2 આખું અવયવ
37. અસ્થિમજ્જા અલ્પવિકસન-તંતુતા 20 સ્થાનિક
38. લસિકાગ્રંથિ અપક્ષીણતા 33-45
(lymphonode)
39. લસિકાવાહિની તંતુકાઠિન્ય (sclerosis) 50
(lympocytes)
40. ગર્ભશિશુ મૃત્યુ 2 આખું ગર્ભશિશુ
(foetus)

પૂર્ણકાય વિકિરણન(whole body radiation)ની ઈજા : 1 Sv જેટલા વિકિરણનો થોડોક સંસર્ગ ઉગ્ર વિકિરણન-સંલક્ષણ(acute radiation syndrome)નો વિકાર સર્જે છે. તેમાં સૌપ્રથમ થાક, અરુચિ, ઊબકા અને ઊલટીનાં પૂર્વલક્ષણો (prodrome) જોવા મળે છે. ત્યારબાદ થોડાક લક્ષણરહિતકાળ (latent period) પછી બીજો અને મુખ્ય તબક્કો શરૂ થાય છે; જેને અંતે ક્યાં તો સંલક્ષણ શમે છે અથવા મૃત્યુ નીપજે છે. આ મુખ્ય તબક્કામાં લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો, જઠર અને આંતરડામાં વિકાર, નસો અને ચેતાઓમાં વિષમતા તથા ફેફસાનો વિકાર થાય છે.

વિકિરણજન્ય વારસાગત (જનીનીય) વિકારો : પ્રાણીઓમાં વિકિરણનથી જનીની વિકૃતિઓ અને રંગસૂત્રીય વિષમતાઓ વારસાગત હોય એવું નોંધાયું છે. પરંતુ જાપાનમાં નંખાયેલા પરમાણુ-બૉમ્બ પછી જે જીવતા રહ્યા તેમની 76,000 સંતતિમાં છેલ્લા 4 દાયકામાં એક પણ વારસાગત વિકાર નોંધાયો નથી. તેથી હાલ મળતા આધારો પર એવું તારણ કઢાયેલું છે કે 1 Svની માત્રામાં વિકિરણન થાય તો માનવના પ્રજનનકોષોમાં વારસાગત જનીની વિકૃતિઓ બમણી થાય છે; તેથી કુદરતી પાર્શ્ર્વભૂ વિકિરણનથી થતા જનીની વિકારોનું પ્રમાણ 1 %થી વધુ રહેતું નથી.

કૅન્સરકારક અસરો : વિકિરણનના સંસર્ગ પછી ક્યારેક ઘણાં વર્ષોએ કેટલાક પ્રકારની સૌમ્ય કે કૅન્સરયુક્ત ગાંઠો વિકસે છે. મોટાભાગે તે 0.5 Svથી વધુ માત્રામાં વિકિરણનનો સંસર્ગ થયો હોય તો થાય છે. ગાંઠનો પ્રકાર વ્યક્તિની ઉંમર તથા લિંગ પર પણ આધાર રાખે છે. કેટલા સમયગાળા માટે વિકિરણનનો સંસર્ગ થયેલો હોવો જોઈએ અને કેટલા સમય પછી કૅન્સર થાય છે તે અંગે ચોક્કસ આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ પરમાણુબૉમ્બના ધડાકા પછી તે વિસ્તારમાં જીવિત રહેલી વ્યક્તિઓમાં નોંધાયેલા કૅન્સરને આધારે જુદા જુદા અવયવનાં કૅન્સર થવા અંગેનું કેટલું જોખમ છે તે ગણી કઢાયું છે. (સારણી 5). પ્રાણીઓ પરના પ્રયોગોએ દર્શાવ્યું કે જો ક્ષ-કિરણ કે ગૅમાકિરણનો સંસર્ગ લાંબો સમય રહે તો તેમની કૅન્સરકારક ક્ષમતા 2થી 10 ગણી ઘટે છે.

ગર્ભાવસ્થામાં વિકિરણનના સંસર્ગની અસરો : જો ભ્રૂણ-(embryo)નું અંત:સ્થાપન (implantation) ન થયેલું હોય તો તે વિકિરણનના સંસર્ગથી મૃત્યુ પામે છે; પરંતુ જો તે વધુ વિકસિત થયો હોય અને અવયવો બનવાનો – અવયવજનન(organogenesis)ના તબક્કામાં હોય તો અવયવો અને અંગોની કુરચના થાય છે. વિવિધ ઉપલબ્ધ આધારોએ દર્શાવ્યું છે કે ભ્રૂણ (પ્રાગર્ભ) અને ગર્ભશિશુ-(foetus)ને વિકિરણનનો સંસર્ગ થાય તો કૅન્સર થવાની સંભાવના રહે છે. જો 8માથી 15મા અઠવાડિયામાં અને અમુક અંશે 16થી 25મા અઠવાડિયામાં વિકિરણનનો સંસર્ગ થાય તો માત્રા (dose) પ્રમાણે માનસિક અલ્પવિકસન (mental retardation) વધે છે અને બુદ્ધિદલાંક (intelligence quotiant, IQ) ઘટે છે.

સારણી 5 : 0.1 Svની માત્રામાં ઝડપથી પ્રાપ્ત થયેલા વિકિરણનથી ઉદ્ભવતા કૅન્સર અંગેનું આજીવન જોખમ (life time risk)

કૅન્સરનું સ્થાન દર 10,000ની કૅન્સરથી
અથવા પ્રકાર વસ્તીએ વધતો મૃત્યુદર
સંખ્યા ટકા
1. જઠર 110 17
2. ફેફસું 85 2
3. મોટું આંતરડું 85 7
4. રુધિર-કૅન્સર* 50 14
5. મૂત્રાશય 30 12
6. અન્નનળી 30 8
7. સ્તન 20 2
8. યકૃત 15 8
9. જનનગ્રંથિઓ 10 3
10. ગલગ્રંથિ (thyroid) 8 40
11. હાડકાં 5 12
12. ચામડી 2 30
13. અન્ય 50 1
કુલ 500 3

*       તેમાં દીર્ઘકાલી લસિકાકોષી રુધિરકૅન્સર(chronic lymphatic leukaemia, CLL)નો સમાવેશ થતો નથી.

નિદાન : વિકિરણશીલતાના સંસર્ગનો સંભવિત દર્દી શેના કારણે અસરગ્રસ્ત થયો છે તે શોધી કાઢવું જરૂરી છે. ક્યારેક તે વિકિરણક્ષેત્રમાંનો વ્યાવસાયિક કે કર્મચારી હોય છે. તે સમયે તેણે પહેરેલા વિકિરણગ્રાહી ફિલ્મવાળા બેજ વડે તેના વિકિરણસંસર્ગની માત્રા નક્કી કરી શકાય છે. જો દર્દીને નિદાન માટે કે સારવાર માટે વિકિરણનાભિક(radionuclide)વાળું દ્રવ્ય અપાયું હોય તો તેની માત્રા જાણી લેવામાં આવે છે અથવા દર્દીના શરીરના વિવિધ ભાગોમાંની વિકિરણશીલતાને આધારે અંદાજિત સ્વરૂપે ગણી શકાય છે. સમસ્થાની વિકિરણચિત્ર(isotope scan)ની પ્રક્રિયામાં વિકિરણ નાભિકવાળા દ્રવ્યને અપાય છે. આવા દ્રવ્યને સમસ્થાની વિકિરણશીલ દ્રવ્ય (radio active isotope) કહે છે. ક્યારેક સારવાર માટે પણ આવું સમસ્થાની વિકિરણશીલ દ્રવ્ય અપાય છે. દર્દીનાં વિવિધ અંગો અને અવયવોની વિકિરણશીલતા માપવા માટેનાં ઉપકરણો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દર્દી થકાવટ, ભૂખ મરી જવી (અરુચિ), ઊબકા તથા ઊલટીની ફરિયાદ કરે તો તેને 1 Svથી વધુ માત્રામાં આખા શરીરનો સંસર્ગ થયો હોવાની સંભાવના રહે છે. ત્યારે ક્યારેક ચામડી, નેત્રકલા (conjunctiva) અને શ્લેષ્મકલા (mucosa) પર લાલાશ (રક્તિમા, erythema), લોહી વહેવું (રુધિરસ્રાવ, haemorrhage) તથા ચેપ (infection) લાગે છે. લોહીના લસિકાકોષો (lymphocytes) પ્રથમ 24 કલાકમાં ઘટે છે. પહેલા 24થી 48 કલાકમાં કણિકાકોષો (granulocytes) વધે છે. પરંતુ ત્યારબાદ 2થી 4 અઠવાડિયાંમાં તે ઘટે છે. દર્દીના લસિકાકોષોનું સંવર્ધન (culture) કરીને તેમનું કોષજનીનીય (cytogenetic) વિશ્લેષણ કરવાથી પણ વિકિરણનની કક્ષા અંગે માહિતી મળે છે.

સારવાર : સૌપ્રથમ દર્દીને તે વાતાવરણથી દૂર કરાય છે તેમજ વિકિરણશીલ દ્રવ્યો કે વસ્તુઓનો યોગ્ય નિકાલ કરાય છે. દર્દીને દાહ, ઈજા કે ધુમાડાની અસર થઈ છે કે નહિ તે જોઈ લેવાય છે અને જરૂરી સારવાર અપાય છે. ઉગ્ર વિકિરણીય સંલક્ષણ(acute radiation syndrome)ના વિકારમાં દર્દીને થતાં જે તે લક્ષણો અને ચિહ્નો પ્રમાણેની સારવાર અપાય છે તથા તેને બહુકોષી અલ્પતાવાળા રુધિરકૅન્સર(pancytopenic leukaemia)ના દર્દીની જેમ અસંસર્ગીય કક્ષ(isolation ward)માં રખાય છે અને ઍન્ટિબાયૉટિક ઔષધો તથા નસ વાટે પ્રવાહી અપાય છે; જેથી કરીને પાણી તથા ક્ષારોની ઊણપ મટે. 6થી 10 Sv વિકિરણનવાળા દર્દીઓમાં લોહીના કોષોની સંખ્યા વધારવા કોષસંધિકા-ઉત્તેજક ઘટકો (colony stimulating factors) અને આંતરશ્વેતિન (interleukin) નામના જૈવિક કોષગતિકો (cytokines) અપાય છે. 7થી 10 Svની માત્રા હોય તો અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplantation) જીવનરક્ષક બને છે.

જો સ્થાનિક ઈજા હોય તો તેના સ્થળ પ્રમાણે સારવાર અપાય છે. ચામડીમાં સામાન્ય રીતે લાદીસમ અધિચ્છદ (squamous epithilium) ખરી પડે છે. તેમાં યોગ્ય પાટાપિંડી કરાય છે. જરૂર પડ્યે મૃતપેશીને દૂર કરીને ચામડીનું નિરોપણ કરાય છે. જે ભાગમાં વિકિરણશીલ દ્રવ્ય વડે સંદૂષણ (contamination) થયું હોય તે ભાગને સાવચેતીપૂર્વક સાફ કરાય છે. મોં માટે કોગળા કરાય, નાક અને શ્વસનમાર્ગનું શોધન (lavage) કરાય, જઠરાંત્રમાર્ગ માટે જુલાબ અપાય વગેરે.

પૂર્વાનુમાન (prognosis) : વિકિરણશીલ દ્રવ્યજન્ય વિકારના અંત અંગે અનુમાન કરી શકાય છે. જો કુલ માત્રા 2 Svથી ઓછી હોય તો થોડીક સારવારની જરૂર પડે છે. 2થી 10 Svની માત્રા હોય તો યોગ્ય સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે. સ્થાનિક ઈજામાં જે તે ભાગના સ્થાન અને ઈજાની તીવ્રતા જાણવી જરૂરી છે. નાની ઈજા પછી થતી ઉગ્ર પ્રતિક્રિયા સામાન્ય રીતે મટે છે; પરંતુ જ્યારે પણ મોડેથી થતી પ્રતિક્રિયા જોવા મળે ત્યારે તે સતત વધતી રહે છે અને મટી શકતી નથી.

પૂર્વનિવારણ (prevention) : જનીનવિકૃતિ અને કૅન્સરકારક અસરો વિકિરણનની માત્રા સાથે સંબંધિત નથી માટે વિકિરણનનો શક્ય એટલો ઓછો સંસર્ગ મહત્ત્વની બાબત બને છે. તેથી બિનજરૂરી નૈદાનિક તપાસ ન કરાવવાનું સૂચવાય છે. વિકિરણક્ષેત્રના કર્મીઓએ રક્ષણ માટેનાં બધાં જ સૂચનો પાળવાં જરૂરી છે. તેમની વિકિરણની વર્ષ દરમિયાનની સમગ્રદેહી સંચિત માત્રા 50 m Svથી વધવી ન જોઈએ. વિકિરણક્ષેત્ર તથા વિકિરણ-ઉપકરણ માટેના કક્ષો(ખંડો)-વિસ્તારો વગેરેના બાંધકામમાં યોગ્ય પ્રકારની પૂર્વાલ્પના (design) તથા બાંધણીની ચીવટ હોવી જરૂરી ગણાય છે. વિકિરણ-ઉપકરણ સાથે કામ કરતા કર્મીઓના તે અંગેના શિક્ષણ અને પ્રશિક્ષણ તરફ ધ્યાન અપાવું જોઈએ. ઘરની અંદરના રેડૉનનો સંસર્ગ ઘટે તે તરફ પણ ધ્યાન આપવું જરૂરી ગણાય છે.

નિરયનકારી વિકિરણ (non-ionizing radiation) : તેમાં દૃદૃદૃશ્યમાન પ્રકાશ, પારજાંબલી કિરણો, અધર્રક્ત (infrared) કિરણો, સૂક્ષ્મ તરંગો (microwaves), અતિ સૂક્ષ્માવૃત્તિ (extremely low frequency), વીજચુંબકીય ક્ષેત્રો વગેરેનો સમાવેશ થાય છે.

દૃદૃશ્યમાન પ્રકાશમાં વીજચુંબકીય તરંગોની તરંગલંબાઈનો ગાળો 380 નૅનોમીટર(જાંબલી)થી 760 નૅનોમીટર (લાલ) હોય છે. જો દૃદૃશ્યમાન પ્રકાશ ઝાંખો હોય તો આંખોને તણાવ આપે છે. અને ક્યારેક ઋતુકાલીન ભાવજન્ય વિકાર (seasonal affective disorder) નામનો માનસિક વિકાર કરે છે. વધુ પડતો તીવ્ર પ્રકાશ દૃષ્ટિપટલ(retina)ને નુકસાન કરે છે. જોકે તેની સામે રક્ષણ માટે ‘અંજાઈ જવા’ની સ્થિતિ ઉત્પન્ન થાય છે; જેમાં વ્યક્તિ આંખ બંધ કરીને મોઢું ફેરવી લે છે. સૂર્યગ્રહણ સમયે તેની સામે જોતી વખતે જે વિશાળ અને તેજસ્વી પ્રકાશ હોય છે તે દૃષ્ટિપટલને નુકસાન કરી શકે છે. જો 0.1 mw/સેમી2નો સતત પ્રકાશ દૃષ્ટિપટલ પર લાંબો સમય પડે તો તે દૃષ્ટિપટલમાં તેજરસાયણી (photochemical) ભૂરા પ્રકાશની ઈજા કરે છે. જો ટૂંક સમય માટે 10w/સેમી2 જેટલો પ્રકાશ પડે તો તે પણ પ્રતિબિંબના કદ પ્રમાણે દૃષ્ટિપટલમાં દાહ કરે છે. તેથી સૂર્યગ્રહણ, કાર્બનચાપનો પ્રકાશ, લેઝર વગેરેનાં અવલોકનો માટે યોગ્ય પ્રશિક્ષણ, સાધનની સુરક્ષાયુક્ત પૂર્વાલ્પના (design) તથા નેત્રરક્ષક કાચ કે અન્ય પ્રકારની ઢાલ જેવી સંયોજના(device)ની જરૂર પડે છે.

પારજાંબલી વિકિરણન (ultraviolet radiation) 400 નૅનોમીટરથી ઓછી તરંગલંબાઈ ધરાવતા વીજચુંબકીય તરંગો છે. તેમને સગવડ માટે 3 ભાગમાં વહેંચાય છે  UVA અથવા શ્યામપ્રકાશ(black light)ની તરંગલંબાઈ 400થી 320 નૅનોમીટર છે, UVBની તરંગલંબાઈનો ગાળો છે 320થી 280 નૅનોમીટર અને UVCની તરંગલંબાઈનો ગાળો છે 280થી 100 નૅનોમીટર. તે શરીરની પેશીમાં પ્રવેશી શકતા નથી માટે પારજાંબલી કિરણોની અસર ચામડી અને આંખ પર જોવા મળે છે. સૂર્યપ્રકાશ તેનો મુખ્ય સ્રોતમૂળ છે. તે ઊંચાઈ, અક્ષાંશ અને ઋતુ પર આધાર રાખે છે. માનવસર્જિત સ્રોતમૂલોમાં ચામડી કમાવવા (tanning) માટેના દીવા, ધાતુસંધાન-ચાપ (welding arcs), વીજચાપ-ભઠ્ઠીઓ (electric arc furnaces), ઉષ્ણધાતુ(hot metal)નો ઉપયોગ, પારદબાષ્પ દીવો (mercury vapour lamp), કેટલાક પ્રકારનાં લેઝર-કિરણો વગેરે પારજાંબલી વિકિરણન કરે છે. આ ઉપરાંત પ્રદીપ્તન દીવા અને પ્રયોગશાળાનાં કેટલાંક સાધનો ઓછી તીવ્રતાવાળાં પારજાંબલી કિરણો સર્જે છે. શ્વેત ત્વચાવાળી વ્યક્તિઓમાં ચામડીને વધુ ઈજા થાય છે; દા.ત., સૂર્યદાહ (sunburns), ચામડીનાં કૅન્સર (તલકોષી basal cell અને લાદીસમ કોષીય  squamous cell  કૅન્સર તથા અમુક અંશે કૃષ્ણાર્બુદ – melanoma), ચામડીની રુક્ષતા, સૌર સુલંબિતા (solar elestosis) તથા સૌર શૃંગીસ્તરિતા (solar keratosis) વગેરે વિકારો થાય છે. આંખમાં થતી ઈજાને કારણે તેજસ્વચ્છાશોથ (photokeratitis) થાય છે, જેમાં કીકી પરના પારદર્શક આવરણ(સ્વચ્છા, cornea)માં સોજો આવે છે. આવું ધાતુસંધાન કરનારાને ટૂંકા પ્રકાશસંસર્ગથી તથા બરફવર્ષા (snow) પછી જમીન પર જામેલા સ્નો પરથી પરાવર્તિત થઈને આવતા તીવ્ર પ્રકાશથી થોડાક સમય માટે અંધાપો આવે છે. આ ઉપરાંત પારજાંબલી કિરણોને કારણે મોતિયો અથવા નેત્રવેલ (pterygium) થાય છે. પારજાંબલી કિરણો DNAમાં અવશોષાય છે અને પાયરિડિન દ્વિગુણકો (dimers) સર્જે છે; જે સંસર્ગમાં આવતા કોષોમાં જનીનીવિકૃતિ સર્જે છે. કૅફિન જેવાં દ્રવ્યો DNAના પુનર્ગઠન(repair)ની પ્રક્રિયામાં ખામી સર્જીને પારજાંબલી કિરણોની અસર વધારે છે. આવું ખાસ કરીને સવર્ણિત રુક્ષત્વચાવિકાર(xeroderma pigmentosa)માં થાય છે. કૅફિન પુનર્ગઠન માટેના ઉત્સેચકનું અવદમન કરે છે સોરાલેન્સ (psoralens), સલ્ફોનેમાઇડ્ઝ, ટેટ્રાસાઇક્લિન્સ, નેલિડિક્સિક ઍસિડ, સલ્ફૉનાયલ યુરિયા, થાયેઝાઇડ્ઝ ફિનોથાયેઝિન્સ, ફલ્યુરોક્યુમારિન્સ, વગેરે દવાઓ તેજસંવેદિતા (photosensitivity) વધારતી દવાઓ છે. તેઓ DNA સાથે સંયોજાઈને DNAનાં તેજગ્રાહી સંયોજનો (photo-products) બનાવે છે; જે પારજાંબલી કિરણોનું અવશોષણ વધારે છે. પારજાંબલી કિરણોની સીધી અસરથી તથા રોગપ્રતિરક્ષણની ક્રિયાના અવદાબનથી કૅન્સર ઉદ્ભવે છે. સૂર્યપ્રકાશમાંના UBA તરંગો વધુ તીવ્ર હોય છે અને તે ચામડીમાં કૅન્સર, કમાવવાની ક્રિયા, તેજસંવેદિતાની પ્રતિક્રિયાઓ તથા ચામડીના વૃદ્ધત્વની સ્થિતિ સર્જે છે. UVB કિરણો મુખ્યત્વે સૂર્યદાહ અને કૅન્સર સર્જે છે. ચામડીના ઊઘડતા રંગવાળી વ્યક્તિઓમાં પારજાંબલી કિરણોથી પોતાને રક્ષણ આપવું જરૂરી છે. તે માટે યોગ્ય કપડાં, મલમ કે ચામડી પર લગાવવાની પ્રવાહી દવા તથા ગૉગલ્સનો ઉપયોગ કરવો જરૂરી બને છે. વ્યાવસાયિક સંસર્ગ 1000 સેકન્ડમાં 1.0 મીલિ. w/સેમી2 (1.0 જૂલ/સેમી2)થી વધુ ન હોવો જોઈએ. ક્લૉરોફલ્યુરોકાર્બન અને હવાનાં અન્ય પ્રદૂષણોને કારણે ઓઝોનવાળા આવરણમાં 1 % જેટલો પણ ઘટાડો થાય તો પૃથ્વી પરના UV વિકિરણનમાં 2 %નો વધારો થાય છે અને તેથી કૃષ્ણાર્બુદ સિવાયના અન્ય કૅન્સરનું પ્રમાણ 2 %થી 6 % વધે છે. તેથી હવાનું પ્રદૂષણ ઘટાડવું અને ઘટેલું રાખવું જરૂરી ગણાય છે.

અર્ધરકત (infrared) વિકિરણન : વીજચુંબકીય કિરણોના વર્ણપટમાં 7 x 105 થી 3 x 102 મીટરની તરંગલંબાઈના ગાળામાં આવતાં કિરણોને અધર્રક્ત કિરણો કહે છે. તે મુખ્યત્વે ચામડી પર દાહ અને આંખમાં મોતિયો કરે છે. ભઠ્ઠીઓ, પક્વક (oven), ધાતુસંધાન ચાપ (welding arc), પ્રવાહીકૃત કાચ (molten glass) તથા ઉષ્મક દીવા(heating lamps)માંથી અધર્રક્ત કિરણો નીકળતાં હોય છે. ચામડી પર ગરમીને લીધે ઉદ્ભવતી સંવેદનાને લીધે ઘણી વખત દાઝી જવામાંથી બચી જવાય છે, પરંતુ આંખને ઈજા રોકવા માટેની કોઈ એવી વિશિષ્ટ સંવેદના નથી. તેથી કાચ ફુલાવનારા અથવા કાચધ્માકો (glass blowers), લુહારો, પક્વક અધિકર્મીઓ (oven operators) તથા ઉષ્મક અને શુષ્કક (drying) દીવા વાપરનારાઓને તેનું જોખમ રહે છે. તેમને મોતિયો થવાની સંભાવના રહે છે. તેથી તેની સામે રક્ષણ માટે જે તે સાધનના અર્ધરક્ત સ્રોતમૂળને યોગ્ય રીતે ઢાંકેલો રાખે તેવો હોવો જોઈએ, તે વાપરનારાઓને યોગ્ય પ્રશિક્ષણ અપાયેલું હોવું જોઈએ અને તેમણે સંરક્ષક કપડાં અને ચશ્માં પહેરેલાં હોવાં જરૂરી છે.

સૂક્ષ્મતરંગ વિકિરણ (microwave radiation) : સૂક્ષ્મ તરંગોવાળા અને સંકેતાંશુ કિરણો(radio frequency rays)ની આવૃત્તિ (frequency) 3 KHzથી 300 GHz વચ્ચે હોય છે તેઓ પણ વીજચુંબકીય વર્ણપટના જ તરંગો છે. તેઓ ચામડી પર તથા અન્ય પેશીને દાહ પહોંચાડે છે. તેઓ હૃદયના ધબકારા સર્જતા હૃદ્ગતિપ્રેરક (pacemaker) તથા અન્ય તબીબી સંયોજનાઓ(devices)ના કાર્યમાં પણ વિક્ષેપ આણે છે. આ વિકિરણો સંકેતશોધક (radar), દૂરભાસક (television), દૂરભાષક (radio), અન્ય દૂરસંકેતાયન (telecommunication) પ્રણાલીઓ, વિવિધ પ્રકારના ઔદ્યોગિક અધિકર્મનો (operations) જેવાં કે ગરમ કરવું, ધાતુસંધાન કરવું, ધાતુઓને ઓગાળવી, લાકડાં અને પ્લાસ્ટિક પર પ્રક્રિયા (process) કરવી, ઘરવપરાશનાં સાધનો (દા.ત., સૂક્ષ્મતરંગ-પક્વક, microwave oven), ચિકિત્સીય પ્રક્રિયાઓ કરવી, જેવી કે પારોષ્મન (diathermy) અને અતિઉષ્મન (hyperthermia) વગેરેમાં વપરાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મતરંગ અને સંકેતાંશુ કિરણોને કારણે આકસ્મિક રીતે અતિઉષ્મનને કારણે ચામડી પર દાહ, અંદરની પેશીને ઈજા તથા મૃત્યુ થયાના દાખલા નોંધાયેલા છે. તેવી રીતે ઘરવપરાશમાં કે ચિકિત્સીય કાર્યોમાં ક્ષતિયુક્ત સાધનો કે ઉપયોગ કરવામાં થયેલી ક્ષતિને કારણે ક્યારેક દાઝવાના બનાવો બનેલા છે. આવું ખાસ કરીને જે તે વ્યક્તિની સંવેદનાઓ કોઈ કારણસર વિકારયુક્ત થયેલી હોય તો થાય છે. અન્ય વિષમતાઓ અંગે નોંધ પ્રકાશિત થયેલી છે; પણ તે સાબિત નથી થઈ. તેમાં મોતિયો થવો, ચેતાવર્તનલક્ષી વિકારો, રોગપ્રતિકારકતામાં ઘટાડો અને કૅન્સરના વધેલા જોખમનો સમાવેશ થાય છે. આ કિરણો શરીરમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે અને તેઓ મુખ્યત્વે ગરમી ઉત્પન્ન કરીને જોખમ કરે છે. તેમની સામે રક્ષણમાં જે તે સાધનોની યોગ્ય પૂર્વાલ્પના (design), યોગ્ય જાળવણી અને ક્ષતિપૂરણ, વાપરનારાઓનું પ્રશિક્ષણ તથા સંરક્ષક કપડાં વગેરેનો ઉપયોગ વગેરે વિવિધ બાબતોનું ધ્યાન રખાય છે. જો વ્યક્તિ હૃદ્ગતિપ્રેરક કે અન્ય એવી સંયોજના વાપરતો હોય તો તેને આ પ્રકારનાં વિકિરણોનો સંસર્ગ ન થાય તે જોવાય છે. સામાન્ય રીતે 10w/સેમી2થી વધુ ઊર્જા-ઘનતા (power density) હોય તો આ વિકિરણો જોખમ સર્જે છે માટે તેમની ઊર્જાને તે રીતે નિયંત્રિત કરીને તેમનો સંસર્ગ ઘટાડાય છે.

અતિલઘુ-આવૃત્તિમય (extremely low frequency) વીજચુંબકીય ક્ષેત્રો : 1થી 3000 Hzની આવૃત્તિવાળાં ક્ષેત્રોનો તેમાં સમાવેશ કરાય છે. તેમાં એકાંતરિત વીજપ્રવાહ(alternate current)ની વિતરણપ્રણાલી અને તેનાથી ચાલતાં ઉપકરણોમાં સર્જાતાં 50થી 60 Hzનાં વીજચુંબકીય ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. આ વીજક્ષેત્રોના સંસર્ગથી કોઈ હાનિ થતી હોય એવું જાણમાં નથી, પરંતુ તે પણ પ્રજનનલક્ષી અને કૅન્સરકારક અસરો કરે છે એવું સૂચવતી કેટલીક માહિતી મળેલી છે. પૃથ્વી આવા અતિલઘુ-આવૃત્તિમય વીજચુંબકીય ક્ષેત્રથી આવરણ પામેલી છે. વળી વીજપ્રવાહ માટેના તારનાં દોરડાં, વીજપરિવર્તકો (transformers), ચક્રચાલકો (motors), ઘરવપરાશનાં સાધનો, લઘુચિત્રપટ પ્રનિદર્શિકા (video display tube), વિવિધ તબીબી સાધનો (દા.ત., નાભિક ચુંબકીય અથવા ચુંબકીય અનુનાદી ચિત્રણપ્રણાલી – MRI) વગેરે પણ સ્થાનિક અતિલઘુ-આવૃત્તિમય ક્ષેત્રો સર્જે છે. આવાં સ્થાનિક ક્ષેત્રો કુદરતી ક્ષેત્રો કરતાં વધુ ઊર્જામય હોય છે. વધુ શક્તિશાળી ક્ષેત્રો ચેતા, ચેતા-સ્નાયુસમૂહ, હૃદય અને હૃદ્ગતિપ્રેરક (pacemaker) જેવા વીજસક્રિયતા ધરાવતાં ઉપકરણો અને પેશીઓનાં કાર્યને અસરગ્રસ્ત કરી શકે છે તથા શરીરનું તાપમાન પણ વધારી શકે છે. આ અંગે હજુ સાબિત ન થઈ હોય તેવી કેટલીક કૅન્સરકારકતા કે ગર્ભપાતકારકતા અંગેની માહિતી ઉપલબ્ધ છે; જોકે હાલ તે અંગે ખાસ વિશેષ સુરક્ષા સંબંધિત સૂચનો નથી; પરંતુ હૃદયના ધબકારા નિયમિતપણે થયા કરે તે માટે વપરાતા હૃદ્ગતિપ્રેરક (pacemaker) હોય તેવા દર્દીને 0.5 mTથી વધુ શક્તિશાળી વીજચુંબકીય ક્ષેત્રો (વીજ-પરિવર્તકો, પ્રવેગકો  accelerators , MRI) વગેરેથી દૂર રહેવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ