વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા.

તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ કર્યો અને તત્કાલીન સાહિત્યિક સામયિકોમાં વિપુલ પ્રદાન કર્યું. ડોગરી ઉપરાંત હિંદી ભાષામાં ટૂંકી વાર્તાની સ્પર્ધામાં તેમણે અનેક ઇનામો મેળવ્યાં.

તેમની નવલકથા ‘ફૂલ વિના ડાળી’ માટે તેમને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ તેમની છેલ્લી કૃતિ છે. તેમાં ડુગ્ગરની સામાજિક સમસ્યાઓ અને વિવિધ વિપરીત પરિબળોનો હિંમતપૂર્વક સામનો કરનાર ડોગરા યુવતીના માનસિક અભ્યાસનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે. લોકો દ્વારા રોજે- રોજના પ્રશ્નોના કરાતા સામનાની નવલકથાકારે રૂઢિપ્રયોગભરી ડોગરી ભાષામાં સફળ ગૂંથણી કરી છે. જમ્મુના ડુંગરાળ પ્રદેશના વિવિધ સ્થાનિક પ્રશ્નોની અધિકૃત પણ આકર્ષક રજૂઆતમાં નવલકથાનું લાવણ્ય જોવા મળે છે. ‘ફૂલ વિના ડાળી’ કૃતિ ડોગરી સાહિત્યની સિદ્ધિ અને સમૃદ્ધિના બળવાન સંકેતરૂપ હોઈ ડોગરી સાહિત્યમાં તેનું મહત્ત્વ છે.

બળદેવભાઈ કનીજિયા