વિંદા કરંદીકર (. 23 ઑગસ્ટ 1918, ઢાલવાલ, જિ. સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2010, મુંબઈ) : વિખ્યાત મરાઠી કવિ, લઘુનિબંધકાર, વિવેચક તથા સમર્થ ભાષાંતરકાર. આખું નામ ગોવિંદ વિઠ્ઠલ કરંદીકર. ‘વિંદા’ એ તેમનું તખલ્લુસ છે. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં. અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ વિશ્વવિદ્યાલયની બી.એ. (1939) તથા એમ.એ.(1946)ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં શાળામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું; પરંતુ તેમની મોટાભાગની વ્યાવસાયિક કારકિર્દી મુંબઈની રામનારાયણ રૂઈયા તથા સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી(SIES)ની સાયન ખાતેની કૉલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકેની રહેલી છે.

શાળાના તેમના એક શિક્ષક કવિ નાગેશ નવરેની પ્રેરણાથી શિક્ષણકાળ દરમિયાન કરંદીકરે કાવ્યરચનાની શરૂઆત કરી. મરાઠીના સમર્થ કવિ તથા 1990ના વર્ષના જ્ઞાનપીઠ પુરસ્કારના વિજેતા ‘કુસુમાગ્રજ’ ઉર્ફે વિષ્ણુ વામન શિરવાડકરની કવિતાથી તે શરૂઆતથી જ અત્યંત પ્રભાવિત થયા હતા. કૉલેજમાં દાખલ થયા પછી તેમના અંગ્રેજીના પ્રોફેસર વાય. જી. નાયકના પ્રોત્સાહનથી તેમણે અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ હાથ ધર્યો. મરાઠીના વિખ્યાત કવિ માધવ જૂલિયન (1894-1939) તેમને અંગ્રેજી કવિતા શીખવતા. જેના પ્રભાવ હેઠળ વિંદા કરંદીકર માટે કાવ્યસર્જન જીવનની મુખ્ય પ્રવૃત્તિ બની રહી.

તેમના વિદ્યાવ્યાસંગમાં અંગ્રેજી કવિતા, લલિત તથા વિવેચન-સાહિત્ય, તાત્ત્વિક વિષયોનું મનન અને ચિંતન, પાશ્ચાત્ય દર્શનગ્રંથો, સૌંદર્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર; માર્કસ, ગાંધી, સાવરકર જેવાની વિચારસરણી વગેરે અનેક વિષયો હતા. સામ્યવાદી વિચારસરણીને લગતા અનેક ગ્રંથો વાંચ્યા પછી તેમની વિચારધારા ડાબેરી ઝોક સાથે સ્થિર થઈ એમ કરંદીકર પોતે સ્વીકારે છે; એટલું જ નહિ, પરંતુ સાહિત્યકાર તરીકેના તેમના વ્યક્તિત્વના ઘડતરમાં તેમનો વિદ્યાવ્યાસંગ પ્રેરક, પોષક અને નિર્ણાયક બન્યો છે. ફુલબ્રાઇટ સ્કૉલર તરીકે તેમણે અમેરિકાની તથા પુશ્ક્ધિા સ્મૃતિ ઉત્સવ હેઠળ સોવિયેત સંઘની મુલાકાત લીધી હતી.

કાવ્યસર્જન આશરે 1939થી 2004 સુધી સતત ચાલુ રહ્યું છે. કાવ્યના ક્ષેત્રે ‘સ્વેદગંગા’ (1949), ‘મૃદગંધ’ (1954), ‘ધ્રુપદ’ (1959), ‘જાતક’ (1968), ‘વિરૂપિકા’ (1981); બાળકાવ્યક્ષેત્રે ‘રાણીચી બાગ’ (1961), ‘એકદા કાય ઝાલે !’ (1961), ‘સશાચે કાન’ (1963), ‘પરી ગ પરી’ (1965), ‘અજબખાના’ (1974) વગેરે; લઘુનિબંધક્ષેત્રે ‘સ્પર્શાચી પાલવી’ (1958) અને ‘આકાશાચા અર્થ’ (1965); વિવેચનક્ષેત્રે ‘પરંપરા આણિ નવતા’ (1967); ભાષાંતરક્ષેત્રે ‘એરિસ્ટોટલચે કાવ્યશાસ્ત્ર’ (1957), ‘ફાઉસ્ટ’ (જર્મન કવિ ગટેરચિત નાટ્યકાવ્ય, ભાગ પહેલો, 1965), ‘રાજા લિયર’ (1974), ‘જ્ઞાનેશ્વરાંચા અમૃતાનુભવ  અર્વાચીનીકરણ’ (1981) જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. ‘એ ક્રિટિક ઑવ્ લિટરરી વૅલ્યૂઝ’ (1997) તેમનો વિવેચનગ્રંથ છે. બાળકો માટે તેમણે ઘણાં કાવ્યો લખ્યાં છે, જે સંગ્રહ રૂપે પ્રકાશિત પણ થયાં છે. 1991માં તેમણે સાહિત્ય અકાદમીની નિશ્રામાં સંવત્સરી-વ્યાખ્યાન આપેલું. સતત પ્રયોગશીલ રહેલા ચિંતનશીલ કવિ તરીકે મરાઠી સાહિત્યમાં તેમનું સ્થાન આગવું અને કાયમી બન્યું છે. તેમનાં કેટલાંક પુસ્તકોના અંગ્રેજીમાં અનુવાદ થયા છે.

તેમને 1970માં ‘સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ’, 1991માં મધ્યપ્રદેશ સરકારનું ‘કબીર સન્માન’, 1992માં ‘કુમારન આશન પુરસ્કાર’, 1993માં ‘કોણાર્ક સન્માન’ તથા 1998માં ‘કેશવસુત પુરસ્કાર’થી તેમને નવાજવામાં આવ્યા છે. 1994માં તેમને ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ દ્વારા ‘ડૉક્ટર ઑવ્ લિટરેચર’ની માનાર્હ પદવી એનાયત કરવામાં આવી હતી. 1996માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો તરીકે તેમની વરણી થઈ હતી.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે