વાસ્તવવાદ (તત્વજ્ઞાન) : દેશકાળમાં ઉપસ્થિત જગતની ભૌતિક વસ્તુઓ તમામ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એવી માન્યતા ધરાવતો તત્વજ્ઞાનના ક્ષેત્રે પ્રચલિત મત. વાસ્તવવાદ (realism) પ્રમાણે આવી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી બાહ્ય વસ્તુઓના ગુણધર્મો કે તેના પરસ્પરના સંબંધો જ્ઞાતાના મનમાં તેને વિશેની વિભાવનાઓથી કે જ્ઞાતા તેને જે રીતે ભાષામાં વ્યક્ત કરે છે તે ભાષાથી પણ સ્વતંત્ર રીતે પ્રવર્તે છે. એટલે કે દેશકાળમાં પ્રવર્તતી વિશેષ બાહ્ય વસ્તુઓ (ખડક, ચન્દ્ર, વૃક્ષ, પર્વત, મકાન વગેરે) જ્ઞાતાને થતાં તે વસ્તુઓના અનુભવોથી તદ્દન સ્વતંત્ર છે. જ્ઞાતાને તેના અનુભવો થાય ત્યારે અને તેના અનુભવો ન થતા હોય ત્યારે પણ વસ્તુઓ તો જે રૂપે અસ્તિત્વમાં હોય તે રૂપે જ અસ્તિત્વમાં રહે છે.
દેશકાળમાં અનુભવાતી વિશિષ્ટ વસ્તુઓ (particulars) ઉપરાંત કેટલાક ફિલસૂફો(જેમ કે, પ્લેટો)ની દૃષ્ટિએ સામાન્ય તત્વો (universals) પણ મનોબાહ્ય, ભાષાબાહ્ય અને દેશકાળથી પર એવું તાત્ત્વિક, વાસ્તવિક અસ્તિત્વ ધરાવે છે; દા.ત., આ કે તે વૃક્ષ. આ કે તે મનુષ્ય વિશેષો તરીકે અસ્તિત્વમાં છે જ, પણ વિશેષ વૃક્ષો કે વિશેષ મનુષ્યો ઉપરાંત વૃક્ષત્વ, મનુષ્યત્વ વગેરે સામાન્યો પણ સ્વતંત્ર અલાયદું અસ્તિત્વ ધરાવે છે. આ મતને ‘સામાન્યો વિશેનો વાસ્તવવાદ’ એ રીતે ઓળખવામાં આવે છે. અહીં આધુનિક જ્ઞાનમીમાંસાના સંદર્ભમાં રજૂ થયેલા વાસ્તવવાદનું નિરૂપણ કરાયું છે.
વાસ્તવવાદના પ્રકારો : વાસ્તવવાદના મુખ્ય બે પ્રકારો છે – સીધો વાસ્તવવાદ (direct realism) અને પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદ (representative realism).
બાહ્ય વસ્તુ પોતે જ આપણા અનુભવનો સાક્ષાત્ (direct) વિષય છે તેવો મત સીધો બાહ્ય વસ્તુગ્રાહક વાસ્તવવાદ છે. થૉમસ રીડે આ મત રજૂ કર્યો છે.
બાહ્ય વસ્તુ પોતે નહીં, પણ બાહ્ય વસ્તુ દ્વારા જ્ઞાતાના મનમાં ઊઠતા જ્ઞાનના આકારો, જ્ઞાનસામગ્રી કે સંવેદનસામગ્રી (sense-data, ideas) – એ જ આપણા અનુભવોનો તત્કાલ વિષય છે અને તે બાહ્ય વસ્તુનું પ્રતિનિધાન (representation – પ્રતિબોધન) કરે છે તેવો મત પ્રતિનિધાનવાદી વાસ્તવવાદ છે. જ્હૉન લૉકે આ મત રજૂ કર્યો છે.
બંને વાસ્તવવાદમાં સમાનતા એ છે કે બંનેમાં બાહ્ય ભૌતિક વસ્તુ જ્ઞાતાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એ હાર્દરૂપ માન્યતા સ્વીકારવામાં આવી છે.
બંને વાસ્તવવાદમાં ભિન્નતા એ છે કે પ્રતિનિધાનવાદી વાસ્તવવાદ મુજબ બાહ્ય વસ્તુ પોતે જ જ્ઞાનનો તત્કાલ સાક્ષાત વિષય બનતી નથી, પણ તેને લીધે ઉદ્ભવતી તેના પ્રતિનિધિરૂપ જ્ઞાનસામગ્રી જ્ઞાતા માટેનો સીધો વિષય બને છે. જ્યારે સીધા વાસ્તવવાદ મુજબ બાહ્ય વિષય પોતે જ સીધો જ્ઞાનનો વિષય બને છે.
- પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદ (representative realism) – જ્હૉન લૉક :
આ પ્રકારના વાસ્તવવાદમાં બાહ્ય ભૌતિક જગતની વસ્તુઓની સ્વતંત્ર સત્તા (reality) તો સ્વીકારવામાં આવે જ છે પણ તેમાં એમ પણ સ્વીકારાયું છે કે બાહ્ય વસ્તુનું પ્રતિનિધાન કરતા, તેમનું પ્રતિબિંબ પાડતા જ્ઞાનના આકારો(સંવેદનસામગ્રી, વિચાર વગેરે)ને જ આપણે સીધેસીધી રીતે અનુભવીએ છીએ અને તેના દ્વારા જ બાહ્ય વસ્તુને જાણીએ છીએ; દા.ત., દૂરદર્શન ઉપર ભારતના રાષ્ટ્રપતિના ભાષણનું સીધું પ્રસારણ આપણે જોતા હોઈએ તો આપણે તે દૂરદર્શન ઉપર દેખાતાં દૃદૃશ્યોને સીધેસીધાં જોઈએ છીએ અને તેના દ્વારા જ રાષ્ટ્રપતિને જોઈએ છીએ. એક અર્થમાં આપણે રાષ્ટ્રપતિને તે સમયે પ્રત્યક્ષ (રૂબરૂ) જોતા નથી અને છતાં એક અર્થમાં આપણે એ દૃશ્યો દ્વારા તેમને જ જોઈએ છીએ. તેવી જ રીતે પ્રતિનિધાનવાદ મુજબ આપણે સંવેદનસામગ્રીને જ સીધેસીધી રીતે માનસિક વિષય (object) તરીકે અનુભવીએ છીએ અને તેના વડે બાહ્ય ભૌતિક વસ્તુને અનુભવીએ છીએ. લૉક અને ડેકાર્ટે જ્ઞાતા અને બાહ્ય ભૌતિક વસ્તુ વચ્ચે જે વસ્તુની પ્રતિનિધિરૂપ જ્ઞાનસામગ્રી/જ્ઞાનપ્રક્રિયા ધારી હતી તેને તેઓ વિશાળ અર્થમાં ‘ideas’ તરીકે સમજાવતા હતા. નવા ચિંતકોએ તેને માટે sense-data શબ્દ પ્રયોજ્યો છે, પરંતુ મુદ્દો એ જ છે કે વિશાળ અર્થમાં, ideas એટલે કે સંવેદનો, પ્રતિમાઓ, વિચારો વગેરે જ આપણે માટે અનુભવનો તત્કાલ (immediate) વિષય છે; બાહ્ય વસ્તુ પોતે નહિ. આ મત પ્રતિનિધાન દ્વારા વસ્તુબોધન સ્વીકારે છે, સાક્ષાત્ વસ્તુબોધન નહિ.
વસ્તુને માનસિક વિષય દ્વારા ગ્રહણ કરનાર મતને એટલે કે પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદને હવે સમીક્ષાત્મક વાસ્તવવાદ પણ કહેવામાં આવે છે. આ મત પ્રમાણે આપણા કેટલાક અનુભવો ચોકસાઈપૂર્વક બાહ્ય વસ્તુનું પ્રતિબિંબ પાડે છે અને કેટલાક બાહ્ય વસ્તુઓ કે ઘટનાઓનું ચોકસાઈપૂર્વકનું પ્રતિબિંબ પાડતા નથી. ભ્રમ, વિભ્રમ વગેરેનો ખુલાસો આવો ભેદ પાડ્યા વગર સમજાવી શકાતો નથી.
જ્હૉન લૉકે દર્શાવ્યું છે કે આપણે મૂળ ગુણો (primary qualities) અને ગૌણ ગુણો(secondary qualities)નો ભેદ સમજવો જોઈએ. જે ગુણો વસ્તુમાં છે તે તેના મૂળ ગુણો છે. જે ગુણો આપણને વસ્તુના ગુણો તરીકે અનુભવાય છે, પરંતુ ખરેખર જે ગુણો વસ્તુમાં પોતાનામાં નથી; પણ જ્ઞાતાના અનુભવોમાં જ છે તે ગુણોને ગૌણ ગુણો ગણવામાં આવ્યા છે. રંગ, સ્વાદ, ગંધ, શીતતા, ઉષ્ણતા, ધ્વનિ વગેરે આ ખાસ અર્થમાં ગૌણ ગુણો છે. તે જ્ઞાતા-સાપેક્ષ છે; દા.ત., લીંબુ પોતે ઍસિડિક (acidic) છે, પણ લીંબુ પોતે પીળું કે ખાટું નથી. તે તો જ્ઞાતાના અનુભવોમાં એ રીતે આવે છે. લીંબુની acidity તેનો કોણ સ્વાદ કરે છે તેના ઉપર આધાર રાખતી નથી, પણ લીંબુની ખટાશ જરૂર તેને કોણ ચાખે છે તેના ઉપર આધારિત છે. વસ્તુનું કદ, આકાર, તેની સ્થિતિ, ગતિ વગેરે તેના મૂળ ગુણો છે.
મહત્વની વાત એ છે કે મૂળ ગુણો અને ગૌણ ગુણો – બંનેને લગતી સંવેદનસામગ્રી આપણાં મનમાં ઉદ્ભવે છે, પણ લોક મુજબ માત્ર મૂળ ગુણોને લગતી સંવેદનસામગ્રી જ તે ગુણોનું પ્રતિનિધાન કરે છે, જ્યારે ગૌણ ગુણોને લગતી સંવેદનસામગ્રી (કે વિચારો) તે ગુણોનું પ્રતિનિધાન કરતી નથી; કારણ કે ગૌણ ગુણો વસ્તુઓમાં હોતા જ નથી; પણ વસ્તુના મૂળ ગુણોને લીધે જ્ઞાતામાં તે રૂપે અનુભવાય છે.
લૉક મુજબ, વસ્તુમાં રહેલા મૂળ ગુણો (આકાર, વિસ્તાર, ઘનતા, સ્થિતિ, ગતિ વગેરે) વસ્તુગત ગુણો છે. વસ્તુઓમાં ન રહેતા, પણ જ્ઞાતાને જ અનુભવાતા ગૌણ ગુણો (રંગ, સ્વાદ, ગંધ, શીતતા, ઉષ્ણતા, ધ્વનિ વગેરે) જ્ઞાનાગત (subjective) છે. મૂળ ગુણોનું પ્રતિબોધન કે પ્રતિનિધાન કરતી સંવેદનસામગ્રી જ્ઞાતામાં ઉદ્ભવે છે તે પણ લૉક સ્વીકારે છે; પરંતુ લૉક મુજબ વસ્તુના પોતાના ગૌણ ગુણો અને તેનું પ્રતિનિધાન કરતી જ્ઞાતામાં ઉદ્ભવતી જ્ઞાનસામગ્રી એવો ભેદ પાડવાની જરૂર નથી, કારણ કે વસ્તુની અંદર તેવા કોઈ ગૌણ ગુણો હોતા જ નથી.
વસ્તુના પ્રાથમિક અને ગૌણ ગુણોના ભેદ દ્વારા લૉકે સીધા વાસ્તવવાદનો અસ્વીકાર કર્યો છે. તેમણે પ્રતિબોધનવાદી (representative) વાસ્તવવાદ રજૂ કર્યો છે. આ મતને લીધે આપણા કેટલાક અનુભવો ભ્રમયુક્ત ન હોવા છતાં વસ્તુ જે રૂપમાં છે તે રૂપમાં જ તેનું ગ્રહણ શા માટે નથી કરાતું તેની સમજૂતી આપી શકાય છે. આ રીતે વાસ્તવવાદનો વિજ્ઞાન સાથે પણ મેળ પાડી શકાય છે. રંગ, સ્વાદ, ગંધ, સ્પર્શ વગેરે ગુણોને જ્ઞાતાસાપેક્ષ ગૌણ ગુણો તરીકે સ્વીકારવાથી આપણા તમામ અનુભવો વસ્તુને તેના તમામ ગુણધર્મો સાથે સીધેસીધી રીતે જાણે છે તે મત રદ થાય છે.
- સીધો વાસ્તવવાદ – થૉમસ રીડ (1710-1796) :
સ્કૉટિશ ચિંતક રીડ (Reid) સર્વસામાન્ય સમજણ ‘કૉમન સેન્સ’ ના પક્ષકાર એવા સીધા વાસ્તવવાદી (direct realist) ચિંતક હતા. તેઓ લૉકના પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદને સ્વીકારતા નથી.
જ્ઞાતા બાહ્ય વસ્તુને સીધેસીધી રીતે જાણે છે. બાહ્ય વસ્તુ પોતે જ જ્ઞાતાના અનુભવોનો તત્કાલ વિષય છે. વિચારોસંવેદન-સામગ્રી વગેરે જેવી બાબતોને માનસિક વિષયો તરીકે સ્થાપીને મન પહેલાં માનસિક વિષયો(mental objects)ને જાણે છે અને તેના વડે બાહ્ય વસ્તુને જાણે છે તેવું સ્વીકારવા રીડ તૈયાર નથી. જ્ઞાતાનું મન સીધેસીધું જ બાહ્ય વસ્તુ સાથે જોડાય છે. જો બાહ્ય ભૌતિક વસ્તુ ક્યારેય આપણા જ્ઞાનનો/અનુભવનો/વિચારનો વિષય બનતી જ ન હોય તો બાહ્ય વસ્તુઓ છે અને તે આપણા અનુભવોનું કારણ છે તેવું કયા આધારે સ્થાપી શકાય ? જો એમ કહેવામાં આવે કે પ્રતિનિધિરૂપ માનસિક અવસ્થાઓ(representations)થી આપણે વસ્તુને સીધેસીધી રીતે જાણી શકીએ છીએ તો એ આપત્તિ આવે છે કે વસ્તુના પ્રતિનિધિરૂપ હોય એવી બોધસામગ્રીમાં એવું તો શું છે કે તે હોય ત્યારે જ આપણે વસ્તુને સીધેસીધી રીતે જાણી શકીએ ? જો એમ કહેવામાં આવે કે વસ્તુની પ્રતિનિધિરૂપ હોય તેવી બોધાવસ્થાઓને લીધે આપણે બાહ્ય વસ્તુનું અનુમાન કરીએ છીએ, તોપણ મુશ્કેલી એ છે કે આવાં અનુમાનનો આધાર શું છે એ પ્રશ્ન ઉદ્ભવે છે. કાર્યકારણથી તો આ અનુમાન થાય નહિ, કારણ કે બાહ્ય વસ્તુ કારણ છે અને સંવેદનો પરિણામ છે એવું તો આપણે આ મત પ્રમાણે અનુભવતા જ નથી. વસ્તુની પ્રતિનિધિરૂપ બોધાવસ્થાઓને જો બાહ્ય વસ્તુનાં પરિણામો (effects) તરીકે સ્વીકારીએ અને સાથે સાથે આપણે એમ પણ માનીએ કે બાહ્ય વસ્તુ પોતે આપણા અનુભવનો વિષય ક્યારેય થઈ શકે નહિ તો પછી એમ જ ફલિત થાય કે આપણા અનુભવોનાં કારણોને ક્યારેય આપણે સીધી રીતે જાણતા નથી.
ટૂંકમાં, રીડની દલીલો એ છે કે આપણા જ અનુભવવિષયોને જ આપણે તત્કાલ રીતે (immediately) જાણતા હોઈએ તો પછી બાહ્ય વિષય કાં તો તેવા અનુભવો વડે પણ સીધા જ જાણીએ છીએ તેમ કહેવું પડે અથવા બાહ્ય વિષય આપણે અનુમાનથી જાણીએ છીએ. આમાંથી એક પણ વિકલ્પ વાજબી ઠરતો નથી. તેથી આપણે એમ જ કહેવું પડે કે બાહ્ય વસ્તુ પોતે અને તેને કારણે જ્ઞાતાના મનમાં ઉદ્ભવતી પ્રતિનિધિરૂપ સામગ્રી (representation) બંને એક જ છે. જો આ બાબત સ્વીકારીએ તો પછી બાહ્ય વસ્તુ છે જ નહિ તેવું સ્થાપનાર વિજ્ઞાનવાદ(idealism)ને માન્ય કરવો પડે અથવા બાહ્ય વસ્તુનાં વિધાનો અંતે તો જ્ઞાતાની સંવેદનસામગ્રીને લગતાં જ વિધાનોમાં વિગલિત કરનાર મત – માનસિક વિગલનવાદ (phenomenalism) સ્વીકારવો પડે. આમ મૂળ વાંધો પ્રતિનિધાનવાદ (representationalism) અંગેનો જ છે. બાહ્ય વસ્તુ પોતે આપણા અનુભવોનો સીધેસીધો વિષય બની શકતો નથી; પણ તેને લીધે જ્ઞાતાના મનમાં ઉદ્ભવતા જ્ઞાનાકારો, જ્ઞાનની છાપો કે સંવેદનસામગ્રીને કે વિચારોને બાહ્ય પદાર્થની પ્રતિનિધિરૂપ સામગ્રી માનવી પડે છે; પરંતુ તો પછી પ્રશ્ન એ થાય છે કે બાહ્ય પદાર્થો છે અને જ્ઞાતાના મનમાં જ્ઞાનગત છાપો કે આકારો સર્જે છે એ વિધાનને કેવી રીતે સ્થાપવું ? સ્વપ્નમાં પણ બાહ્ય વસ્તુ ન હોવા છતાં જ્ઞાનના વિવિધ આકારો ઊઠે છે તેથી પ્રત્યક્ષમાં પણ બાહ્ય વસ્તુની ધારણા શા માટે કરવી ?
અલબત્ત, પ્રતિનિધિરૂપ જ્ઞાનસામગ્રીના માધ્યમથી જ બાહ્ય પદાર્થ જ્ઞાત થાય છે તેવો પ્રતિનિધિવાદ રીડને માન્ય નથી, પરંતુ તેથી તેઓ બર્કલી જેવા સ્વતંત્ર બાહ્ય વસ્તુનો નિષેધ કરનાર વિજ્ઞાનવાદ(idealism)ને કે હ્યૂમ જેવા બાહ્ય વસ્તુના અસ્તિત્વ અંગેના સંશયવાદ(scepticism)ને સ્વીકારતા નથી. ઊલટાનું વિજ્ઞાનવાદ, સંશયવાદ કે મનોનિષ્ઠ વિગલનવાદ (phenomenalism) જેવાં પરિણામો તરફ લૉકનો પ્રતિનિધિવાદ લઈ જાય છે તેવું દર્શાવીને રીડે સીધેસીધો (direct) વાસ્તવવાદ રજૂ કર્યો. રીડના મતે બાહ્ય વિષયનું જ સાક્ષાત્ પ્રગટ થાય છે, ચિત્ત ઉપર પડેલી તેની છાપનું નહિ. ચિત્ત ઉપર પડતી બાહ્ય વસ્તુની છાપનું જ સાક્ષાત્ પ્રગટ થાય છે તેવો લૉકનો મત પ્રતિનિધાનવિષયક વાસ્તવવાદ (representational realism) છે.
સીધેસીધા વાસ્તવવાદમાં મુશ્કેલી એ છે કે જો વસ્તુ પોતે જ જ્ઞાનનો સાક્ષાત્ વિષય બનતી હોય તો ભ્રમ, વિભ્રમ, સ્વપ્ન વગેરેનો ખુલાસો શું ? પાણીમાં ડુબાડેલી લાકડી વાંકી દેખાય તેનો ખુલાસો શું ? આપણા દૃષ્ટિક્ષેત્રથી દૂર ને દૂર જતા પદાર્થનું કદ નાનું કેમ લાગે છે ? એટલે આપણે માનવું જ પડશે કે વસ્તુ પોતે નહિ, પણ તેનાથી ઉદ્ભવેલા અવભાસો(appearances)ને જ આપણે જાણીએ છીએ; નહિતર એમ માનવું પડશે કે સીધી લાકડી પાણીમાં ખરેખર વાંકી બની જાય છે અને પાણીની બહાર તે પાછી સીધી થઈ જાય છે અથવા તો આકાશમાં દેખાતું હવાઈ જહાજ ખરેખર નાના કદનું હોય છે અને જમીન ઉપર ઊતરે ત્યારે તેનું કદ વધી જાય છે ! પરંતુ આવું તો બને જ નહિ. તેથી પ્રતિનિધિરૂપ જ્ઞાનાકારોને સ્વીકારનાર વાસ્તવવાદીઓ પ્રમાણે લાકડી કે એરોપ્લેન પોતે મનુષ્યના અનુભવનો સાક્ષાત્ વિષય નથી. લાકડી કે ઍરોપ્લેનને લગતી જ્ઞાનસામગ્રીનો જ સાક્ષાત્ પ્રગટ થતો હોય છે. તેથી ભ્રમ કે વસ્તુના જુદા જુદા દેખાવોનો ખુલાસો સીધા વાસ્તવવાદમાં નથી પણ પ્રતિનિધાનાત્મક વાસ્તવવાદમાં છે તેવું દર્શાવવામાં આવ્યું છે.
થૉમસ રીડ પ્રમાણે ભ્રમ, વિભ્રમ, સ્વપ્ન આદિમાં દેખાતા પદાર્થોનો ખુલાસો પ્રતિનિધિરૂપ જ્ઞાનસામગ્રીનું માધ્યમ ધાર્યા વગર જ આપી શકાય. નજીકથી વસ્તુનું કદ મોટું લાગે અને દૂરથી નાનું લાગે તેની સમજૂતી આપતાં એમ કહી શકાય કે વસ્તુમાં બે પ્રકારના ગુણ (property) હોય છે – વસ્તુનો પોતાનો (intrinsic) ગુણ અને વસ્તુનો પ્રેક્ષકના સંબંધમાં પ્રતીત થતો (relational) ગુણ. ઍરોપ્લેનનું સાચું કદ તેનો પોતાનો ગુણ છે. ધરતી ઉપરથી તેને આકાશમાં ઊડતું જોનારને તે નાનું લાગે છે. તે એરોપ્લેન અને પ્રેક્ષકની પરિસ્થિતિના સંયોગથી ઉદ્ભવતો સંબંધક ગુણ છે. ઊલટાનું અમુક અંતરે પ્લેન નાનું ન દેખાય તો જ નવાઈ પામવા જેવું ગણાય. ચંદ્રના કદમાં દેખાતી વધઘટનો પણ આ જ ખુલાસો હોઈ શકે. વસ્તુના અવભાસો (appearances) જુદા જુદા સંજોગોમાં જુદા હોય તે બાબત ઉપરથી વસ્તુ પોતે આપણા અનુભવનો સાક્ષાત્ (direct) વિષય જ નથી હોતી તેવું રીડ પ્રમાણે સ્વીકાર્ય નથી. બીજના ચંદ્ર અને પૂનમના ચંદ્રનો આકારભેદ જણાય છે, પરંતુ બંનેમાં આપણે ચંદ્રને જ જોઈએ છીએ, ચંદ્રથી ઉદ્ભવેલી જ્ઞાનની કોઈ માનસ છાપ(impression)ના માધ્યમથી આપણે ચંદ્રને જોતા નથી. રીડ આ માધ્યમવાદી અભિગમ જ પડતો મૂકે છે. તેથી તેઓ પ્રતિનિધાનવાદી નહિ પણ સીધા વાસ્તવવાદી છે. પ્રતિનિધિવાદ કાં તો સંશયવાદ છે કાં તો વિજ્ઞાનવાદ કે પછી મનોનિષ્ઠ વિગલનવાદમાં પરિણમે છે, જે રીડને સ્વીકાર્ય નથી.
III. વીસમી સદીનો વાસ્તવવાદ :
વીસમી સદીના પ્રારંભમાં પેરી, મૉન્ટેગ્યૂ અને હોલ્ટ વગેેરે અમેરિકન ચિંતકોના જૂથે થૉમસ રીડ જેવો સીધો વાસ્તવવાદ રજૂ કર્યો છે, જેને નવ્ય વાસ્તવવાદ (new realism) કહેવાય છે. બાહ્ય ભૌતિક વસ્તુઓ જ્ઞાતાથી સ્વતંત્ર છે. બાહ્ય વસ્તુઓ જ્ઞાતા માટે જ્ઞાનનો વિષય બને તેથી તે વસ્તુઓમાં કશો ફરક પડતો નથી. તે જે છે તે જ રહે છે. બાહ્ય વસ્તુ કોઈ મધ્યસ્થી માનસિક વિષયોથી આડકતરી રીતે ગ્રાહ્ય બને છે તેવો મત આ નવ્ય વાસ્તવવાદીઓને માન્ય નથી. બાહ્ય વસ્તુ પોતે જ જ્ઞાનનો તત્કાલ વિષય બને છે.
જોકે આવા સીધા વાસ્તવવાદમાં ભ્રમ, વિભ્રમ વગેરેને સમજાવવામાં પહેલાંના વાસ્તવવાદીઓને જે મુશ્કેલી પડી તે જ મુશ્કેલી ફરી વાર ઉદ્ભવી હતી. તેના અનુસંધાનમાં વાસ્તવવાદીઓના બીજા અમેરિકન ચિંતકોના જૂથે સમીક્ષાત્મક (critical) વાસ્તવવાદ રજૂ કર્યો. ડ્રેઇક, સ્ટ્રાગ, સાન્તયાન, આર. ડબ્લ્યૂ. સેલર્સ, જે. બી. પ્રેટ વગેરેએ સમીક્ષાત્મક વાસ્તવવાદી વિચાર-આંદોલનની ઘોષણા કરી. તેમણે નવ્ય વાસ્તવવાદનો વિરોધ કર્યો. તેમની દૃષ્ટિએ માનસિક સામગ્રી (content) અને વિષય(object)નો ભેદ તો પાડવો જ પડે. નવા વાસ્તવવાદીઓની જેમ તેમનો અભેદ માન્ય કરી શકાય નહિ. અલબત્ત, લૉકના પ્રતિનિધાનવાદમાં જે આપત્તિઓ આવી હતી તેના અનુસંધાનમાં માનસિક સામગ્રીને બાહ્ય વિષય સાથે કેમ જોડવી તે પ્રશ્ન તેમણે નવેસરથી વિચાર્યો; પણ આ જૂથના ચિંતકો વચ્ચે પણ આ મુદ્દે કોઈ સહમતી સાધી શકાઈ નહિ. પ્રતિનિધાનવાદ બર્કલી પ્રકારના બાહ્યવસ્તુવિષયક વિજ્ઞાનવાદ(idealism)માં પરિણમે તો શું તે પ્રશ્ન સહુને મૂંઝવતો રહ્યો છે.
વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં પણ વીસમી સદીમાં વિજ્ઞાનના સિદ્ધાંતો જગતનું સાચું ચિત્ર આપે છે કે કેમ તેની વિચારણા થઈ છે.
વીસમી સદીના વિજ્ઞાનના તત્વજ્ઞાનમાં વાસ્તવવાદ એટલે એવો મત કે જે પ્રમાણે વિજ્ઞાન જે સ્વરૂપમાં આ જગતને વર્ણવે છે તે પ્રમાણે તે જ સ્વરૂપમાં આ જગત અસ્તિત્વમાં છે. વાસ્તવવાદના વિરોધીઓ વિજ્ઞાનના નિયમોને માત્ર ગણતરી કરવાનાં સગવડરૂપ સાધનો તરીકે કે વિજ્ઞાનીઓના મનની રચનાઓ/વિભાવનાઓ તરીકે ઘટાવે છે, પરંતુ વાસ્તવવાદીઓ માને છે કે સૂક્ષ્મ જીવાણુઓ કે તારાઓ કે વિદ્યુત-ચુંબકીય બળ જે કંઈ વિજ્ઞાન-શોધિત વસ્તુઓ વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતોમાં રજૂ થાય છે તે ખરેખર વિજ્ઞાનીઓના મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે.
સત્તરમી સદીમાં યુરોપમાં જે વૈજ્ઞાનિક ક્રાન્તિ થઈ તેમાંથી જ તત્વજ્ઞાન માટે કેટલાક પ્રશ્નો થયા. વસ્તુઓના જે કંઈ ગુણો અનુભવાય છે તે બધા વસ્તુઓમાં જ રહે છે તેવો સર્વસામાન્ય સમજણની કક્ષાએ જગત વિશેનો મત (manifest image) તે સમયના ભૌતિકશાસ્ત્રથી પડી ભાંગ્યો. રંગ, સ્વાદ, ગંધ વગેરે ગૌણ ગુણો ભૌતિકશાસ્ત્ર મુજબ ભૌતિક પદાર્થ(matter)માં નથી હોતા. ભૌતિક વસ્તુ તો કણો(corpuscles)ની કે ‘પાર્ટિકલ્સ’ની બનેલી હોય છે. તેમાં રંગ, સ્વાદ કે ગંધ નથી. જગતના આ વૈજ્ઞાનિક ચિત્ર(scientific image)નો સ્વીકાર કરો તો અતિ સરળ (naive) વાસ્તવવાદનો અસ્વીકાર કરવો પડે; પરંતુ તેનું એક અણધાર્યું પરિણામ એ આવ્યું કે જો અનુભવાત્મક ગુણો ભૌતિક દ્રવ્યમાં ન હોય અને જ્ઞાતાઓમાં હોય તો પછી જ્ઞાતાઓ ભૌતિક દ્રવ્યો (material substances) નથી! અને જો એમ માનો તો વિજ્ઞાનને આધારે જ ભૌતિકવાદનો અસ્વીકાર કરવો પડે. કાં તો અનુભવાત્મક ગુણો(રંગ, સ્વાદ વગેરે)નો જ અસ્વીકાર કરો અથવા તો કશુંક અભૌતિક (immaterial) છે તે સ્વીકારો. વીસમી સદીના કેટલાક ભૌતિકવાદી તત્વચિંતકોએ પહેલો વિકલ્પ સ્વીકાર્યો છે. જોકે બધા ભૌતિકવિજ્ઞાનીઓ ભૌતિકવાદીઓ હોતા નથી.
આમ જગતવિષયક વૈજ્ઞાનિક ચિત્ર જો સાચું હોય તો ‘કૉમન સેન્સ’થી અનુભવાત્મક ગુણોને ભૌતિક વસ્તુના ગુણો માનવામાં આવે છે તે ખોટું હોવું જોઈએ. પરંતુ ભૌતિક વસ્તુને અનુભવાત્મક ગુણો રહિતની વસ્તુ ગણો તો અનુભવાત્મક ગુણોનો ખુલાસો જ્ઞાતાના મન અને વસ્તુ વચ્ચેની આંતરક્રિયાથી આપવો પડે; પરંતુ તેમ કરવા જતાં મનની સત્તા(reality of mind)ને સ્વીકારવી પડે અને મનના અસ્તિત્વનો ભૌતિકશાસ્ત્રના જગતવિષયક ચિત્રમાં કેમ સમાવેશ કરવો તે પ્રશ્ન ઉદ્ભવે છે, કારણ કે મન ભૌતિક છે કે કેમ તે પ્રશ્ન રહે છે.
આમ વિજ્ઞાન અને તત્વજ્ઞાનની આંતરક્રિયાના સંદર્ભમાં જ પાશ્ર્ચાત્ય વાસ્તવવાદ અને વિચારવાદ(વિજ્ઞાનવાદ idealism)ના વિરોધને સમજવો પડે તેમ છે.
હરસિદ્ધ જોશી, મધુસૂદન બક્ષી