વિંધ્ય પર્વતો (ભૂસ્તરીય) : ભારતના મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી પર્વતમાળા. ગંગાના મેદાનની દક્ષિણેથી ધીમે ધીમે ક્રમશ: ઊંચાઈ પ્રાપ્ત કરતો જતો ખડકાળ પ્રદેશ મધ્ય ભારતના ઉચ્ચપ્રદેશમાં પરિણમે છે. ઇંદોર, ભોપાલ, બુંદેલખંડ વગેરે પ્રદેશોનું ભૂપૃષ્ઠ વિંધ્ય પર્વતમાળાના વિસ્તારોથી બનેલું છે. વિંધ્ય પ્રદેશની દક્ષિણ સરહદ પર સમુત્પ્રપાતો(escarpments)ની શ્રેણી આવેલી છે, તેનાથી વિંધ્ય પર્વતોનું તેમજ કૈમુર હારમાળા તરીકે ઓળખાતું તેમનું પૂર્વ તરફનું અનુસંધાન બનેલું છે. આ પર્વતોની ઊંચાઈ સ્થાનભેદે સમુદ્રસપાટીથી 760 મીટર અને 1,220 મીટર વચ્ચેની છે.

ભૂસ્તરીય વયના સંદર્ભમાં જોતાં, વિંધ્ય પર્વતમાળાનો મોટો ભાગ પ્રાગ્જીવયુગ(પ્રોટેરોઝોઇક કાળ)ના ક્ષૈતિજ સ્તરરચનાવાળા જળકૃત ખડકોથી બનેલો છે. આ ખડકો વયમાં સ્કૉટલૅન્ડના ટોરિડોનિયન રેતીખડકને સમકાલીન છે. વિંધ્ય રચનાથી બનેલા વિંધ્ય પર્વતોમાં મુખ્યત્વે રેતીખડક, શેલ અને ચૂનાખડકો જોવા મળે છે. તેમની જાડાઈ 4,220 મીટર જેટલી છે. ઉત્તર ભારત અને દખ્ખણની ડુંગરધારો આ ખડકોથી બનેલી છે, જે સામૂહિક રીતે વિંધ્ય પર્વતો તરીકે ઓળખાય છે, તે દેશના 1,03,600 ચો.કિમી.થી વધુ વિસ્તારને આવરી લે છે. પશ્ચિમ બિહારના સસારામ અને રોહતાસથી માંડીને બુંદેલખંડના મધ્યભાગને બાદ કરતાં રાજસ્થાનના ચિતોડગઢ સુધી આ રચનાના ખડકો વિસ્તરેલા છે. વિંધ્યખડકોનો મોટો ભાગ ડેક્કન ટ્રેપ ખડકોથી ઢંકાઈ ગયેલો છે. આગ્રા અને નીમચ વચ્ચેના પ્રદેશમાં આ ખડકોના વિવૃત ભાગો વધુ પહોળાઈવાળા બને છે. અરવલ્લીની અગ્નિસીમા પર રાજસ્થાનનો મહાસીમા સ્તરભંગ જોવા મળે છે, જે નવા વયના વિંધ્ય ખડકોને જૂની વયની અરવલ્લી-રચનાની સન્મુખ લાવી મૂકે છે. તેની દક્ષિણે આવેલી સાતપુડાની ટેકરીઓથી વિંધ્ય પર્વતોની સરહદ પૂરી થતી ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા